Labh Pancham Muhurat Gujarati 2026: હિન્દુ ધર્મમાં દિવાળીના પાવન પર્વ બાદ આવતા 'લાભ પાંચમ' ના તહેવારનું અત્યંત વિશેષ ધાર્મિક અને વ્યવસાયિક મહત્વ રહેલું છે. કારતક મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ આવતા આ પર્વને 'સૌભાગ્ય પંચમી' અથવા 'જ્ઞાન પંચમી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોમાં આ દિવસે વેપારીઓ રજાઓ પૂર્ણ કરી પોતાના વેપાર-ધંધાના શ્રીગણેશ કરે છે. આ પવિત્ર દિવસે દેવી લક્ષ્મીની પૂજા અને નવા હિસાબી ચોપડાના ઉદ્ઘાટનથી વ્યવસાયમાં પ્રગતિ અને જીવનમાં સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. વર્ષ 2026 માં લાભ પાંચમ ક્યારે છે, પૂજાનું શુભ મુહૂર્ત, ચોઘડિયા અને પૂજા વિધિ વિશેની વિગતવાર જાણકારી મેળવો.
વર્ષ 2026 માં લાભ પાંચમ ક્યારે ઉજવાશે?
વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે કારતક સુદ પાંચમ (લાભ પાંચમ) ની તિથિ 13 નવેમ્બર 2026 ના રોજ રાત્રે 08:42 વાગ્યે શરૂ થશે. આ તિથિનું સમાપન 14 નવેમ્બર 2026 ના રોજ રાત્રે 11:23 વાગ્યે થશે. હિન્દુ ધર્મમાં સૂર્યોદય સમયની ઉદયાતિથિનું વિશેષ મહત્વ હોવાથી, આ વર્ષે લાભ પાંચમનો તહેવાર 14 નવેમ્બર 2026, શનિવારના રોજ ઉજવવામાં આવશે.
લાભ પાંચમ 2026 વેપારીઓ માટે પૂજાનું શુભ મુહૂર્ત
લાભ પાંચમના દિવસે વેપારીઓ માટે નવી શરૂઆત કરવા અને પૂજા કરવા માટે પ્રાતઃકાળનું મુહૂર્ત શ્રેષ્ઠ માનવામાં આવે છે. 14 નવેમ્બર 2026 ના રોજ સવારે 06:52 વાગ્યાથી લઈને 10:33 વાગ્યા સુધીનું મુહૂર્ત પૂજા માટે ઉપલબ્ધ રહેશે. આમ, વેપારીઓને પોતાના ધંધાના ઉદ્ઘાટન માટે કુલ 03 કલાક 41 મિનિટનો ઉત્તમ સમયગાળો મળશે. આ ઉપરાંત દિવસ દરમિયાન અન્ય મહત્વના શુભ મુહૂર્ત નીચે મુજબ છે:
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 05:09 થી 06:01 સુધી
- પ્રાતઃ સંધ્યા: સવારે 05:35 થી 06:52 સુધી
- અભિજિત મુહૂર્ત: બપોરે 12:02 થી 12:46 સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 02:14 થી 02:59 સુધી
- ગોધૂલી મુહૂર્ત: સાંજે 05:56 થી 06:22 સુધી
- સાયાહ્ન સંધ્યા: સાંજે 05:56 થી 07:13 સુધી
- અમૃત કાળ: બપોરે 02:59 થી 04:47 સુધી
- રવિ યોગ: રાત્રે 08:24 થી 15 નવેમ્બરની સવારે 06:53 સુધી
લાભ પાંચમ 2026 શુભ ચોઘડિયા
શુભ મુહૂર્ત ઉપરાંત ચોઘડિયા જોઈને દુકાન કે ઓફિસ ખોલવા માંગતા લોકો માટે 14 નવેમ્બર 2026 ના દિવસ અને રાત્રિના ચોઘડિયા આ પ્રમાણે છે:
દિવસના ચોઘડિયા
- શુભ: સવારે 08:15 થી 09:38 સુધી
- લાભ: બપોરે 01:47 થી 03:10 સુધી
- અમૃત: બપોરે 03:10 થી 04:33 સુધી
રાત્રિના ચોઘડિયા
- લાભ: સાંજે 05:56 થી 07:33 સુધી
- શુભ: રાત્રે 09:10 થી 10:47 સુધી
- અમૃત: રાત્રે 10:47 થી 12:24 (15 નવેમ્બર) સુધી
- લાભ: વહેલી સવારે 05:16 થી 06:53 (15 નવેમ્બર) સુધી
લાભ પાંચમની પૂજા વિધિ
લાભ પાંચમના દિવસે શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
- સવારે વહેલા ઉઠી, સ્નાન કરી સૌપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરી પ્રાર્થના કરો.
- દુકાન કે ઘરના પૂજા સ્થાન પર ભગવાન શ્રી ગણેશ, ભગવાન શિવ અને દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા તસવીર સ્થાપિત કરો.
- વિઘ્નહર્તા ગણેશજીને ચંદન, સિંદૂર, ફૂલ અને દૂર્વા (ધરો) અર્પણ કરો.
- ભગવાન શિવજીને બીલીપત્ર, ધતુરાના ફૂલો અને સફેદ વસ્ત્રો અર્પણ કરો.
- ધનની દેવી લક્ષ્મીજીને હલવો અને પૂરીનો ભોગ ધરાવી સુખ, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રાર્થના કરો.
- અંતમાં ત્રણેય દેવતાઓની આરતી ઉતારો અને ઉપસ્થિત સૌ લોકોમાં પ્રસાદ વહેંચો.
લાભ પાંચમનું વ્યાવસાયિક અને ધાર્મિક મહત્વ શું છે?
દિવાળીની રજાઓ બાદ વેપારીઓ માટે પોતાના વ્યવસાયની નવી શરૂઆત કરવાનો આ પવિત્ર દિવસ છે. નવી દુકાન, નવો વ્યવસાય કે કારખાનું શરૂ કરવા માટે લાભ પાંચમની તિથિ અત્યંત શુભ ગણાય છે. આ દિવસે વેપારીઓ પોતાના નવા હિસાબ-કિતાબની શરૂઆત કરે છે. નવા ચોપડા પર કંકુથી 'શુભ', 'લાભ' અને 'સ્વસ્તિક' નું ચિન્હ દોરીને ઉદ્ઘાટન કરવામાં આવે છે, જે વર્ષભર ધંધામાં વૃદ્ધિ અને નફાનું પ્રતીક મનાય છે. આ દિવસે સાચા મનથી પૂજા કરવાથી પરિવારમાં સુખ-શાંતિ આવે છે અને જીવનના તમામ અવરોધો દૂર થાય છે.
