Shardiya Navratri 2026 Start and End Date: હિન્દુ ધર્મમાં શક્તિની ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. આસો મહિનાના સુદ પક્ષની પડવાથી શરૂ થતા આ નવ દિવસો દરમિયાન મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન મા દુર્ગા ધરતી પર નિવાસ કરે છે અને સાચા મનથી આરાધના કરનાર ભક્તોને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપે છે. વર્ષ 2026માં આસો નવરાત્રિ 10 ઓક્ટોબરથી શરૂ થશે કે 11 ઓક્ટોબરથી, તેને લઈને ભક્તોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ નવરાત્રિની સચોટ તારીખ, ઘટસ્થાપનાનું મુહૂર્ત અને પૂજા વિધિ વિશેની સંપૂર્ણ માહિતી.
આસો નવરાત્રિ 2026 તારીખ
દ્રિક પંચાંગ અનુસાર, આસો સુદ પડવાની તિથિ 10 ઓક્ટોબરના રોજ રાત્રે 9:19 વાગ્યે શરૂ થશે અને 11 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 વાગ્યે પૂર્ણ થશે. ઉદયા તિથિની માન્યતા અનુસાર, આ વર્ષે આસો નવરાત્રિનો પ્રારંભ 11 ઓક્ટોબર, રવિવારથી થશે અને 20 ઓક્ટોબરે દશેરાના પાવન પર્વ (વિજયાદશમી) સાથે તેનું સમાપન થશે.
ઘટસ્થાપના (કળશ સ્થાપના) માટેનું શુભ મુહૂર્ત
નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપનાનું વિશેષ મહત્ત્વ છે. દ્રિક પંચાંગ અનુસાર, 11 ઓક્ટોબરે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત સવારે 6:35થી 10:29 વાગ્યા સુધી રહેશે, જેનો સમયગાળો 3 કલાક 54 મિનિટનો છે. આ ઉપરાંત, અભિજિત મુહૂર્ત બપોરે 12:03થી 12:50 વાગ્યા સુધી રહેશે, જેમાં પણ કળશ સ્થાપના કરી શકાય છે.
ઘટસ્થાપના દરમિયાન ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ
ઘટસ્થાપનાનું મુહૂર્ત પ્રતિપદા તિથિ દરમિયાન આવી રહ્યું છે, પરંતુ આ સમયગાળા દરમિયાન વર્જિત ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગ પણ રહેશે. પ્રતિપદા તિથિ 10 ઓક્ટોબરે રાત્રે 9:19થી 11 ઓક્ટોબરે રાત્રે 9:30 વાગ્યા સુધી, ચિત્રા નક્ષત્ર 10 ઓક્ટોબરે રાત્રે 9:42થી 11 ઓક્ટોબરે રાત્રે 10:32 વાગ્યા સુધી અને વૈધૃતિ યોગ 10 ઓક્ટોબરે રાત્રે 10:02થી 11 ઓક્ટોબરે રાત્રે 9:05 વાગ્યા સુધી રહેશે.
અષ્ટમી અને નવમી તિથિ ક્યારે છે?
આ વર્ષે મહાઅષ્ટમીનું પવિત્ર વ્રત 18 ઓક્ટોબરે રાખવામાં આવશે. અષ્ટમી તિથિ 19 ઓક્ટોબરની સવારે 10:51 વાગ્યા સુધી રહેશે, ત્યારબાદ મહાનવમીનો પ્રારંભ થશે. આ સમયગાળામાં સંધિ પૂજા અને કન્યા પૂજન કરવાની પરંપરા છે. મહાનવમીના દિવસે હવન માટે 19 ઓક્ટોબરે સવારે 11:44 થી બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ અને સર્વસિદ્ધિદાયક માનવામાં આવે છે.
ઘટસ્થાપના કરવાની સાચી વિધિ શું છે?
- નવરાત્રિના પ્રથમ દિવસે ઘરના ઈશાન ખૂણા (ઉત્તર-પૂર્વ દિશા) ને સાફ કરી ગંગાજળ છાંટીને પવિત્ર કરો.
- ત્યાં એક લાકડાની પાટલી પર લાલ કપડું પાથરી મા દુર્ગાની પ્રતિમા સ્થાપિત કરો.
- મૂર્તિની સામે માટીના એક છીછરા પાત્રમાં માટીનું પડ પાથરી તેમાં જવ વાવો અને થોડું પાણી છાંટો.
- તાંબા, પિત્તળ કે માટીના કળશના ગળા પર નાડાછડી બાંધી સ્વસ્તિક બનાવો. તેમાં જળ, ગંગાજળ, સિક્કો, સોપારી, દૂર્વા, અક્ષત અને હળદર ઉમેરો.
- કળશ પર 5 અથવા 7 આસોપાલવ કે કેરીના પાન ગોઠવી, લાલ ચુંદડીમાં લપેટેલું નાળિયેર સ્થાપિત કરો. નાળિયેરનું મુખ તમારી તરફ રહે તેનું ધ્યાન રાખો.
- આ કળશને જવવાળા પાત્રની મધ્યમાં મૂકી પૂજાનો સંકલ્પ લો. ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવી માતાજીને પુષ્પ, ફળ અને મીઠાઈ અર્પણ કરી આરતી કરો.
આસો નવરાત્રિ 2026 કેલેન્ડર
- 11 ઓક્ટોબર (પડવો): મા શૈલપુત્રીની પૂજા
- 12 ઓક્ટોબર (બીજ): મા બ્રહ્મચારિણીની પૂજા
- 13 ઓક્ટોબર (ત્રીજ): મા ચંદ્રઘંટાની પૂજા
- 14 ઓક્ટોબર (ચોથ): મા કૂષ્માંડાની પૂજા
- 15 ઓક્ટોબર (પાંચમ): મા સ્કંદમાતાની પૂજા
- 16 ઓક્ટોબર (છઠ્ઠ): મા કાત્યાયનીની પૂજા
- 17 ઓક્ટોબર (સાતમ): મા કાલરાત્રિની પૂજા
- 18 ઓક્ટોબર (મહાઅષ્ટમી): મા મહાગૌરીની પૂજા
- 19 ઓક્ટોબર (મહાનવમી): મા સિદ્ધિદાત્રીની પૂજા
- 20 ઓક્ટોબર (દશમી): નવરાત્રિ પારણું, દુર્ગા વિસર્જન અને વિજયાદશમી (દશેરા)
