Onion Price Hike Reasons: ડુંગળીના ભાવ કેમ અચાનક બમણા થઈ ગયા? જાણો ભાવ વધારા પાછળના 5 મુખ્ય કારણો

મહારાષ્ટ્રના નાસિક સ્થિત લસલગાંવ APMC, જે દેશનું સૌથી મોટું ડુંગળીનું ગંજબજાર ગણાય છે, ત્યાં માત્ર એક જ મહિનાના ગાળામાં ડુંગળીના મોડલ ભાવ 21.25 પ્રતિ કિલોથી સીધા વધીને ₹43 પ્રતિ કિલો થઈ ગયા છે. આમ, હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ અચાનક બમણા થઈ ગયા છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sat, 05 Sep 2026 11:18 AM (IST)Updated: Sat, 05 Sep 2026 11:18 AM (IST)
why-onion-prices-doubled-5-main-reasons-apmc-market-rates
ડુંગળીના ભાવ વધારાના કારણો

Onion Price Hike: છેલ્લા કેટલાક મહિનાઓથી ખાંડના ભાવો આસમાને પહોંચ્યા બાદ હવે ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. મહારાષ્ટ્રના નાસિક સ્થિત લસલગાંવ APMC, જે દેશનું સૌથી મોટું ડુંગળીનું ગંજબજાર ગણાય છે, ત્યાં માત્ર એક જ મહિનાના ગાળામાં ડુંગળીના મોડલ ભાવ 21.25 પ્રતિ કિલોથી સીધા વધીને ₹43 પ્રતિ કિલો થઈ ગયા છે. આમ, હોલસેલ બજારમાં ડુંગળીના ભાવ અચાનક બમણા થઈ ગયા છે.

કેન્દ્ર સરકારે ભાવ અંકુશમાં લેવા માટે NAFED અને NCCF મારફતે 35 પ્રતિ કિલોના ભાવે છૂટક વેચાણ શરૂ કર્યું છે, છતાં પણ બજારમાં ભાવ વધારાની ગતિ તીવ્ર બની રહી છે. નિષ્ણાતોના મતે આગામી એક-બે મહિના સુધી ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.

ડુંગળીના ભાવ વધારા પાછળના મુખ્ય કારણો

1) ઓછો સંગ્રહ:

એપ્રિલ-મે દરમિયાન ડુંગળીના ભાવ ₹15 થી ₹18 પ્રતિ કિલો જેટલા સારા મળતા હોવાથી અને હવામાનની પ્રતિકૂળતાને કારણે ગુણવત્તા નબળી હોવાથી ખેડૂતો અને વેપારીઓએ ડુંગળીનો મેડામાં સંગ્રહ કરવાને બદલે બજારમાં વેચી દીધી હતી. ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં કમોસમી વરસાદને કારણે પણ સ્ટોરેજમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

2) સંગ્રહિત ડુંગળીનો ભારે બગાડ:

જુલાઈ મહિનામાં પડેલા ભારે વરસાદને કારણે મેડામાં રાખેલી ડુંગળીમાં ફૂગ આવી ગઈ હતી. સામાન્ય રીતે 20 કિલોમાંથી 16 કિલો ડુંગળી વેચવા લાયક રહેતી હોય છે, પરંતુ આ વર્ષે બગાડ વધતા માત્ર 13 કિલો ડુંગળી જ સારી રહી છે, જેનાથી બજારમાં પુરવઠો ઘટી ગયો છે.

3) અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની અસર:

આંતરરાષ્ટ્રીય સ્તરે હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાથી અને જહાજોના ભાડાં વધવાથી ખાડી દેશોમાં ભારતથી થતી નિકાસ ખોરવાઈ હતી. નિકાસ ન થવાના ભયથી અને વેપારીઓની જોખમ ખેડવાની ક્ષમતા ઘટતાં તેમણે અગાઉથી જ જથ્થો વેચી નાખ્યો હતો, જેથી હવે સ્ટોક મર્યાદિત બચ્યો છે.

4) ખરીફ પાકમાં વિલંબ અને અલ-નીનોની અસર:

શુષ્ક વાતાવરણ અને સિંચાઈના પાણીના પ્રશ્નોને કારણે ખરીફ ઋતુની નવી ડુંગળી બજારમાં આવવામાં નવેમ્બર સુધીનો વિલંબ થશે. પરિણામે હાલના સ્ટોક સામે કોઈ હરીફાઈ ન હોવાથી ભાવો ઊંચકાયા છે.

5) બજારની નકારાત્મક માનસિકતા:

ઓછો વરસાદ પડવાના કારણે આ વર્ષના ખરીફ પાક ઉપરાંત આવતા વર્ષની રવિ સિઝનમાં પણ સિંચાઈના પાણીની અછત સર્જાશે તેવી ચિંતાને કારણે બજારમાં અત્યારથી જ ભાવો ઊંચા બોલાઈ રહ્યા છે.

કોને મળી રહ્યો છે લાભ?

ડુંગળીનો સંગ્રહ કરવો ખર્ચાળ હોવાથી અને દર મહિને તેની જાળવણી કરવી પડતી હોવાથી નાના ખેડૂતો સ્ટોક કરી શક્યા નથી. પરિણામે આ ભાવ વધારાનો સીધો આર્થિક લાભ મોટા ખમતીધર ખેડૂતો અને વેપારીઓને મળી રહ્યો છે.