સુખડીનું નામ આવે એટલે મહુડીનું નામ યાદ આવે. આજે પરફેક્ટ માપ સાથે સોફ્ટ સુખડી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. નાના બાળકોને સુખડી ખુબ ભાવતી હોય છે. આ સુખડી ગરમા ગરમ ખાવાની મજા અલગ છે. તો ચાલો બનાવીએ મહુડી જેવી સુખડી.
ઘી: 1 કપ, ઘઉંનો લોટ, ઝીણો સમારેલો અથવા ખમણેલો ગોળ, ઘરના દૂધની મલાઈ: સુખડીને સોફ્ટ બનાવવા માટે, ગુંદ (વૈકલ્પિક): ક્રંચ માટે, બદામ-પિસ્તા (વૈકલ્પિક), ગાર્નિશિંગ માટે બદામની કતરણ (વૈકલ્પિક).
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા નોનસ્ટિક પેન અથવા સ્ટીલના વાસણમાં એક કપ ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ ઉમેરો અને તેને એકદમ ધીમા તાપે શેકવાનું શરૂ કરો. ઉતાવળ બિલકુલ કરશો નહીં, કારણ કે તેનાથી લોટ બળી જશે અને કાચો રહી શકે છે.
શરૂઆતમાં લોટ બધું ઘી શોષી લેશે અને મિશ્રણ કઠણ લાગશે. જેમ જેમ લોટ શેકાતો જશે, તેમ તેમ તેમાંથી ઘી છૂટું પડશે અને મિશ્રણ હલકું થતું જશે. જ્યારે લોટ શેકાઈને સુગંધ આવવા લાગે, ત્યારે તેમાં ગુંદ ઉમેરી શકો છો. ગરમ લોટમાં જ ગુંદ સરસ રીતે ફૂલી જશે, તેથી તેને અલગથી શેકવાની જરૂર નથી. ગુંદ નાખવો વૈકલ્પિક છે, તેનાથી સુખડીમાં સારો ક્રંચ આવે છે.
જ્યાં સુધી લોટનો રંગ બદલાય અને ગુંદ બરાબર ફૂલી જાય ત્યાં સુધી શેકો. હવે, ગેસની ફ્લેમ બંધ કરી દો. સુખડીને એકદમ સોફ્ટ બનાવવા માટે, તેમાં ઘરના દૂધની મલાઈ ઉમેરો અને બે મિનિટ માટે બરાબર હલાવો. ત્યારબાદ પેનને ગેસ પરથી નીચે ઉતારી લો. મિશ્રણને બે મિનિટ માટે સહેજ ઠંડુ થવા દો. આ ખૂબ જ મહત્વનું છે કારણ કે જો ગરમ મિશ્રણમાં ગોળ ઉમેરવામાં આવે તો ગોળનો પાયો થઈ જાય છે અને સુખડી કઠણ થઈ જાય છે.
આ જ તબક્કે તમે ઈચ્છો તો બદામ-પિસ્તા જેવા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે તેમાં ઝીણો સમારેલો અથવા ખમણેલો ગોળ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. ઝીણો ગોળ જલ્દીથી ઓગળી જાય છે. તમે દેશી ગોળ પણ વાપરી શકો છો. હવે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લો અને તેમાં સુખડીનું મિશ્રણ પાથરી દો.
એક ગ્રીસ કરેલી વાડકીની મદદથી મિશ્રણને એકસરખું દબાવીને પાથરી દો. તમે તમારી પસંદ મુજબ જાડી કે પાતળી સુખડી બનાવી શકો છો. ઉપરથી ગાર્નિશિંગ માટે બદામની કતરણ નાખીને તેને સ્પેચ્યુલાથી સહેજ દબાવી દો, જેથી કાપતી વખતે તે નીકળી ન જાય. સુખડી સહેજ ગરમ હોય (નોર્મલ ઠંડી) ત્યારે જ તેના પીસ કરી લો. જો તે સંપૂર્ણપણે ઠંડી થઈ જશે તો સરખા પીસ નહીં પડે.