Bol Choth Vrat 2026 Date and Time: શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં ગુજરાતમાં બોળચોથ (Bol Choth) નું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને ગાય અને વાછરડાના કલ્યાણ તેમજ પૂજા માટે સમર્પિત આ તહેવાર પવિત્ર નાગપંચમીના બરાબર એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. મહિલાઓ આ દિવસે પોતાના પરિવાર અને સંતાનોના સુખ-સમૃદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક વ્રત રાખે છે. દેશના અન્ય રાજ્યોમાં, ખાસ કરીને મધ્ય પ્રદેશમાં આ તહેવાર 'બહુલા ચોથ' તરીકે પણ પ્રચલિત છે. ચાલો જાણીએ કે વર્ષ 2026 માં બોળચોથ ક્યારે છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે.
બોળચોથ વ્રત 2026 તારીખ
ગુજરાતી પંચાંગ અનુસાર, શ્રાવણ માસના વદ પક્ષની ચોથના દિવસે બોળચોથનું વ્રત કરવામાં આવે છે. વર્ષ 2026 માં આ પવિત્ર વ્રત 31 ઓગસ્ટ 2026, સોમવારના રોજ મનાવવામાં આવશે.
બોળચોથ વ્રત 2026 પૂજાનું શુભ મુહૂર્ત
વર્ષ 2026 માટે બોળચોથની તિથિ અને સાંજની પૂજાના ગોધૂલિ મુહૂર્તની વિગતો નીચે મુજબ છે:
- ચોથ તિથિ પ્રારંભ: 31 ઓગસ્ટ 2026 ના રોજ સવારે 08:50 વાગ્યે
- ચોથ તિથિ સમાપ્ત: 1 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 07:41 વાગ્યે
- ગોધૂલિ પૂજા મુહૂર્ત: સાંજે 06:46 થી 07:11 વાગ્યા સુધી
- પૂજાનો કુલ સમયગાળો: 00 કલાક 25 મિનિટ
બોળચોથ વ્રતનું ધાર્મિક મહત્ત્વ
આ વ્રત મુખ્યત્વે સંતાન પ્રાપ્તિ અને પરિવારની સુખાકારી માટે કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે બોળચોથના દિવસે નિયમપૂર્વક આખો દિવસ ઉપવાસ રાખીને સાંજે ગાય અને તેના વાછરડાની પૂજા કરવાથી સંતાન સુખ, ધન-ધાન્ય અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
બોળચોથ વ્રતની પૂજા વિધિ અને નિયમો
બોળચોથનું વ્રત કરનાર મહિલાઓએ કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાનું હોય છે, જે નીચે મુજબ છે:
- વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈને પવિત્ર થઈ વ્રતનો સંકલ્પ લેવો.
- સાંજના સમયે (ગોધૂલિ મુહૂર્તમાં) ગાય અને વાછરડાની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરવી.
- પૂજા બાદ બોળચોથની વ્રત કથા વાંચવી અથવા સાંભળવી.
- જો કોઈ સાંભળનાર ન હોય તો, ઘીનો દીવો પ્રગટાવીને દીવાની સમક્ષ બેસીને કથાનું પઠન કરવું.
- આ દિવસે ઉપવાસ કરનાર ભક્તો દૂધ પીવાનું તેમજ દૂધમાંથી બનેલી કોઈપણ વસ્તુનું સેવન કરવાનું ટાળે છે.
- ભોજનમાં છડેલા અનાજનો ઉપયોગ કરવો પણ વર્જિત માનવામાં આવે છે.
બોળચોથ વ્રતની કથા | Bol Choth Vrat Katha
એક ગામમાં સાસુ અને વહુ રહેતાં હતાં. શ્રાવણ માસ આવ્યો એટલે તેના વદ 4ના દિવસે સાસુ નદીએ નાહવા જતાં પોતાની વહુને કહેતાં ગયાં કે, "વહુ, આજે બોળચોથ છે. માટે હું નદીએ નાહવા જાઉં છું. હું પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે."
સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પરંતુ વહુએ વિચાર્યું કે તેણે કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો, તેથી તે "ઘઉંલો"નો અર્થ સમજી નહીં. અને વહુ બિચારીએ ઘઉંલો (વાછરડો) ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો.
સાસુ તો નદીએથી નાહીને પાછાં ઘરે આવ્યાં અને વહુને પૂછ્યું, "વહુ! ઘઉંલો રાંધ્યો છે ને?"
વહુ કહે, "રાંધ્યો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની હતો. જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે."
સાસુને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું, "વહું! તમે કયા ઘઉંલાની વાત કરો છો?"
કેમ વળી ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે? આપણી ગાયનો ટભુલો વાછરડો, તે જ ને... વહુએ જ્યારે ચોખવટથી વાત કરી, ત્યારે સાસુમા તો અફસોસ કરી ઊઠ્યાં.
"અ... રે રે રે... વહુ! તમે આ શું કર્યું? મારા બાપ! હવે શું થશે? આજે તો બોળચોથ છે. અને તેથી હમણાં ગામના લોકો ગાય-વાછરડાની સેવા-પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું? વળી, આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો ઝૂરી મરશે. વહુ, તમે તો ગજબ કરી નાખ્યો. મારા બાપ! રામ... રામ... રામ! હે મારા નાથ! હવે શું કરવું?"
"વહુ, તમે એમ કરો... આ હાંડલું ઉકરડે જઈને દાટી આવો."
સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈને દાટી આવી. સાસુ-વહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયાં.
આ બાજુ વાછરડાની મા ગાય સવારથી ગામના પાદરે ચરવા ગયેલી. પાછી આવી અને તેને ખબર પડી કે, "મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો છે."
ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું, ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો. તેનું શિંગડું વાગતાં હાંડલું ફૂટ્યું. તેમાંથી જીવતો ઘઉંલો (વાછરડો) બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેની તરફ ધાવવા લાગ્યો.
ઘઉંલાની મા ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી.
આખા ગામમાં ગાયો તો ઘણી હતી. ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને! પણ ગાય અને વાછરડાનો રંગ એક જ હોય તેવું એકરંગી ગાય-વાછરડું તો આ જ હતાં. બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય-વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું.
ગામની સ્ત્રીઓ સાસુ-વહુના ઘરે આવીને ડેલીનું બારણું ખખડાવતાં બોલી, "ડોશીમા! ઓ ડોશીમા! સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો? ડેલીના દ્વાર ખોલો. ક્યાં છે એકરંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યાં છીએ અને સાથે પૂજાની થાળી પણ લાવ્યાં છીએ. આખા ગામની સ્ત્રીઓ ગાય-વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે... પણ સાસુ-વહુ શું મોઢું લઈને બારણું ખોલે?
પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડીને કંટાળી ગઈ અને જ્યારે પાછી ફરવા જાય છે, ત્યાં તો ગાય અને પેલો ઘઉંલો (વાછરડો) સામેથી દોડતાં આવ્યાં અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભાં રહ્યાં. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાંઠલો હજુ એમને એમ ભરાયેલો હતો.
સ્ત્રીઓને નવાઈ લાગી. "અરે! ભલા ભગવાન! આ તે કેવી નવાઈની વાત? વાર-તહેવારે ગાય-વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે, અને આજે ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાંઠલો કોણે પહેરાવ્યો હશે?"
પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાંઠલો કાઢી ગાય-વાછરડાને ફૂલની માળા પહેરાવી. કંકુનો ચાંદલો કરી, ચોખા ચોંટાડ્યાં અને આરતી ઉતારી. બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવવા લાગી. આથી વાછરડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો.
આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય-વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પુરાઈ રહેલાં સાસુ-વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યાં કે, "વાછરડો (ઘઉંલો) તો છે નહીં, તો આ ગરબા કેમ ગવાય છે?"
બંનેએ ઊભાં થઈને બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી હતી અને ઘઉંલો થનગનાટ કરતો આનંદથી ધાવી રહ્યો હતો.
સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણું ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ-વહુ બારણું ખોલીને બહાર આવ્યાં અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી. બંનેએ બે હાથ જોડીને કહ્યું, "બહેનો! તમારાં બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો છે."
ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, "માજી, શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાયમાતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. એટલે ગાયમાતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે."
પછી ગામની સ્ત્રીઓ સૌ પોતપોતાના ઘરે ચાલી ગઈ. બધાં ગયા પછી સાસુ-વહુ ગાય-વાછરડાના શરીરને પંપાળવા લાગ્યાં. આજે તેમના આનંદનો કોઈ પાર નહોતો. સાસુ-વહુ બંનેને આમેય ગાયમાતા પ્રત્યે અપાર પ્રેમ હતો.
અને હવે તેમની શ્રદ્ધા વધુ દૃઢ બની. ત્યારથી સાસુ-વહુ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા માટે...
હે ગૌરી ગાયમાતા! તમે જેવી ભોળી સાસુ-વહુને ફળ્યાં, તેવી જ રીતે બોળચોથનું વ્રત કરનારને, વ્રતની કથા સાંભળનારને, લખનારને તથા કહેનારને સૌને ફળજો.
