Bhavnath Mahadev Temple History: ભગવાન મહાદેવના સંપૂર્ણ ભારતવર્ષમાં અનેકો મંદિરો આવેલા છે. પવિત્ર શ્રાવણ માસ આવવાનો હોય ત્યારે ભક્તો ભગવાન શિવના ભક્તિભાવથી દર્શન કરવા માટે જતાં હોય છે. ગુજરાતમાં પણ ભગવાન શિવને સમર્પિત ઘણા પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરો સ્થિત છે. આ પૈકીનું એક પૌરાણિક અને પવિત્ર શિવમંદિર જૂનાગઢમાં આવેલું છે. ગરવા ગિરનારની તળેટીમાં સ્થિત ભવનાથ શિવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આ શિવમંદિરની દર વર્ષે લાખો ભક્તો દર્શન કરે છે. આજે ગુજરાતી જાગરણની મંદિરોની સિરીઝમાં અમે વાચકોને ભવનાથ શિવમંદિર વિશે માહિતી આપાશું.
ભવનાથ મહાદેવનું ધાર્મિક મહત્વ ( Religious significance of Bhavnath Mahadev Temple)
ગુજરાતના જૂનાગઢમાં સ્થિત ભવનાથ મંદિર જૂનાગઢના સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે ઘણા ભકતો આવે છે. દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં મહાશિવરાત્રિના પાવન અસરે મંદિરમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. જેમાં ભક્તો ભક્તિભાવ પૂર્વક ભગવાન શિવજીનું પૂજન કરે છે હિન્દુ ધર્મ મુજબ, મહા શિવરાત્રીના દિવસની મધ્યરાત્રિએ, આ સ્થળને શણગારવામાં આવે છે અને નાગા સાધુઓ મૃગી કુંડમાં પવિત્ર ડૂબકી લગાવે છે. આ નાગા સાધુઓ દશનામી સંપ્રદાયના છે. હિન્દુ ધર્મના લોકો માને છે કે, આ દિવસે ભગવાન શિવ સાક્ષાત ભક્તોની વચ્ચે આવે છે. દર વર્ષે મંદિરમાં મહા શિવરાત્રી અને લીલી પરિક્રમાની ઉજવણી કરવામાં આવે છે.
ઓક્ટોબર અથવા નવેમ્બર માસમાં ભવનાથ મંદિરમાં લીલી પરિક્રમાનુ આયોજન થાય છે. આ ઉજવણી વિજ્યાદશમીના દિવસે શરુ થાય છે. આ લીલી પરિક્રમા પાંચ દિવસ સુધી ચાલે છે. ગુજરાત અને દેશભરના લોકો અહીં ગિરનારની 36 કિમીની ગોળ યાત્રા કરવા માટે આવે છે. આ યાત્રા દરમિયાન શ્રધ્ધાળુઓ વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરીને લીલી પરિક્રમા કરે છે. પરિક્રમા સમયે તેઓ માં ભવનાથ મંદિરથી જીના બાવાની માધી, હનુમાન ધારા, માલવેલા, બોરદેવી અને અંતે ભવનાથ મંદિર પાછા ફરે છે.
ભવનાથ મહાદેવ મંદિરનો ધાર્મિક ઇતિહાસ (History of Bhavnath Mahadev Temple)
શ્રી ભવનાથ મહાદેવની ઉત્પતિ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. તેમ છતાં મંદિરના ઐતિહાસિક પુરાવાઓનું વર્ણન ઘણી ધાર્મિક વાર્તાઓમાંથી મળી આવે છે. આ મંદિરનું અસ્તિત્વ પ્રાચીન કાળથી છે. પૌરાણિક માન્યતા અનુસાર, અહીં હાજર શિવલિંગનો ઉદભવ આ સ્થળને ભગવાન શિવનું પૂજા સ્થળ બનાવવાના દૈવીય ઉદ્દેશ્ય સાથે થયો હતો. ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ, એક સમયે ભગવાન શિવ અને તેમની પ્રિય પત્ની પાર્વતી સાથે ગિરનાર ટેકરીઓ પાર કરી રહ્યા હતા અને પછી અજાણતાં તેમનું પવિત્ર વસ્ત્ર મૃગી કુંડ પર પડ્યું અને ત્યારથી આ સ્થળ ભગવાન શિવની પૂજા કરવા માટે એક શુભ સ્થળ બની ગયું. આ સ્થળની પવિત્રતાની ઉજવણી માટે, આજે પણ અહીં ના સાધુઓ મહાશિવરાત્રીની ઉજવણી પહેલાં મૃગી કુંડમાં સ્નાન કરે છે.
ભવનાથ મહાદેવ મંદિરનો દર્શન અને આરતીનો સમય (Bhavnath Mahadev Temple Darshan-Aarti Timings)
- સવારની આરતી: સવારે 4:45 વાગ્યે
- ભોગ આરતી: સવારે 11:00 વાગ્યે
- સંધ્યા આરતી: સાંજે 7:15 વાગ્યે
- શયન આરતી: રાત્રે 10:00 વાગ્યે
- સામાન્ય દર્શન: સવારે 6:30 થી રાત્રે 8:30 (મંદિરના નિયમિત ખુલવાનો સમય)
ભવનાથ મહાદેવ મંદિર કેવી રીતે પહોંચવું? (How to Reach Bhavnath Mahadev Temple)
રોડ દ્વારા (By Road)
ગુજરાતના તમામ મોટા શહેરોમાંથી જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર સુધી જવા માટે એસ,ટી અને ખાનગી બસની સેવા ઉપલબ્ધ છે. મંદિરથી જૂનાગઢ બસ સ્ટેન્ડ 7 કિમી દૂર આવેલું છે.
- રાજકોટથી જૂનાગઢનું અંતર 102 કિલોમીટર
- ભાવનગરથી જૂનાગઢનું અંતર: 208 કિલોમીટર
- અમદાવાદથી જૂનાગઢનું અંતર: 323 કિલોમીટર
- ગાંધીનગરથી જૂનાગઢનું અંતર: 345 કિલોમીટર
રેલ્વે દ્વારા (By Train)
ભવનાથ મહાદેવ મંદિરનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન જૂનાગઢનું છે .અંહીથી દેશના મોટા શહેરોમાંથી ટ્રેનો મળી રહે છે. સ્ટેશનથી રિક્ષા કે ટેક્સી દ્વારા ભવનાથ જઈ શકાય છે.
ફ્લાઇટ દ્વારા (By Flight)
ભવનાથ મહાદેવના દર્શન કરવા ઈચ્છતા ભક્તોને વિમાની સેવાનો ઉપયોગ કરીને દર્શન કરવા આવવું હોય તો જૂનાગઢનું નજીકનું મુખ્ય એરપોર્ટ રાજકોટમાં છે, જે અહીંથી આશરે 103 કિમી દૂર છે. ત્યાંથી ટ્રેન કે રોડ માર્ગે જૂનાગઢ આવી શકાય છે.
ભવનાથ મહાદેવ મંદિરની આસપાસ ફરવાલાયક સ્થળો (Places to Visit Near Bhavnath Mahadev Temple)
- મૃગીકુંડ
- જટાશંકર મહાદેવ
- બોરદેવી મંદિર
- ગિરનાર રોપ-વે
- સુદર્શન તળાવ
- અશોકનો શિલાલેખ
