પ્રોટીન, ફાઈબર, જીંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ વગેરેથી ભરપુર અળસી સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે. જો કે કેટલાક લોકો માટે અળસી નુક્સાનદાયક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કોને અળસીનું સેવન કરવાનું ટાળવું જોઈએ
નબળી પાચન શક્તિ ધરાવતા લોકોએ અળસીનું સેવન કરવાથી બચવું જોઈએ, કારણ કે અળસીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. જે આંતરડામાં બ્લૉકેજની સમસ્યા ઉભી કરી શકે છે. જેનાથી પેટમાં દુ:ખાવો અને કબજિયાતની સમસ્યા વકરી શકે છે.
અળસીની તાસીર ગરમ હોય છે. આથી તેનું સેવન પ્રેગ્નેન્ટ મહિલાઓએ ના કરવું જોઈએ, કારણ કે આમ કરવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે.
જો તમને કોઈ પ્રકારની સ્કિન એલર્જી હોય જેમકે ખણ આવવી, રેશેજ, બળતરા, સોજા વગેરે તો અળસીનું સેવન ના કરશો, કારણ કે તેનાથી સમસ્યા વકરી શકે છે.
જો તમને લૂઝ મૉશનની સમસ્યા થઈ ગઈ હોય, તો અળસીના બીજ ખાવાનું ટાળો, કારણ કે તેનાથી સમસ્યા વધી શકે છે. જો કબજિયાતની સમસ્યા હોય તો અળસીનું સેવન ફાયદેમંદ નીવડી શકે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખશો કે, અળસી મર્યાદિત પ્રમાણમાં જ ખવાય. વધારે પડતી અળસી ખાવાથી પણ ડાયેરિયા થઈ શકે છે.
મહિલાઓ માટે અળસીના બીજ પાવરહાઉસની જેમ કામ કરે છે, પરંતુ જો તમે બાળકને દૂધ પીવડાવતા હોવ, તો અળસીનું સેવન ના કરવું જોઈએ. અળસીનું સેવન કરવાથી હોર્મોનલ ચેન્જીસ થઈ શકે છે, જેના કારણે તકલીફ થઈ શકે છે.
જો પીરિયડ્સ દરમિયાન હેવી બ્લિડિંગ થતું હોય તો અળસીનું સેવન ભૂલથી પણ ના કરશો, કારણ કે તેની તાસીર ગરમ હોય છે. જેથી આવા સમયે અળસીનું સેવન કરવાથી સમસ્યા વધી શકે છે.
અળસી ખાધા પછી પાણી વધારે પીવું પડે છે. જો તમે અળસી ખાધા પછી ઓછું પાણી પીવો છો, તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જેના કારણે આંતરડાને પણ નુકસાન પહોંચી શકે છે.