વડાપાવ નાસ્તા તરીકે એક બેસ્ટ ઓપ્શન છે. બહાર લારી પર મળતો વડાપાવ તો બધાને ગમે છે, પરંતુ હવે તમે ઘરે જ એ જ સ્વાદિષ્ટ વડાપાવ બનાવી શકો છો. ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ વડાપાવ બનાવવાની રેસીપી.
પાવ- જેટલા વડા બનાવવા હોય એટલા, બાફેલા બટાકા– 4–5 મધ્યમ કદના, ચણાનો લોટ– 1 કપ, આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી,લીલા મરચાની પેસ્ટ– 1 ચમચી, હળદર પાઉડર – ½ ચમચી, ગરમ મસાલો – ½ ચમચી, લીંબુનો રસ – 1 ચમચી, કોથમીર – બારીક સમારેલી, સાજીના ફૂલ (સોડા) – ચપટી, મીઠું સ્વાદ મુજબ, બટર – પાવ શેકવા માટે, તેલ – તળવા માટે, ચટણી – લીલી અને લાલ (સર્વ કરવા માટે)
સૌ પ્રથમ કુકરમાં બટેટા બાફી લો. બફાઈ જાય પછી તેની છાલ ઉતારી બરાબર મસળી લો જેથી ભુક્કો થઈ જાય.
મસળેલા બટાકામાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ, હળદર, મીઠું, ગરમ મસાલો, લીંબુનો રસ અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેના નાનાં ગોળ વડા વાળી તૈયાર રાખો.
એક વાટકીમાં ચણાનો લોટ લો. તેમાં મીઠું, ચપટી સાજીના ફૂલ અને થોડું લીંબુનો રસ ઉમેરી, જરૂર મુજબ પાણી ઉમેરીને એક સરખું ખીરું તૈયાર કરો (ન બહુ જાડુ, ન બહુ પાતળું).
કડાઈમાં તેલ ગરમ કરો. વડાને ખીરામાં ડીપ કરીને ગરમ તેલમાં તળો. જ્યારે વડા સોનેરી રંગના થાય ત્યારે બહાર કાઢી લો અને ટિસ્યૂ પેપર પર રાખો જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
લોઢી (તવો) પર થોડું બટર મૂકી ગરમ કરો. પાવને વચ્ચેથી કટ કરી બંને બાજુ હળવાશથી શેકી લો.
શેકેલા પાવની એક બાજુ લીલી ચટણી અને બીજી બાજુ લાલ ચટણી લગાવો. વચ્ચે વડુ મૂકી પાવ બંધ કરો અને હળવો દબાવો. ઈચ્છા હોય તો થોડું બટર લગાવી હળવો શેકી લો.
તમારો ક્રિસ્પી અને સ્પાઈસી વડાપાવ તૈયાર છે! તેને ગરમ ગરમ લીલી ચટણી, લસણની ચટણી અથવા ટમેટાની સોસ સાથે સર્વ કરો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.