Dashama Vrat Rules 2026: દશામા વ્રતમાં શું કરવું અને શું નહીં? જાણો 10 દિવસીય વ્રતના ખાસ નિયમો

Dashama Vrat Rules 2026: આજે 12 ઓગસ્ટથી શરૂ થતાં 10 દિવસીય દશામા વ્રતની તિથિઓ, રાત્રિ જાગરણ, મૂર્તિ વિસર્જન સમય અને કડક પૂજા નિયમોની સંપૂર્ણ માહિતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 12 Aug 2026 02:00 AM (IST)Updated: Wed, 12 Aug 2026 02:00 AM (IST)
dashama-vrat-2026-important-rules-for-10-days-what-to-do-and-avoid-during-10-day-vrat

Dashama Vrat Rules 2026: ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને લોકસંસ્કૃતિમાં અતિ પવિત્ર ગણાતું 'દશામા વ્રત' વર્ષ 2026 માં 12 ઓગસ્ટ 2026, બુધવારથી શ્રદ્ધાભક્તિપૂર્વક શરૂ થઈ રહ્યું છે. જગતજનની માં દુર્ગાના જ એક સ્વરૂપ ગણાતા દશામાની આરાધનાનો આ મહાપર્વ સતત 10 દિવસ સુધી ચાલશે. પોતાના પરિવારની સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતાનોની પ્રગતિ અને જીવનમાંથી કષ્ટ તથા ગ્રહદોષ નિવારવા માટે ભક્તો આ વ્રત રખાઈ છે.

દશામા વ્રત 2026 તારીખ

શાસ્ત્રો અને અમાન્ત ચંદ્ર પંચાંગ અનુસાર, દશામા વ્રત દર વર્ષે અષાઢ વદ અમાસથી શરૂ થઈને શ્રાવણ સુદ નોમ સુધી મનાવવામાં આવે છે. (જ્યારે કેટલાક વિસ્તારોમાં શ્રાવણ સુદ એકમથી પણ વ્રત શરૂ કરવાનો રિવાજ છે.)

વર્ષ 2026 માટે મુખ્ય તારીખો અને મુહૂર્ત વિગતવાર

  • વ્રત પ્રારંભ (મૂર્તિ સ્થાપના): 12 ઓગસ્ટ 2026, બુધવાર (અષાઢ વદ અમાસ)
  • વ્રત પૂર્ણાહુતિ: 21 ઓગસ્ટ 2026, શુક્રવાર (શ્રાવણ સુદ નોમ)
  • રાત્રિ જાગરણ: 21 ઓગસ્ટ 2026, શુક્રવારની આખી રાત
  • મૂર્તિ વિસર્જન: 22 ઓગસ્ટ 2026, શનિવાર (સૂર્યોદય પહેલાં)

વ્રત દરમિયાન કયા નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે?

દશામા વ્રતમાં પવિત્રતા અને સંયમનું સ્થાન સૌથી વિશેષ છે. 10 દિવસ સુધી વ્રતધારીઓએ નીચે મુજબના કડક નિયમોનું પાલન કરવાનું રહેશે.

શું કરવું (અનિવાર્ય નિયમો)

  • દરરોજ સવારે બ્રહ્મમુહૂર્તમાં ઊઠી, સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું.
  • સવારે પૂજા સંપન્ન કર્યા વિના ચા, પાણી, દૂધ કે અન્ય અન્ન-જળ ગ્રહણ કરવું નહીં.
  • દશામાનો 10 ગાંઠ વાળો પવિત્ર સૂતરનો દોરો તૂટે કે ખોવાય નહીં તેની ખાસ સંભાળ રાખવી. જો અજાણતાં તૂટી જાય, તો તુરંત માતાજી સમક્ષ ક્ષમાયાચના કરી લેવી.
  • આ 10 દિવસ દરમિયાન શક્ય હોય તો જમીન પર ચટાઈ પાથરીને સૂવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું.
  • આંગણે આવેલા જરૂરિયાતમંદને યથાશક્તિ દાન આપવું, જૂઠું બોલવાથી કે ક્રોધ કરવાથી બચવું અને મનમાં "જય દશામાં" મંત્રનું સ્મરણ કરવું.

કઈ ભૂલો ન કરવી

  • 10 દિવસની પૂજા પહેલાં કે પછી ભેગી ન કરવી; દરરોજ સવાર-સાંજ બે સમય પૂજા-આરતી કરવી.
  • ક્ષમતા ન હોય તો માત્ર એકટાણું (દિવસમાં એક વાર અનાજ) અથવા ફરાળ કરીને પણ વ્રત રાખી શકાય છે.
  • છેલ્લા દિવસે (21 ઓગસ્ટ) કરાતું જાગરણ રાત્રે 12 વાગ્યા સુધી નહીં, પરંતુ આખી રાતનું હોવું જરૂરી છે.

માસિક ધર્મ દરમિયાન વ્રત કઈ રીતે કરવું?

જો વ્રતના પ્રથમ દિવસે કે વ્રત દરમિયાન માસિક ચક્ર શરૂ થાય, તો વ્રત ચાલુ રાખી શકાય છે. જોકે વ્રતધારી સ્ત્રીએ મૂર્તિનો સ્પર્શ કે પૂજા પોતે ન કરવી. ઘરના અન્ય સભ્યો કે સગા-સંબંધીઓ પાસે સ્થાપના, પૂજા વિધિ કે વિસર્જન કરાવી લેવું શાસ્ત્રસંમત છે.

વ્રત પૂર્ણાહુતિ અને મૂર્તિ વિસર્જન

21 ઓગસ્ટની આખી રાત જાગરણ કર્યા બાદ, 22 ઓગસ્ટ 2026ના રોજ સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું પવિત્ર જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન પૂર્વે મહાઆરતી કરી વ્રતમાં અજાણતાં થયેલી ક્ષતિઓ માટે ક્ષમા માંગી, આવતા વર્ષે પુનઃ પધારવા માટે મા દશામાને ભક્તિભાવપૂર્વક પ્રાજના કરવામાં આવે છે.