પાઈલ્સ અર્થાત મસા એટલે કે બવાસીર એક એવી બીમારી છે, જેમાં ગુદા અર્થાત મળ દ્વારની આસપાસ સોજો આવી જાય છે. જેના પરિણામે મળ ત્યાગ કરવામાં સમસ્યા સર્જાય છે.
પાઈલ્સની સમસ્યા ખોટી ખાણીપીણીની આદતો તેમજ ખરાબ લાઈફસ્ટાઈલ ખાસ કરીને બેઠાડું જીવનના કારણે થાય છે. એવામાં આજે આ લેખમાં અમે આપને કેટલીક એવી વાતો જણાવીશું, જેને ધ્યાનમાં રાખીને તમે પાઈલ્સની બીમારીથી બચી શકો છો.
આજના ડિજિટલ યુગમાં ઘણાં લોકો ઑફિસ વર્ક માટે દિવસનો મોટાભાગનો સમય બેસીને જ કામ કરવા લાગ્યા છે. એવામાં પાઈલ્સની સમસ્યાથી બચવા માટે કોઈ એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસવાથી બચવું જોઈએ. બની શકે તો, દર કલાકે ઉભા થઈને પાંચેક મિનિટનો આંટો મારવાનું રાખવું જોઈએ.
પાઈલ્સની સમસ્યાથી બચવા માટે વધારે પડતું તીખુ અને તળેલું ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. આમ કરવાથી પાઈલ્સની સમસ્યાથી બચી શકાય છે.
પાઈલ્સની પરેશાનીથી બચવા માટે લીલા શાકભાજી, કઠોળ, દાળ અને ઑટ્સ જેવા ફાઈબરથી ભરપુર ફૂડ્સને તમારી ડાયટમાં સામેલ કરો. જે તમારા મળને નરમ બનાવે છે, જેનાથી કબજિયાતની સમસ્યા નથી રહેતી.
પાઈલ્સની સમસ્યાથી બચવા માટે પુષ્કળ પાણી પીવું જોઈએ. આ માટે બને તો દરરોજ 10 ગ્લાસથી વધુ પાણી પીવાનું રાખો. જેથી સરળતાથી મળત્યાગ થઈ શકે.
મળ ત્યાગને ક્યારેય રોકી ના રાખો, કારણ કે તેનાથી આંતરડા નબળા પડે છે અને કબજિયાતની સમસ્યા વકરી શકે છે. જેના પરિણામે પાઈલ્સ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત ટૉઈલેટમાં વધારે સમય સુધી બેસીને મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.