ગણેશજીની મૂર્તિઓના વિસર્જન પર પ્રેમાનંદજી મહારાજની ગંભીર ચેતવણી, કહ્યું- મૂર્તિઓ પર JCB ચલાવવું એ ઘોર અપરાધ છે

Ganesh Visarjan Rules: ગણેશોત્સવ અને નવરાત્રિ બાદ મૂર્તિ વિસર્જન દરમિયાન થતા અનાદર અંગે પ્રેમાનંદજી મહારાજે ગંભીર ચેતવણી આપી છે. JCBથી મૂર્તિઓને નુકસાન પહોંચાડવું અને કચરાની જેમ વર્તન કરવું મોટો અપરાધ ગણાવ્યો છે. જાણો વિસર્જનની યોગ્ય રીત અને ઘરમાં મૂર્તિ સ્થાપન સંબંધિત મહત્વપૂર્ણ નિયમો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 21 Sep 2026 02:21 PM (IST)Updated: Mon, 21 Sep 2026 02:21 PM (IST)
premanand-ji-maharaj-warning-on-ganesh-visarjan-jcb-on-idols-is-a-serious-offence

premanand ji maharaj warning on ganesh visarjan: ગણેશોત્સવ અને નવરાત્રિ જેવા પવિત્ર તહેવારો દરમિયાન 5 દિવસ કે 10 દિવસ સુધી ગણેશજી તથા માતાજીની પ્રતિમાઓની શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કર્યા બાદ વિસર્જન સમયે થતા અનાદર અંગે આદ્યાત્મિક ગુરુ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મૂર્તિ વિસર્જન પછી થતી બેદરકારી અને તેનાથી લાગતા પાપ અંગે મહારાજશ્રીએ ભક્તોને વિશેષ સાવધાની રાખવા આહ્વાન કર્યું છે.

મૂર્તિઓ પર JCB ચલાવવું અને કચરાની જેમ વર્તાવ કરવો એ મોટો અપરાધ

પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, જે મૂર્તિઓને આપણે ભક્તિભાવથી સિંહાસન પર બિરાજમાન કરીએ છીએ, તિલક કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને ભોગ ધરાવીએ છીએ, વિસર્જન પછી તે જ મૂર્તિઓ ઉપર JCB મશીનો ચાલતાં જોવા મળે છે અથવા પાણી ઓછું થતાં તે કચરાની જેમ ફેંકાયેલી રહે છે. ભગવાનની મૂર્તિઓ કે ચિત્રોનો આ પ્રકારે અનાદર કરવો એ સનાતન ધર્મની મર્યાદાનું ખંડન છે અને તે બહુ મોટો અપરાધ છે. મહારાજશ્રીએ સ્પષ્ટ કર્યું કે આવા કૃત્યોથી ભક્તોને ક્યારેય લાભ નથી મળતો પરંતુ ભારે નુકસાન અને પાપ થાય છે.

માટીની મૂર્તિઓ અને કુંડમાં સન્માનજનક વિસર્જનની કરવાની સલાહ

મહારાજશ્રીએ વિસર્જનની સાચી પદ્ધતિ સમજાવતાં કહ્યું કે, હંમેશાં એવી પવિત્ર માટીની જ મૂર્તિઓ બનાવવી જોઈએ જે પાણીમાં જતાં જ 2 થી 4 કલાકમાં ઓગળીને પૂરી રીતે જળમય થઈ જાય. આ ઉપરાંત અગાધ જળવાળો સરોવર કે કુંડ બનાવવો જોઈએ અથવા ખાડો ખોદીને મૂર્તિઓને સન્માનપૂર્વક સમાધિ આપવી જોઈએ, જેથી વિસર્જન પછી મૂર્તિઓ બહાર ખુલ્લામાં ન દેખાય.

ઘરમાં મૂર્તિ સ્થાપન અંગે મહત્વપૂર્ણ નિયમ

ઘરમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવા અંગે પણ પ્રેમાનંદજી મહારાજે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. તેમના અનુસાર, જો ઘરમાં ભગવાનનો વિગ્રહ કે મૂર્તિ પધરાવવામાં આવે તો તેને જીવંત સ્વરૂપ માનીને નિયમિત સેવા-પૂજા કરવી જરૂરી છે. સવારે બાલભોગ, બપોરે રાજભોગ અને રાત્રે શયન જેવી સેવાઓ નિયમિત રીતે કરવી જોઈએ. જો આ પ્રકારની સેવા શક્ય ન હોય તો ભગવાનની સુંદર છબી રાખીને પણ સંપૂર્ણ શ્રદ્ધા અને ભાવના સાથે પૂજા કરી શકાય છે.