Mahudi Jain Temple History: ગાંધીનગરથી અંદાજે 35 કિમી દૂર આવેલુ મહુડી જૈન તીર્થ ધામ જૈનોનું પવિત્ર યાત્રાધામ ગણાય છે. અહીં આવેલું ઘંટાકર્ણ મહાવીર મંદિર જૈન ધર્મના 24 પ્રમુખ તીર્થ ધામો પૈકીનું એક ગણાય છે. સમગ્ર જૈન સમુદાયના લોકો ભગવાન ઘંટાકર્ણ મહાવીર દાદાના દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે. આજે ગુજરાતી જાગરણની મંદિરોની સીરિઝમાં વાચકોને જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિર મહુડી વિશે માહિતી આપશે.
મહુડી જૈન મંદિરનું ધાર્મિક મહત્વ
જૈનોના અતિ પવિત્ર ગણાતા ઘંટાકર્ણ મહાવીર મંદિરનું સંકુલ લગભગલ 2 કિમીમાં ફેલાયેલું છે, અહીં ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર છે. જેના શિખર પર સોનાનો કળશ છે. સમગ્ર મંદિર આરસપહાણથી નિર્મિત કરવામાં આવેલું છે. તેમજ દેરાસરમાં ઘંટાકર્ણ દાદા સાથે પદ્માવતી માતાના મંદિરનો વિશેષ મહિમાં છે. જૈન ધર્મના પાવન તીર્થ એવા મહુડી જૈન મંદિરમાં ઘંટાકર્ણ મહાવીર દાદાને સુખડીનો પ્રસાદ વહેચાય છે.
ઘંટાકર્ણ દાદાને સુખડીનો પ્રસાદ અતિ પ્રિય હોવાથી દર્શન કરવા આવતા ભક્તોને તે અપાય છે. આ મંદિરથી જોડાયેલી એક ધાર્મિક માન્યતા છે કે, ભગવાન ઘંટાકર્ણને ચડાવાતી સુખડીની પ્રસાદી મંદિરમાં જ ખાવી પડે છે. તેને બહાર લઈ જઈ શકાતી નથી. બહારથી આવતા યાત્રાળુઓ માટે ઉત્તમ અને સ્વચ્છ ગેસ્ટ હાઉસ (ધર્મશાળા) ની સગવડ છે.
મહુડી જૈન મંદિરનો પ્રાચીન ઇતિહાસ
પૌરાણિક કાળમાં આ સ્થળ મધુપુરી તરીકે ઓળખાતું હતું. આ ક્ષેત્ર લગભગ 2 હજાર વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ સ્વામીનું જિનાલય આવેલું હતું. પરંતુ ગામમાં અતિ પ્રચંડ પૂર આવતા જૈન શ્રેષ્ઠીઓ એ નવું વામ વસાવીને સંવત 1974 (માગસર સુદ ૬) ના રોજ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી.
આ દેરાસરમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભુ સ્વામી ભગવાનની સાથે બાવન વીરો પૈકી એક રક્ષક દેવ શ્રી ઘંટાકર્ણ મહાવીરને જૈન સંત શ્રીમદ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબે વિરાજમાન કર્યા હતા. ઘંટાકર્ણ મહાવીરજી વિશે જૈન ધર્મની માન્યતા પ્રમાણે તેઓ પૂર્વ ભવમાં એક પરાક્રમી અને દયાળુ ક્ષત્રિય રાજા હતા. જેમણે સતીઓ, સાધુઓ અને ધાર્મિક પ્રજાનું રક્ષણ કર્યું હતું આતી તેમને જૈન ધર્મના રક્ષક દેવ તરીકે પૂજવામાં આવે છે. ઘંટકર્ણ મહાવીરની મૂર્તિ ચમત્કારિક શક્તિઓ ધરાવે છે તેવું માનવામાં આવે છે.
ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિર મહુડીના દર્શનનો સમય
- મંદિરમાં દર્શનનો સમય: સવારે 6:00 વાગ્યે
- મંદિર બંધ થવાનો સમય: રાત્રે 8:00 વાગ્યે
આરતીનો સમય
- સવારની આરતી: સવારે 6:00 વાગ્યે
- સાંજે આરતી: સાંજે 7:00-8:00 વાગ્યે
મહુડી જૈન મંદિર કેવી રીતે પહોંચવું?
રોડ માર્ગ દ્વારા
મહુડી જૈન મંદિર સુધી પહોંચવા માટે અમદાવાદ અને ગાંધીનગરથી પણ રોડ માર્ગેથી પણ જઈ શકાય છે. અમદાવાદના રાણીપ બસ પોર્ટ, ગીતા મંદિર બસ સ્ટેન્ડથી એસ.ટી બસ, અન્ય પ્રાઇવેટ બસ દ્વારા મહુડી જૈન મંદિર સુધી જઈ શકાય છે.
- ગાંધીનગરથી અંતર: 35 કિલોમીટર
- અમદાવાદથી અંતર: 70 કિલોમીટર
- નજીકનું મુખ્ય મથક: વિજાપુર
રેલ્વે માર્ગ દ્વારા
જૈન તીર્થ મહુડી જવા માટે શ્રદ્ધાળુઓ રેલ્વે માધ્યમથી જઈ શકે છે. મંદિરથી સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન વિજાપુર છે. જે મહુડીથી આશરે 10 કિમી દૂર છે. ઉપરાંત અમદાવાદના અસારવા સ્ટેશનથી પ્રાંતિજ માટે ટ્રેન મળી રહે છે. પ્રાંતિજ ઉતરીને લોકલ બસ કે ટેક્સી દ્વારા મહુડી જઇ શકાય છે.
હવાઇ માર્ગ દ્વારા
જે જૈન શ્રદ્ધાળુ ગુજરાતની બહાર રહેતા હોય અને તેમને મહુડી જૈન મંદિરે દર્શન કરવા હોય તો અમદાવાદનું એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. એરપોર્ટથી મહુડીનું અંતર અંદાજે 55 કિમી છે. અહીંથી શ્રદ્ધાળુઓ સીધી પ્રાઇવેટ ટેક્સી કરીને 1 કલાકમાં મહુડી પહોંચી શકે છે.
મહુડી જૈન મંદિર આસપાસ ફરવા લાયક સ્થળો
- આગલોડ જૈન તીર્થ
- લોદરા હનુમાનજીનું મંદિર
- શ્રી કોટયાર્ક ખડાયતા મંદિર
- સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક
- અલોઆ હિલ્સ રિસોર્ટ એન્ડ ગોલ્ફ કોર્સ
