ચોમાસાની શરૂઆત સાથે હવે વ્રત અને તહેવારોની સિઝન પણ શરૂ થવા જઈ રહી છે. અષાઢ મહિનામાં ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. આ મહિનામાં દાન કરવાનો પણ મહિમા છે.
અષાઢ મહિનો 26 જૂનથી શરુ થાય છે. 24 જુલાઈ સુધી ચાલશે. આ દરમિયાન અષાઢી બીજ રથયાત્રા, ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, કાલાષ્ટમી, દિવાસો જેવા તહેવારો આવશે. ચાલો જાણીએ ક્યારે છે
અષાઢી બીજ 27 જૂન શુક્રવારના રોજ છે. આ દિવસે વિવિધ રાજ્યોમાં જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવે છે. સાથે જ આ દિવસ કચ્છમાં રહેતા લોકો નવા વર્ષ તરીકે ઉજવે છે.
ગૌરી વ્રત સામાન્ય રીતે 6 વર્ષથી 14 વર્ષ સુધીની ઉંમરની બાળાઓ કરતી હોય છે. ગૌરી વ્રતને મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રતમાં અલૂણા ઉપવાસ કરવાની પરંપરા છે. એટલે કે આ વ્રતના પાંચ દિવસ સુધી કન્યાઓ મીઠાંવાળુ ભોજન ગ્રહણ નથી કરતી.
અષાઢ મહીનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ-ગૌરીની પૂજા-ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે.
ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ છે. આ દિવસે મહાભારતના લેખક વેદ વ્યાસનો જન્મ થયો હતો. વેદ વ્યાસ જીના માનમાં દર વર્ષે અષાઢ શુક્લ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વેદ વ્યાસજીએ ભાગવત પુરાણનું જ્ઞાન પણ આપ્યું હતું. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.