Lord Ganesha Modak Story: ભગવાન ગણેશને મોદક કેમ પ્રિય છે? જાણો તેની સાથે જોડાયેલી બે પૌરાણિક કથા

ગણેશજીનો દાંત તૂટવાના કારણે તેમને કશું પણ ચાવવામાં ખૂબ જ પીડા થતી હતી, ત્યારે માતા પાર્વતીએ પુત્ર માટે નરમ, સુપાચ્ય અને મોંમાં ઓગળી જાય તેવા મોદક બનાવ્યા. આ મોદક ખાવાથી ગણેશજીને સંતોષ થયો અને ત્યારથી તે તેમનું સૌથી પ્રિય ભોજન બની ગયુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Sep 2026 07:00 AM (IST)Updated: Fri, 18 Sep 2026 07:00 AM (IST)
why-lord-ganesha-loves-modak-two-mythological-stories-behind-it

Lord Ganesha Modak Story: ભગવાન ગણેશજી હાલ દેશમાં અનેક જગ્યાએ બિરાજમાન છે. ભાદરવા મહિનાના સુદ પક્ષની ચતુર્થીથી શરૂ થયેલો આ તહેવાર 10 દિવસ સુધી ચાલશે, ત્યારે આપણે જાણીએ કે ભગવાન ગણેશને મોદક કેમ પ્રિય છે. હિન્દુ ધર્મ અને પુરાણોમાં ગણેશજીને મોદક પ્રિય હોવા પાછળ મુખ્યત્વે બે પ્રચલિત કથાઓ છે.

પ્રથમ કથાઃ પેટ ભરાયું નહીં ને માતાએ થાળીમાં મોદક મૂક્યો

એકવાર અત્રિ ઋષિની પત્ની દેવી અનુસૂયાએ બધા દેવતાઓને ભોજન માટે આમંત્રિત કર્યા. ભગવાન શિવ પરિવાર સાથે જમવા બેઠા અને માતા અનુસૂયાએ ગણેશજીને ભોજન પીરસવાનું શરૂ કર્યું, પરંતુ તેમનું પેટ ભરાયું નહીં.

છેલ્લે માતા અનુસૂયાએ થાળીમાં મોદક મૂક્યો, જેને ખાતા જ ગણેશજીને ઓડકાર આવ્યો જે સંતોષ અને પરિપૂર્ણતાની નિશાની હતી. આ જોઈને માતા પાર્વતીએ વરદાન આપ્યું કે જે પણ ગણેશજીને 21 મોદક અર્પણ કરશે, તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

બીજી કથાઃ પરશુરામે હુમલો કર્યો'ને ગણેશજીનો દાંત તૂટ્યો

એકવાર ભગવાન શિવ આરામ કરી રહ્યા હતા અને બાળ ગણેશજી દરવાજાની રક્ષા કરી રહ્યા હતા. તે સમયે પરશુરામ ત્યાં આવ્યા ત્યારે ગણેશજીએ તેમને રોક્યા, જેનાથી ક્રોધિત થઈને પરશુરામે પોતાના પરશુથી હુમલો કર્યો અને ગણેશજીનો એક દાંત તૂટી ગયો. એકદંત હોવાના કારણે ગણેશજીને કઠણ ખોરાક ખાવામાં તકલીફ પડતી હોવાથી, માતા પાર્વતીએ તેમના માટે નરમ મોદક બનાવડાવ્યા, જે તેમને ખૂબ જ ભાવ્યા.

મોદક સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક મનાય છે

મોદકનો આકાર પૈસાની થેલી જેવો હોવાથી તે સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેનો ઉપર તરફનો ત્રિકોણાકાર ભાગ ભગવાન શિવ અને આધ્યાત્મિકતા દર્શાવે છે.

મહાભારત અને રામાયણમાં પણ મોદકનો ઉલ્લેખ

મોદકનો ઇતિહાસ ખૂબ જૂનો છે. મહાભારતના અનુશાસ્ત્ર પર્વમાં મોદકને શ્રેષ્ઠ મીઠાઈ તરીકે વર્ણવવામાં આવી છે. રામાયણના લંકાકાંડ અને અગ્નિ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. સમય અને સ્થળ સાથે બનાવવાની પદ્ધતિ બદલાતા આજે ભારતમાં 21 થી વધુ પ્રકારના મોદક બને છે. ચાલુક્ય વંશના રાજા સોમેશ્વર બીજા દ્વારા રચિત પુસ્તક 'માનસોલ્લાસ'માં પણ મોદકનો ઉલ્લેખ 'વર્સોપાલગોલક' નામે મળે છે. આ ઉપરાંત, ઇલોરાની ગુફાઓમાં પણ ગણેશજીની પ્રતિમા મોદક ખાતા દર્શાવવામાં આવી છે.

મોદક હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

ચરક સંહિતા મુજબ મોદક હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વપરાતા ઘી, નારિયેળ અને ડ્રાયફ્રૂટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. ખાંડને બદલે ગોળનો ઉપયોગ થતો હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ઉત્તમ છે, જ્યારે એન્ટિ-ઓક્સિડન્ટ્સ શરીરને યુવાન રાખે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.