24 જુલાઈથી શરૂ થશે દશામાનું વ્રત,જાણો પૂજા વિધિ અને તેનું મહત્વ


By Kajal Chauhan23, Jul 2025 05:44 PMgujaratijagran.com

દશામા વ્રત ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ દ્વારા દસ દિવસ સુધી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. અષાઢ માસની અમાસ જેને દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે. તે દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે.

ક્યારે શરૂ થશે દશામા વ્રત

ગુજરાતી કેલેન્ડર મુજબ આ વ્રત અષાઢ વદ અમાસથી 24 જુલાઈ, 2025 ના રોજ થશે અને તેની પૂર્ણાહુતિ 02 ઓગસ્ટ, 2025 ના રોજ થશે.

દશામા વ્રત મહત્વ

માન્યતા છે કે દશામા ભક્તોની દશા સુધારે છે અને તેમને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ વ્રત મુખ્યત્વે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

પીપળના વૃક્ષની પૂજા

દશામા વ્રત દરમિયાન દશામાતાની પૂજા વિધિનું વિશેષ મહત્વ હોય છે. આ પૂજામાં મુખ્યત્વે પીપળના વૃક્ષની પૂજા ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે, જે સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનાર મનાય છે.

કાચા સૂતરના 10 તાંતણા

દશામા વ્રતના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા લે છે. આ તાંતણામાં 10 ગાંઠો બાંધવામાં આવે છે અને પીપળના વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે તેને વૃક્ષ પર બાંધવામાં આવે છે.

દશામા વ્રત કથા

પીપળના વૃક્ષની પૂજા કર્યા પછી, ભક્તો વૃક્ષ નીચે બેસીને નળ-દમયંતીની કથાનું શ્રવણ કરે છે, જે આ વ્રતનો અભિન્ન અંગ છે. આ ઉપરાંત આ દિવસે ઉંબરાના વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે.

દશામા વ્રત ઉપવાસ

દશામા વ્રત કરનારી સ્ત્રીઓ 10 દિવસ ઉપવાસ રાખે છે અને એક જ સમયે ભોજન ગ્રહણ કરે છે. ભોજનમાં મીઠાનો ઉપયોગ ટાળવામાં આવે છે. અનેક સ્ત્રીઓ નકોરડા ઉપવાસ પણ કરે છે.

રાત્રિ જાગરણ

વ્રતના દસમા અને અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા રાત્રિ જાગરણ કરવામાં આવે છે અને વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરવામાં આવે છે, જે વ્રતની પૂર્ણાહુતિ સૂચવે છે.

શું ઘરમાં શિવલિંગ સાથે નંદી મહારાજ રાખી શકાય?