વિવેકજીવન સ્વામીએ જર્મન શાળાનો કિસ્સો કહી સમજાવ્યું 'થિંકિંગ ડિફરન્ટલી' નું મહત્વ

Vivekjivan Swam Pravachan: અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ મંદિર ખાતે 'બેટર લિવિંગ લેક્ચર સિરીઝ' ના 9મા સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક અને ચિંતનશીલ સત્રમાં 'થિંક ડિફરન્ટલી' (અલગ વિચારો) વિષય પર પૂજ્ય વિવેકજીવન સ્વામીએ ઉપસ્થિત હરિભક્તો અને શ્રોતાઓને જીવનમાં સકારાત્મક અને નવીન અભિગમ અપનાવવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

By: Jivan KapuriyaEdited By:Jivan KapuriyaPublish Date: Mon, 10 Aug 2026 04:00 PM (IST)Updated: Mon, 10 Aug 2026 04:00 PM (IST)
baps-better-living-lecture-series-pujya-vivekjivan-swami-on-think-differently

Vivekjivan Swam Pravachan: અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસ (BAPS) સ્વામિનારાયણ મંદિર ખાતે 'બેટર લિવિંગ લેક્ચર સિરીઝ' ના 9મા સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક અને ચિંતનશીલ સત્રમાં 'થિંક ડિફરન્ટલી' (અલગ વિચારો) વિષય પર પૂજ્ય વિવેકજીવન સ્વામીએ ઉપસ્થિત હરિભક્તો અને શ્રોતાઓને જીવનમાં સકારાત્મક અને નવીન અભિગમ અપનાવવા માટે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

શા માટે અલગ વિચારવું જરૂરી છે?

પોતાના વક્તવ્યની શરૂઆતમાં પૂજ્ય સ્વામીએ સમજાવ્યું કે, સામાન્ય નાગરિક હોય કે પ્રોફેશનલ ડૉક્ટર, દરેક વ્યક્તિ રોજબરોજનું એકનું એક કામ કરીને કંટાળી જતી હોય છે. આ દિનચર્યામાં નવીનતા અને ઉર્જા લાવવા માટે રૂઢિગત વિચારોથી હટીને કંઈક નવું અને અલગ વિચારવું અત્યંત અનિવાર્ય છે. વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ચિંતન થકી જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નવા માર્ગો શોધી શકાય છે.

તેમણે પોતાના સંબોધનમાં અત્યંત પ્રેરણાદાયી ઉદાહરણો રજૂ કર્યા હતા:

1). જર્મન શાળાનો કિસ્સો અને વિચારશક્તિની તાકાત:

એક રસપ્રદ ઐતિહાસિક કિસ્સો ટાંકતા તેમણે જણાવ્યું કે, જર્મનીની એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ખૂબ તોફાન કરતા હતા. ક્લાસમાં શાંતિ જાળવવા માટે શિક્ષકે તમામ બાળકોને 1 થી 100 સુધીના આંકડાઓનો સરવાળો કરવાનો અઘરો ટાસ્ક આપ્યો. ક્લાસના તમામ બાળકો ગણતરી કરવામાં વ્યસ્ત થઈ ગયા પરંતુ માત્ર 1 બાળક શાંતિથી બેસીને છત તરફ જોઈને ગહન વિચાર કરી રહ્યો હતો. આશ્ચર્યજનક રીતે, લખ્યા વગર માત્ર પોતાના મનમાં ગણતરી કરીને આ બાળકે સાચો જવાબ આપ્યો જ્યારે અન્ય તમામના જવાબો ખોટા પડ્યા હતા. આ પ્રસંગ સાબિત કરે છે કે ગહન ચિંતનથી હંમેશા નવા અને સરળ રસ્તાઓ મળી રહે છે.

2). વર્ષ 2007ના ક્રિકેટ વર્લ્ડકપની હાર અને નારાયણ મૂર્તિનું વિશ્લેષણ:

વર્ષ 2007 માં રમાયેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય ટીમની કારમી હાર થઈ હતી, જેના પગલે દેશભરના ચાહકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તે સમયે જાણીતા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિએ એક પ્રેરણાદાયી લેખ લખીને ટીમ ઇન્ડિયાના પુનરુત્થાન માટે 4 મહત્વની બાબતો પર ભાર મૂક્યો હતો. જેમાં તમામ ખેલાડીઓની પસંદગી માત્ર ક્ષમતા (મેરિટ) ના આધારે જ થાય, ખેલાડીઓ નિયમિત પ્રેક્ટિસ કરે, વૈશ્વિક સ્તરે રમાતી શ્રેષ્ઠ ટેકનિકોનો સ્વીકાર કરવામાં આવે અને ટીમમાં કડક શિસ્તનું પાલન થાય. આ ઉદાહરણ દ્વારા તેમણે સમજાવ્યું કે વ્યાવસાયિક કે રમતગમતના ક્ષેત્રમાં પણ જો અલગ દ્રષ્ટિકોણથી કામ કરવામાં આવે તો ચોક્કસપણે ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય છે.

3). ભૂજ ભૂકંપ બાદ પ્રમુખસ્વામી મહારાજનો માનવીય અભિગમ:

પૂજ્ય સ્વામીએ બીએપીએસના તત્કાલીન વડા પ્રમુખસ્વામી મહારાજનો એક અદ્ભુત પ્રસંગ યાદ કર્યો હતો. કચ્છના ભયાનક ભૂકંપ દરમિયાન ભૂજમાં એક શાળા સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. પ્રમુખસ્વામી મહારાજે બાળકોના શિક્ષણના હિતમાં આ શાળાનું પુનઃનિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. જોકે, સ્થાનિક લોકો આ જગ્યાનો ઉપયોગ ખુલ્લામાં શૌચક્રિયા માટે કરતા હોવાથી તેઓએ શાળા બનાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો. જ્યારે સ્વામીજીને આ વાસ્તવિક સમસ્યાની જાણ થઈ, ત્યારે તેમણે લોકોના વિરોધને નકારવાને બદલે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક સૌપ્રથમ તેમના માટે સુવિધાયુક્ત શૌચાલયોનું નિર્માણ કરાવ્યું. ત્યારબાદ તેમણે તે સ્થળે એક ભવ્ય શાળા તૈયાર કરાવી અને તેનું નામ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નામ પરથી રાખ્યું હતું.

જીવનમાં અમલીકરણની સલાહ

વક્તવ્યના અંતમાં પૂજ્ય વિવેકજીવન સ્વામીએ સૌને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે, આપણે આપણા ઘર, ઓફિસ કે કોઈપણ કાર્યક્ષેત્રમાં કંઈક નવું અને અલગ વિચારવાનો પ્રયાસ કરવો જોઈએ. આવી હકારાત્મક વિચારસરણી જીવનને વધુ બહેતર બનાવે છે અને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવામાં મદદરૂપ નીવડે છે.