Kevda Trij Vrat Katha: કેવડા ત્રીજના દિવસે વાંચો આ પવિત્ર વ્રત કથા

Kevda Trij Vrat Katha in Gujarati: 14 સપ્ટેમ્બર 2026 ના રોજ કેવડા ત્રીજ (હરતાલિકા તીજ) નું પવિત્ર વ્રત રખાશે. જાણો અખંડ સૌભાગ્ય આપતા આ વ્રતની સંપૂર્ણ કથા અને ધાર્મિક મહત્વ વિશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 07 Sep 2026 10:11 AM (IST)Updated: Mon, 07 Sep 2026 10:11 AM (IST)
kevda-trij-vrat-katha-in-gujarati

Kevda Trij Vrat Katha in Gujarati: હિન્દુ ધર્મમાં કેવડા ત્રીજ (હરતાલિકા તીજ) ના પર્વનું અનેરું મહત્વ છે. વર્ષ 2026 માં આ પવિત્ર વ્રત 14 સપ્ટેમ્બર, સોમવારના રોજ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની તૃતીયા (સુદ ત્રીજ) ના દિવસે રાખવામાં આવશે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખી દાંપત્ય જીવન માટે, જ્યારે કુંવારી કન્યાઓ મનગમતો વર પામવા માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરે છે. પૌરાણિક કથા અનુસાર, માતા પાર્વતીએ જંગલમાં માટીનું શિવલિંગ બનાવીને કેવડા અને બિલીપત્રથી મહાદેવની આરાધના કરી હતી. તેમના આ નકોરડા ઉપવાસ અને ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા હતા. ચાલો વાંચીએ કેવડા ત્રીજ વ્રતની સંપૂર્ણ કથા.

કેવડા ત્રીજ વ્રત કથા | Kevda Trij Vrat Katha in Gujarati

એકવાર નારદમુનિ હિમાલય પાસે ગયા.

"નારાયણ... નારાયણ... આવો, દેવર્ષિ નારદ, પધારો."

હિમાલયે આવકાર આપ્યો. પછી હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી અને વિનંતી કરી કે, "આપ કોઈ યોગ્ય વર બતાવો."

નારદજીને તો આટલું જ જોઈતું હતું. તેમણે ભગવાન શિવજીનાં મોઢે વખાણ કર્યા. પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા. પરંતુ નારદજીએ મહાદેવજીનાં વખાણ કર્યા અને પાર્વતીને ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરવાની સલાહ આપી. તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું.

પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને બંનેએ નક્કી કર્યું કે અહીંથી ક્યાંક દૂર જતા રહીએ. તક મળતાં જ બંને વનમાં જતાં રહ્યાં. ખૂબ ચાલવાથી થાકી જતાં બંને એક ઝાડની નીચે બેઠાં. પાર્વતીજીએ રમત રમતાં માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો. તેથી માટીના ઢગલાને બરાબર શિવલિંગનો આકાર આપ્યો અને વગડામાંથી ફૂલો, બિલિપત્રો તથા કેવડો શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા શિવલિંગની પૂજા કરી.

તે દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો. તેઓ ઘરેથી નીકળી ગયાં હોવાથી ભોજન કરી શક્યાં નહોતાં. આમ, નકોરડો ઉપવાસ પણ થયો હતો. તેથી જાણ્યે-અજાણ્યે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થઈ ગયું. શિવલિંગની પૂજા કરવાથી તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ત્યાર બાદ પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યાં. ભગવાન શિવજી તેમની પૂજા-ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કંઈક વરદાન માંગવા કહ્યું.

પાર્વતીજીએ કહ્યું, "દેવ! આપ ખરેખર પ્રસન્ન થયા હો તો હું વરદાન માગું છું કે આપ મારા પતિ થાઓ."

ભગવાને "તથાસ્તુ" કહ્યું અને અલોપ થઈ ગયા.

આ બાજુ સાંજ સુધી પાર્વતીજી ઘરે આવ્યાં નહીં. તેથી હિમાલય તેમને શોધવા નીકળ્યા અને ફરતાં-ફરતાં જ્યાં પાર્વતીજી હતાં ત્યાં પહોંચ્યા. હિમાલય કંઈ કહે તે પહેલાં જ પાર્વતીજીએ કહ્યું, "મન, વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું."

"તેથી હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી."

કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે મહાદેવજીએ હિમાલયને પ્રેરણા આપી અને શંકર-પાર્વતીનાં લગ્ન થયાં.

આમ, હે ભગવાન ભોળાનાથ! જેમ આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતીજી પર પ્રસન્ન થયા અને તેમને ફળ આપ્યું, તેમ અમને સહુને પણ ફળજો.