શિયાળો આવે ત્યારે માર્કેટમાં દરેક પ્રકારના શાકભાજી મળતા થઈ જાય છે. આ ઋતુમાં ખાસ વાનગીઓ ઘરમાં બનવાનું મન થાય છે. શિયાળાની એવી જ એક હેલ્થી અને ટેસ્ટી રેસીપી છે શક્કરીયા ચાટ. જો તમને ઠંડીના દિવસોમાં તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો આ ચાટ એકદમ પરફેક્ટ છે.
1 ચમચી જીરુ, 1 ચમચી ધાણા, 3–4 સુકા લાલ મરચાં, 1 લીબું , 1 ડુંગળી (કાપેલી), 1 ટામેટું (કાપેલું), 2–3 લીલા મરચાં (કાપેલા), લીલા ધાણા (સૂક્ષ્મ કાપેલા), આંબલીનું પાણી – 2 ચમચી, તલ (ઐચ્છિક), મીઠું સ્વાદ પ્રમાણે, શક્કરીયા જરૂરી પ્રમાણે
શક્કરીયાને સૌપ્રથમ સાદા પાણીથી ધોઈ લો. પછી તેના ઉપર થોડું મીઠું નાખીને હાથથી સારી રીતે ઘસો. ત્યાર બાદ 3–4 વખત પાણીથી સારી રીતે ધોઈ લો જેથી માટી અને કચરો ઉતરી જાય.
એક કુક્કર લો અને તેના તળિયામાં થોડું ઘી લગાવો. ધોયેલા શક્કરીયા ગોઠવી દો. ઉપર ભીનું કરેલું ટુવાલ મૂકી દો (જેને લીધે શક્કરીયા નરમ અને સરસ બાફાય). હવે 2–3 સીટી વાગવા દો અને શક્કરીયા બાફાઈ જાય.
એક કડાઈ ગરમ કરો. તેમાં 1 ચમચી જીરુ, 1 ચમચી ધાણા અને 3–4 સુકા લાલ મરચાં નાખીને હળવું શેકો. ઠંડું થાય પછી તેને પીસી લો. ચાટનો મસાલો તૈયાર કરો!
એક બાઉલમાં બાફેલા શક્કરીયા લો. તેમાં કાપેલી ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરો. અડધું લીંબુ નીચોવો.
હવે 2 ચમચી આંબલીનું પાણી ઉમેરો. સ્વાદ મુજબ મીઠું અને બનાવેલો ચાટ મસાલો નાખીને સારી રીતે મિક્સ કરો.
તમારી ચટપટી, હેલ્થી અને વિન્ટર સ્પેશિયલ શક્કરીયા ચાટ તૈયાર થઈ ગઈ.હવે તેને સર્વ કરો અને મજા માણો!
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.