ચટાકેદાર નાયલોન ખમણ ઘરે બનાવો, આંગળા ચાટતા રહી જશો


By Dimpal Goyal02, Nov 2025 09:59 AMgujaratijagran.com

નાયલોન ખમણ

ખમણ એટલે ગુજરાતનો સૌથી લાડકો નાસ્તો. નરમ, સ્પોન્જી અને રસદાર ખમણ ખાવાની મજા જ અલગ હોય છે. તેમાં પણ નાયલોન ખમણ નો સ્વાદ તો એના કરતાં પણ ખાસ હોય છે. ચાલો જાણીએ કેવી રીતે ઘરે જ બહાર જેવા ટેસ્ટી નાયલોન ખમણ બનાવી શકાય!

સામગ્રી

ચણાનો લોટ (બેસન) – 1 કપ, પાણી – જરૂર પ્રમાણે, ખાંડ – 2 ટેબલસ્પૂન, લીંબુના ફુલ / સિટ્રિક એસિડ – ¼ ચમચી, તેલ – 2 ટેબલ સ્પૂન, રાઈ – 1 ચમચી, મીઠો લીમડો – થોડા પાન, હિંગ – ચપટી, હળદર – ચપટી, બેકિંગ સોડા – ½ ચમચી, મીઠું – સ્વાદ મુજબ, ધાણા – સજાવટ માટે, લીલા મરચા – વઘાર માટે

સ્ટેપ 1

એક વાસણમાં પાણી, ખાંડ, લીંબુના ફૂલ અને બેકિંગ સોડા નાખો. ચમચાથી બરાબર બે મિનિટ સુધી હલાવો જેથી બધું સરસ મિક્સ થઈ જાય.

સ્ટેપ 2

બેસનને ચાળી લો અને તેમાં પાણી નાખીને મધ્યમ ઘટ્ટ ખીરું બનાવો. પછી મીઠું ઉમેરો અને તેને લગભગ 5 મિનિટ ઢાંકી રાખો.

સ્ટેપ 3

ઢોકળીયાનું કુકર લો, તેમાં નીચે થોડું પાણી મુકો અને ગરમ થવા દો. હવે ખીરામાં બેકિંગ સોડા નાખી ઝડપથી મિક્સ કરો અને તરત જ તે ખીરું થાળીમાં નાખી ઢાંકી દો. આ ખમણને 10 મિનિટ સુધી વરાળમાં શેકો. પછી ગેસ બંધ કરી થાળીને ઠંડુ થવા દો.

સ્ટેપ 4

એક કડાઈમાં તેલ ગરમ કરો. હવે તેમાં હિંગ, મીઠો લીમડો અને લીલા મરચા નાખો. પછી અડધો કપ પાણી ઉમેરો અને ગરમ થવા દો, પછી ખાંડ અને ચપટી મીઠું ઉમેરો, ગેસ બંધ કરો. આ ગરમ વઘાર ખમણ પર રેડી દો જેથી તે નરમ અને રસદાર બને.

સ્ટેપ 5

ખમણને ચોરસ ટુકડામાં કાપો, ઉપરથી ધાણા છાંટો અને ગરમ ગરમ ખમણ કઢી અથવા તળેલા મરચા સાથે પીરસો. આ નરમ અને હળવો નાયલોન ખમણ ખાવાની મજા ખરેખર આંગળા ચટાવશે!

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાઠિયાવાડી ભાખરી બનાવવાની પરફેક્ટ રીત