દર વર્ષે 15 ઓગસ્ટે ભારત પોતાનો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવે છે. આપણો દેશ 15 ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો.
પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ભારત સિવાય પણ કેટલાક એવા દેશો છે જેઓ 15 ઓગસ્ટના રોજ જ આઝાદ થયા હતા.
બહેરીન એક ઇસ્લામિક દેશ છે. આ દેશે 15 ઓગસ્ટ, 1971ના રોજ બ્રિટનથી આઝાદી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે બહરીની દીનાર વિશ્વની સૌથી મજબૂત કરન્સી પૈકી એક છે.
દક્ષિણ કોરિયાને 15 ઓગસ્ટ, 1945ના રોજ આઝાદી મળી હતી. બીજા વિશ્વ યુદ્ધના અંતે તેને જાપાની શાસનમાંથી મુક્તિ મળી. 1910 થી 1945 દરમિયાન દક્ષિણ કોરિયા ગુલામ રહ્યું હતું. જ્યારે દક્ષિણ કોરિયાને આઝાદી મળી ત્યારે તે બે ભાગમાં વહેંચાઈ ગયું - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા.
લિચટેનસ્ટેઇન દેશ પણ 15 ઓગસ્ટના દિવસે જ આઝાદ થયો હતો. તે યુરોપનો એક નાનો દેશ છે. લિચટેનસ્ટેઇને વર્ષ 1866માં જર્મનીક સંઘથી આઝાદી મેળવી હતી.
કાંગો દેશ એક આફ્રિકન દેશ છે, જેને 15 ઓગસ્ટ, 1960ના રોજ ફ્રાન્સથી આઝાદી મળી હતી. આ દેશ 1880 થી 1960 સુધી ફ્રાન્સના સંસ્થાનવાદી શાસન હેઠળ રહ્યો હતો. જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે તેનું નામ કોંગો રિપબ્લિક રાખવામાં આવ્યું હતું.