Navratri 2026: હિંદુ ધર્મમાં નવરાત્રી શક્તિની ઉપાસનાનું વિશેષ પર્વ માનવામાં આવે છે. ખાસ કરીને શારદીય નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ગુજરાતમાં આ નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના સાથે ગરબા અને રાસનું પણ વિશેષ મહત્વ છે. પરંતુ શું તમને ખબર છે કે નવરાત્રીના દરેક દિવસે કઈ માતાની પૂજા કરવામાં આવે છે અને આ નવ સ્વરૂપો પાછળની ધાર્મિક માન્યતા શું છે? જાણો નવરાત્રીની શરૂઆતથી લઈને નવદુર્ગાના તમામ સ્વરૂપોની સંપૂર્ણ માહિતી.
નવરાત્રીની શરૂઆત કેવી રીતે થઈ?
આ પણ વાંચો
નવરાત્રીનો સંબંધ દેવી શક્તિની ઉપાસના સાથે જોડાયેલો છે. હિંદુ ધાર્મિક પરંપરામાં માતા દુર્ગાને આદિશક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન તેમની વિવિધ શક્તિઓ અને સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવદુર્ગા એટલે માતા દુર્ગાના નવ સ્વરૂપો. ધાર્મિક માન્યતા અનુસાર આ સ્વરૂપો દેવી પાર્વતી સાથે જોડાયેલા છે.
નવરાત્રી વર્ષમાં ચાર વખત આવે છે, જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રી સામાન્ય રીતે સૌથી વધુ પ્રચલિત છે. શારદીય નવરાત્રી આશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને નવમી સુધી ચાલે છે. દસમા દિવસે વિજયાદશમી એટલે કે દશેરા ઉજવવામાં આવે છે. 2026માં શારદીય નવરાત્રીની શરૂઆત 11 ઓક્ટોબર, રવિવારથી થશે અને નવ દિવસની આરાધના બાદ 20 ઓક્ટોબરે વિજયાદશમી ઉજવાશે.
નવરાત્રીના 9 દિવસ કઈ માતાની પૂજા થાય છે?
1. પ્રથમ દિવસ – માતા શૈલપુત્રી
નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલ એટલે પર્વત અને પુત્રી એટલે દીકરી. માન્યતા અનુસાર માતા સતીના દેહત્યાગ બાદ તેમણે હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લીધો અને શૈલપુત્રી તરીકે ઓળખાયા. તેમના હાથમાં ત્રિશૂળ અને કમળ હોય છે તથા તેમનું વાહન વૃષભ છે.
2. બીજો દિવસ – માતા બ્રહ્મચારિણી
બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના થાય છે. આ સ્વરૂપ તપ, સંયમ અને સાધનાનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક કથાઓમાં માતા પાર્વતીના કઠોર તપસ્યા કરનારા સ્વરૂપ સાથે બ્રહ્મચારિણીનું જોડાણ કરવામાં આવે છે.
3. ત્રીજો દિવસ – માતા ચંદ્રઘંટા
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. તેમના મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલો હોવાથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. આ સ્વરૂપ માતા પાર્વતીના વૈવાહિક સ્વરૂપ સાથે જોડાયેલું છે.
4. ચોથો દિવસ – માતા કુષ્માંડા
ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમનું સ્વરૂપ સૂર્યના તેજ અને ઊર્જા સાથે જોડાયેલું છે. નવદુર્ગામાં કુષ્માંડાને સૃષ્ટિની ઊર્જા સાથે સંબંધિત શક્તિ તરીકે વર્ણવવામાં આવે છે.
5. પાંચમો દિવસ – માતા સ્કંદમાતા
પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. ભગવાન કાર્તિકેયને સ્કંદ પણ કહેવામાં આવે છે. માતા પાર્વતી જ્યારે સ્કંદની માતા બન્યા ત્યારે તેમનું આ સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાયું. તેમને માતૃત્વ અને મમતાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે.
6. છઠ્ઠો દિવસ – માતા કાત્યાયની
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર મહિષાસુરનો વધ કરવા માટે દેવીના આ શક્તિશાળી સ્વરૂપનું પ્રાગટ્ય થયું હતું. તેથી કાત્યાયની માતાને યુદ્ધ અને શક્તિના સ્વરૂપ સાથે જોડવામાં આવે છે.
7. સાતમો દિવસ – માતા કાલરાત્રિ
સાતમા દિવસે માતા કાલરાત્રિની ઉપાસના થાય છે. નવદુર્ગામાં આ સ્વરૂપ સૌથી ઉગ્ર સ્વરૂપોમાંનું એક માનવામાં આવે છે. ધાર્મિક કથાઓમાં કાલરાત્રિ માતાને દુષ્ટ શક્તિઓના સંહાર સાથે જોડવામાં આવે છે.
8. આઠમો દિવસ – માતા મહાગૌરી
આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીને પવિત્રતા, શાંતિ અને સૌમ્યતાના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે. નવરાત્રીની અષ્ટમીના દિવસે અનેક સ્થળોએ દુર્ગાષ્ટમી અને કુમારી પૂજા જેવી પરંપરાઓ પણ જોવા મળે છે.
9. નવમો દિવસ – માતા સિદ્ધિદાત્રી
નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. નામ પ્રમાણે તેમને સિદ્ધિઓ પ્રદાન કરનારી દેવી તરીકે માનવામાં આવે છે. નવરાત્રીના નવમા દિવસે સિદ્ધિદાત્રીની આરાધના સાથે નવદુર્ગાની નવ દિવસની ઉપાસના પૂર્ણ થાય છે.
નવરાત્રીના નવ દિવસનું ધાર્મિક મહત્વ
નવરાત્રીના નવ દિવસને માત્ર અલગ-અલગ દેવી સ્વરૂપોની પૂજા પૂરતું મર્યાદિત માનવામાં આવતું નથી. આ પર્વમાં શક્તિ, સાધના, સંયમ અને ભક્તિ સાથે જોડાયેલી પરંપરાઓનું મહત્વ છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના સાથે ગરબા અને દાંડિયાનું વિશેષ આકર્ષણ રહે છે. નવ દિવસ બાદ દસમા દિવસે વિજયાદશમી ઉજવાય છે, જેને અધર્મ પર ધર્મના વિજયના પર્વ તરીકે પણ જોવામાં આવે છે.
નોંધનીય છે કે નવદુર્ગાના આ નવ સ્વરૂપોની યાદી ઉત્તર ભારત અને ગુજરાત સહિત અનેક પરંપરાઓમાં પ્રચલિત છે, પરંતુ ભારતના અલગ-અલગ સંપ્રદાય અને પ્રદેશોમાં નવરાત્રી દરમિયાન પૂજાતા દેવી સ્વરૂપોમાં ભિન્નતા પણ જોવા મળે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી ધાર્મિક માહિતી અને માન્યતાઓ વિવિધ હિંદુ ધાર્મિક પરંપરાઓ તથા ઉપલબ્ધ સંદર્ભો પર આધારિત છે. પ્રદેશ અને સંપ્રદાય પ્રમાણે વિધિ તથા માન્યતાઓમાં ફેરફાર થઈ શકે છે.
