Dashama Sthapna Muhurat 2026: દશામા મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત, પૂજા સામગ્રી અને માતાજીની પૂજા કરવાની સાચી રીત જાણો

Dashama Murti Sthapana Muhurat 2026: આજથી શરૂ થતાં દશામા વ્રત માટે મૂર્તિ સ્થાપનાનું શુભ મુહૂર્ત, પૂજા સામગ્રી, મૂર્તિ સ્થાપના વિધિ અને વિસર્જન સમય અંગેની સંપૂર્ણ માહિતી.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Wed, 12 Aug 2026 03:00 AM (IST)Updated: Wed, 12 Aug 2026 03:00 AM (IST)
dashama-murti-sthapana-muhurat-2026-gujarati-calendar-and-panchang-puja-vidhi-and-home-idol-installation-method

Dashama Murti Sthapana Muhurat 2026: ગુજરાતભરમાં અતિ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાતા 10 દિવસીય 'દશામા વ્રત'નો પ્રારંભ 12 ઓગસ્ટ 2026, બુધવાર (અષાઢ વદ અમાસ - દિવાસો) ના રોજથી થઈ રહ્યો છે. આ પવિત્ર વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ માતાજીની મૂર્તિ અથવા સાંઢણીની સ્થાપના કરીને વિધિવત પૂજા-અર્ચના કરે છે. 10 દિવસ સુધી પૂજન-અર્ચન કર્યા બાદ 21 ઓગસ્ટના રાત્રિ જાગરણ સાથે વ્રતની પૂર્ણાહુતિ થશે અને 22 ઓગસ્ટ 2026ના રોજ વહેલી સવારે સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિનું નદી કે તળાવમાં વિસર્જન કરવામાં આવશે.

દશામા વ્રત મૂર્તિ સ્થાપના શુભ મુહૂર્ત (12 ઓગસ્ટ 2026 બુધવાર)

  • સામાન્ય પૂજન મુહૂર્ત: સવારે 06:15 થી 09:30 વાગ્યા સુધી
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:47 થી 05:31 વાગ્યા સુધી
  • પ્રાતઃકાળ મુહૂર્ત: સવારે 05:09 થી 06:15 વાગ્યા સુધી
  • વિજય મુહૂર્ત: બપોરે 02:54 થી 03:46 વાગ્યા સુધી
  • ગોધૂલી મુહૂર્ત: સાંજે 07:14 થી 07:36 વાગ્યા સુધી
  • સંધ્યાકાળ મુહૂર્ત: સાંજે 07:14 થી 08:20 વાગ્યા સુધી

દશામા વ્રત મૂર્તિ વિસર્જન તારીખ

  • વ્રત જાગરણ (શ્રાવણ સુદ નોમ): 21 ઓગસ્ટ 2026, શુક્રવાર
  • મૂર્તિ વિસર્જન મુહૂર્ત (22 ઓગસ્ટ 2026, શનિવાર)
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:49 થી 05:34 વાગ્યા સુધી
  • પ્રાતઃ સંધ્યા: સવારે 05:11 થી 06:18 વાગ્યા સુધી

પૂજા માટે જરૂરી સામગ્રી

દશામાતા વ્રત માટે માટીની મૂર્તિ કે સાંઢડી, બાજઠ (પાટલો), લાલ કાપડ, અબીલ, ગુલાલ, કંકુ, સિંદૂર, ચોખા, જનોઈ, સૂતરનો દોરો (10 ગાંઠ વાળો વ્રતનો ધાગો), કળશ, નાળિયેર, સોપારી, પાન, ધૂપ, ઘી અથવા તેલનો દીવો, કપૂર, આરતીની થાળી, તાજા ફળ, ફૂલ-હાર તેમજ નૈવેદ્ય માટે સુખડી અથવા લાડુ તૈયાર રાખવા.

દશામા મૂર્તિ સ્થાપના અને પૂજા વિધિ

  • સવારે સ્નાન કરી પવિત્ર વસ્ત્રો ધારણ કર્યા બાદ પૂજા સ્થાન પર ગંગાજળ છાંટી તેને શુદ્ધ કરો. બાજઠ પર લાલ કાપડ પાથરો.
  • બાજઠની ડાબી બાજુએ ચોખાની ઢગલી કરી તેના પર પાણી, સોપારી અને સિક્કો ભરેલો કળશ મૂકી ઉપર નાળિયેર પધરાવો.
  • બાજઠની મધ્યમાં ચોખાની ઢગલી પર દશામાની મૂર્તિ કે સાંઢડીને આદરપૂર્વક સ્થાપિત કરો.
  • માતાજીની જમણી બાજુએ ઘી અથવા તલના તેલનો અખંડ દીવો પ્રગટાવો.
  • દશામાને તિલક કરી અક્ષત, અબીલ, ગુલાલ, સિંદૂર અને ફૂલ-હાર અર્પણ કરો.
  • સૂતરના દોરાને કંકુથી રંગી, તેમાં 10 ગાંઠો લગાવી પૂજામાં મૂકો. પૂજા સંપન્ન થયા બાદ આ પવિત્ર દોરાને મહિલાઓ પોતાના ડાબા હાથે અથવા ગળામાં ધારણ કરે છે.
  • માતાજીને સુખડી, શીરા કે લાડુનો ભોગ ધરાવી કપૂરથી આરતી ઉતારો. ત્યારબાદ હાથમાં ચોખા રાખી દશામા વ્રતની પૌરાણિક કથાનું શ્રવણ કરી પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરો.

દશામા વ્રતનું ધાર્મિક મહત્વ

શાસ્ત્રો અનુસાર દશામાની ભક્તિ કરવાથી સાધક પર તમામ દેવી-દેવતાઓની કૃપા રહે છે. આ વ્રતથી કુંડળીના ગ્રહદોષ દૂર થાય છે, નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થાય છે અને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. સામાન્ય રીતે આ વ્રત 10 વર્ષ સુધી રાખવાનો મહિમા છે, અને 10મા વર્ષે વિધિવત ઉજવણું કરીને બ્રાહ્મણો કે વ્રતધારીઓને ભોજન કરાવવામાં આવે છે.