Satyanarayan Vrat Katha | શ્રી સત્યનારાયણ ભગવાનની કથા

Satyanarayan Katha in Gujarati: આજે 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે 10 દિવસીય ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આ પાવન દિવસોમાં ઘરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવું અત્યંત શુભ છે. અહીં વાંચો સંપૂર્ણ વ્રત કથા.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 14 Sep 2026 11:45 AM (IST)Updated: Mon, 14 Sep 2026 11:47 AM (IST)
shri-satyanarayan-vrat-katha-gujarati

Satyanarayan Katha in Gujarati: આજે 14 સપ્ટેમ્બર 2026 ના રોજ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026) ના પવિત્ર અવસર સાથે જ દેશભરમાં 10 દિવસીય ગણેશોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. ભક્તો ઘરો તેમજ પંડાલોમાં વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી રહ્યા છે. ધાર્મિક માન્યતા મુજબ, ગણેશ સ્થાપનાના આ પાવન દિવસો દરમિયાન ભગવાન વિષ્ણુના સ્વરૂપ 'શ્રી સત્યનારાયણ ભગવાન' ની કથાનું આયોજન કરવું અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ કથા અને વ્રત કરવાથી જીવનના તમામ કષ્ટો અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે તેવી અતૂટ શ્રદ્ધા છે. જો તમે પણ ગણેશોત્સવમાં સત્યનારાયણ કથા કરવાનું આયોજન કરી રહ્યા હો, તો અહીં વાંચો સંપૂર્ણ કથા અને તેનું ધાર્મિક મહત્વ.

શ્રી સત્યનારાયણ વ્રત કથા (Satyanarayan Katha in Gujarati)

શ્રી સત્યનારાયણ વ્રત કથા – પ્રથમ અધ્યાય

એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સૂતજી પણ ત્યાં બિરાજમાન હતા. શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે, “હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે, આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો.”

શ્રી સૂતજીએ કહ્યું: “એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. તેનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો, તે જ કથા હું તમને સંભળાવું છું.”

એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતાં ફરતાં મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુઃખો ભોગવતા જોયા.

“એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં દુઃખો દૂર થઈ શકે?”

એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. પરમ, મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા અને ભક્તોનાં દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, “હું આપને વંદન કરું છું.”

શ્રી ભગવાન બોલ્યા, “હે ભાગ્યશાળી! તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જણાવીશ.”

નારદ બોલ્યા: “હે ભગવાન! પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારનાં દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું.”

શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, “હે નારદ! લોકકલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્તિ મળે તે હું કહું છું, તે સાંભળો.

મનુષ્યલોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિવિધાનથી વ્રત કરવાથી મનુષ્ય તરત જ સુખ મેળવે છે અને પરલોકમાં મોક્ષ મળે છે.”

ભગવાનનાં આ વચનો સાંભળી નારદ બોલ્યા: “આ વ્રતનું ફળ શું છે? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યું હતું, તે આપ મને વિસ્તારથી કહો.”

આ પવિત્ર વ્રત દુઃખ-શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટમિત્રો અને સગાં-વહાલાં સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરવું જોઈએ. સવાયાના પ્રસાદને ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાંને વહેંચવો અને પોતે પણ લેવો. પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધા લોકો પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું.

આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામનાઓ અવશ્ય પૂર્ણ થાય છે. બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જય!

ઇતિ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમોऽધ્યાયઃ સંપૂર્ણઃ।

શ્રી સત્યનારાયણ વ્રત કથા – બીજો અધ્યાય

આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત-વિધાન તથા માહાત્મ્ય જણાવતાં શ્રી સૂતજીએ શૌનકાદિ ઋષિઓને કહ્યું. આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું, તેની કથા કહું છું.

હે ઋષીઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ-તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસે જેને બ્રાહ્મણો પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું:

“હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજેરોજ શા માટે ભિક્ષા માગો છો?”

વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું, “હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો.”

વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરેલા ભગવાન બોલ્યા:

“હે બ્રાહ્મણ! ઇચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે તેમનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવાગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે.”

તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલા ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા.

આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ, એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ આવી નહીં. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈ-બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ બધી રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો.

શ્રી સૂતજી બોલ્યા: “હે ઋષિમુનિઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે?”

શૌનકાદિ ઋષિઓએ કહ્યું: “હે મુનીશ્રેષ્ઠ! અમને શ્રદ્ધા જન્મે, આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને અમને કહો.”

શ્રી સૂતજી બોલ્યા: “હે ઋષિઓ! એક સમયે જ્યારે આ બ્રાહ્મણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેમને વ્રત કરતાં જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું: ‘હે બ્રાહ્મણ! આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે, તે વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો.’”

કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું: “બધાં ઇચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી મને ધન-ધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે.”

તેની પાસેથી આ વ્રતનું માહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો તથા પ્રસાદ લઈ, પાણી પી અને લાકડાંનો ભારો માથે મૂકી, “હું પણ આ વ્રત કરીશ,” એમ વિચારી તે પોતાના સદ્ભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે કઠિયારાને એનાં લાકડાંનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો.

આ પછી ખુશ થઈ સારા પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈને ઘરે આવ્યો. આ પછી પોતાના સગાં-વહાલાંને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતે મોક્ષપદ પ્રાપ્ત કર્યું. બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જય!

શ્રી સત્યનારાયણ વ્રત કથા – ત્રીજો અધ્યાય

શ્રી સૂતજી બોલ્યા: “હે મુનીશ્રેષ્ઠ! હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. આ વાત ઘણા સમય પહેલાંની છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો, ઇન્દ્રિયજિત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવમંદિરમાં ભગવાનનાં દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો.

આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈને ત્યાં પહોંચ્યો. પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજાની નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું:

‘હે રાજા! ભક્તિપૂર્ણ મનથી આપ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે? આપ એ બધું મને વિગતવાર કહેવાની કૃપા કરો.’

રાજાએ કહ્યું, ‘હે શેઠ! અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ.’

રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું: ‘હે રાજન! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ.’

આ રીતે રાજાનાં વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું કહ્યું.

‘સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ.’

એક દિવસે તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. દસમા મહિને તેણે એક સુંદર કન્યાને જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ વધવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું.

એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું:

‘આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો, તે કેમ પૂરો કરતા નથી?’

શેઠે કહ્યું: ‘અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી, પુત્રીનાં લગ્ન સમયે કરીશું.’

આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી તે વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર શેઠે કલાવતીને સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ-ભાંડુઓની સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કે જલદી કલાવતી માટે યોગ્ય મુરતિયો શોધી લાવે.

શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્ર સાથે વિવાહની વાત પાકી કરી તે પાછો આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખી તે શેઠકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી.

દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા.

કન્યાના વિવાહ બાદ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુના રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે, ‘તને મહાન, દારુણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ.’

એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈને આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો. રાજાના સિપાઈઓએ તેનો પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેણે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાઈઓ આવ્યા અને રાજાનું ધન ત્યાં જોયું. આથી બંનેને દોરડાંથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું:

‘હે પ્રભુ! આપનું ધન ચોરનાર બંને ચોર આપની સમક્ષ હાજર છે.’

સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પૂરી દીધા. તેમની પાસે જે ધન હતું તે પણ લઈ લીધું.

શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રીની પણ દશા ઘણી ખરાબ થઈ. ઘરમાં જે કંઈ ધન-સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા. ભૂખ-તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માગવા ચિત્તભ્રમિત થઈ ઘર-ઘર ભટકવા લાગી.

એક દિવસ ભૂખ-તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદ લઈ કલાવતી મોડી રાત્રે ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું:

‘હે પુત્રી! આટલી રાત વીતવા સુધી ક્યાં હતી? મનમાન્યું કેમ કરે છે?’

કલાવતીએ શાંત સ્વરે કહ્યું: ‘મા, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત-પૂજન જોયું, જે બધી ઇચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરનારું છે.’

કલાવતીનાં વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાં-વહાલાં સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને વારંવાર વિનંતી કરી:

‘હે પ્રભુ! મારા પતિ અને જમાઈને જલદી ઘરે મોકલો. તેમના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો.’

વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું: ‘હે રાજન! પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી, જે કંઈ ધન તેમનું લઈ લીધું છે તે પાછું આપી દો. જો તું ચેતીશ નહીં તો તારા ધન-પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ.’

આમ કહીને ભગવાન અદૃશ્ય થયા. સવારે જ રાજા ચંદ્રકેતુએ જેલમાં પુરેલા પેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવાનો આદેશ આપ્યો. રાજાનાં આ વચનો સાંભળી સેવકોએ બંને મહાજનોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું: ‘બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે.’

બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા અગાઉના બનાવને યાદ કરી બંને જણા ભયવિહ્વળ બની મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું, ‘તમને આ દારુણ દુઃખ દૈવના પ્રકોપને કારણે ભોગવવું પડ્યું. હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી.’

હજામત તથા સ્નાનાદિ કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધન કરતાં બમણું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું: ‘હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ.’

રાજાને પ્રણામ કરી, ‘આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું,’ કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જય!

શ્રી સત્યનારાયણ વ્રત કથા – ચોથો અધ્યાય

શ્રી સૂતજી બોલ્યા: “યાત્રા માટે તૈયારી કરતાં એ શેઠે સ્વસ્તિવાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓ થોડે દૂર ગયા પછી તેમની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા:

‘હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યું છે?’

ઘણા ધનથી છકાયેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું: ‘હે સાધુ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો માત્ર વેલા-પાંદડાં ભરેલાં છે.’

શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું: ‘સારું ભાઈ, તમારી વાત સાચી પડો.’

એમ કહી સાધુવેશધારી સત્યનારાયણ ભગવાન આગળ જઈ દરિયાની નજીક એક જગ્યાએ બેસી ગયા.

દંડી સંન્યાસી ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણી પર હલકી તરતી જોઈ તે ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની દશા જોઈ તેના જમાઈએ કહ્યું:

‘હે પિતા! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર આ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ તેમના શરણે જાઓ. તેઓ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે.’

જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપ ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા:

‘હે ભગવાન! હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ છે, ક્ષમા કરો.’

આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યા.

રડતા વેપારીઓને જોઈ સાધુવેશધારી ભગવાને કહ્યું:

‘હે શેઠ! વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં. મિથ્યા વચનો બોલ્યો. આથી જ, હે દુર્બુદ્ધિ! તને વારંવાર દુઃખ સહન કરવાં પડ્યાં.’

શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો:

‘હે પ્રભુ! સર્વ બ્રહ્માદિ દેવતાઓ પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ.’

શેઠના ભક્તિનાં વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઇચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધન-ધાન્યથી પૂર્ણ જોઈ.

‘સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ,’ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું.

નગર દેખાતાં જ શેઠે પોતાના જમાઈને કહ્યું, ‘જુઓ, મારું રત્નપુરી.’ અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા મોકલ્યો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોઈ હાથ જોડી શુભ સમાચાર આપતાં કહ્યું:

‘શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે.’

દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે, ‘હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરીને જલદી આવ.’

કલાવતીએ માંનાં વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ.

પ્રસાદ લીધા વિના જવાથી સત્યદેવ ભગવાન નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોડી સહિત અદૃશ્ય કરી દીધો.

કલાવતી પોતાના પતિને ન જોઈ શકતાં તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું, ‘આ તે કેવું આશ્ચર્ય!’ હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા.

પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ અને ખૂબ દુઃખથી વિલાપ કરવા લાગી.

‘જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ? હું કંઈ જાણી શકતી નથી. સત્યદેવનું માહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે?’

આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી.

પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો.

કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો.

‘આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યાં છીએ.’

એમ માની શેઠે પોતાનાં સગાં-વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ‘આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ,’ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત્ પ્રણામ કરવા લાગ્યો.

આથી દીનજનોના ઉદ્ધારક, ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરીને આકાશવાણીથી કહ્યું:

‘પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી, આથી જ એ ખરેખર પોતાના પતિને જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો તરત જ તેનો પતિ તેને પ્રાપ્ત થશે, એમાં સંશય નથી.’

કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં તેનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી પહોંચી. પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, ‘ચાલો, હવે ઘરે જઈએ. વિલંબ શા માટે કરો છો?’

કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ-ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. ત્યારબાદ દર મહિને પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે લોકનાં સઘળાં સુખ ભોગવી અંતે વૈકુંઠધામમાં પહોંચ્યો. બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જય!

શ્રી સત્યનારાયણ વ્રત કથા – પાંચમો અધ્યાય

શ્રી સૂતજીએ કહ્યું: “આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામનો રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું.

એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુ-પંખીઓને મારી પાછા ફરતાં એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળાઓ પોતાના ભાઈ-ભાંડુઓ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા.

અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળાઓએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધન-સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું.

આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો:

‘શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળાઓ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં.’

આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળાઓ પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદિથી સંપન્ન થઈ ગયો અને આ લોકનાં બધાં સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો.

પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામનાઓ પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે, તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન-ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે.

દરિદ્ર હોય તે ધનવાન બને છે અને કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશમાત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે.

હે મહર્ષિઓ! હે બ્રાહ્મણો!

આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધાં દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ! જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે, તેનાં બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે.

હે મુનીશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું, તેમના બીજા જન્મની કથા સાંભળો:

કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું.

લાકડાં વેચનાર પેલો કઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાં બંધનોથી મુક્ત થઈ ગયો.

ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ પ્રાપ્ત કર્યું.

પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના શરીરનું અડધું પુત્રના હાથે કરવત વડે કપાવી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા.

મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્-સંબંધિત કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા.

બોલો, શ્રી સત્યનારાયણ ભગવાનની જય!