Janmashtami 2026 Muhurat Time: આસ્થા, પ્રેમ અને ભક્તિના પ્રતીક એવા ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ વદ આઠમની તિથિએ ભારે હર્ષોલ્લાસ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, દ્વાપર યુગમાં પૃથ્વી પરથી અધર્મનો નાશ કરવા માટે મથુરાની જેલમાં મધ્યરાત્રિએ દેવકીના ગર્ભથી કાન્હાનો જન્મ થયો હતો.
આ વર્ષે 4 સપ્ટેમ્બર 2026 ના રોજ શ્રીકૃષ્ણની 5253મી જન્મજયંતિ મનાવવામાં આવશે, જ્યારે દહીં હાંડીનો ઉત્સવ 5 સપ્ટેમ્બર 2026 ના રોજ ઉજવાશે. આવો જાણીએ જન્માષ્ટમીની અષ્ટમી તિથિ, રોહિણી નક્ષત્રનો સમય, પૂજાનો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ વિશેની સંપૂર્ણ માહિતી.
જન્માષ્ટમી 2026: અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો સમય
પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું પાવન પર્વ શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2026ના રોજ ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રની હાજરીને વિશેષ શુભ અને ફળદાયી માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો.
આ વર્ષે અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 02:25 વાગ્યે શરૂ થઈને 5 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 12:13 વાગ્યે પૂર્ણ થશે. જ્યારે રોહિણી નક્ષત્ર 4 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 12:29 વાગ્યે શરૂ થઈને રાત્રે 11:04 વાગ્યે પૂર્ણ થશે. આમ, જન્માષ્ટમીના દિવસે અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્રનો વિશેષ સંયોગ જોવા મળશે.
નિશીથ પૂજા મુહૂર્ત અને વ્રત પારણાનો સમય
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધ્યરાત્રિના સમયે થયો હોવાથી જન્માષ્ટમીના પર્વ પર નિશીથ કાળમાં કરવામાં આવતી પૂજાનું સવિશેષ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ વર્ષે નિશીથ પૂજાનો શુભ સમય 5 સપ્ટેમ્બર 2026ની વહેલી સવારે 12:16 AM થી 01:02 AM સુધી રહેશે. આ સમય 4 સપ્ટેમ્બરની મધ્યરાત્રિનો જ ગણાશે અને પૂજા માટે કુલ 46 મિનિટનો સમય મળશે. આ દરમિયાન મધ્યરાત્રિનો સમય 12:39 AM રહેશે, જ્યારે ચંદ્રોદય 12:04 AM વાગ્યે થશે. માન્યતા છે કે નિશીથ કાળમાં ભગવાન શ્રીકૃષ્ણની વિધિવત પૂજા-અર્ચના કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
વ્રતનું પારણું ક્યારે કરવું?
5 સપ્ટેમ્બરે સવારે 06:23 વાગ્યા પછી. સૂર્યોદય પહેલાં અષ્ટમી તિથિ અને રોહિણી નક્ષત્ર સમાપ્ત થઈ જશે, તેથી સવારે પારણું કરવું ઉત્તમ છે.
કાન્હાની પૂજા માટે જરૂરી સામગ્રી લિસ્ટ
પૂજા માટે ચંદન, કંકુ, હળદર, કપૂર, અગરબત્તી, અક્ષત (આખા ચોખા), ફૂલ અને તાજા ફૂલોની માળા તૈયાર રાખો. આ ઉપરાંત, ભગવાન માટે સુંદર વસ્ત્રો, લાકડાની ચોકી, નાનું પારણું, પંચમેવા, ઋતુફળ, માખણ-મિશ્રી, કાજુ, કિસમિસ, તુલસી દળ, દીવા માટે રૂની વાટ, ગાયનું શુદ્ધ ઘી, કાચું દૂધ, મધ અને ગોળની જરૂર પડશે.
ભગવાન શ્રીકૃષ્ણની સરળ પૂજાવિધિ
- સવારે નિત્યકર્મથી નિવૃત્ત થઈ સ્નાન કરો અને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો ધારણ કરો.
- પૂજાસ્થળને સાફ કરી તોરણ અને ફૂલોથી શણગારો. એક લાકડાની ચોકી પર સ્વચ્છ આસન પાથરી લડ્ડુ ગોપાલ માટે પારણું સ્થાપિત કરો.
- દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ મિક્સ કરી પંચામૃત તૈયાર કરો અને ભગવાનનો અભિષેક કરો. ત્યારબાદ તેમને નવા વસ્ત્રો પહેરાવીને શણગાર કરો.
- કાન્હાને અત્યંત પ્રિય એવા માખણ અને મિશ્રીનો તુલસી દળ સાથે ભોગ ધરાવો. પ્રસાદમાં ઋતુફળ પણ સામેલ કરો.
- આખો દિવસ 'હરે કૃષ્ણ' અથવા 'ૐ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરતા રહો અને ભજન-કીર્તન કરો.
- મધ્યરાત્રિએ ભગવાનના જન્મોત્સવની આરતી ઉતારો અને ત્યારપછી શ્રદ્ધા અને નિયમ અનુસાર વ્રતનું પારણું કરો.
