Railway Ticket Transfer Rules: ભારતીય રેલવેમાં મુસાફરી કરતા ઘણા લોકોના મનમાં વારંવાર એક સવાલ ઊભો થાય છે કે શું પોતાના નામે બુક કરાવેલી કન્ફર્મ ટ્રેન ટિકિટ કોઈ અન્ય વ્યક્તિના નામે કરી શકાય? ખાસ કરીને જ્યારે ટિકિટ બુક કરતી વખતે નામ, ઉંમર અથવા જન્ડરમાં ભૂલ થઈ જાય ત્યારે લોકો ઓનલાઈન સુધારો શોધવા લાગે છે. જોકે, IRCTC તરફથી હાલમાં એવી કોઈ ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ નથી, જેના દ્વારા બુક થયેલી ટિકિટમાં નામ અથવા અન્ય વ્યક્તિગત વિગતોમાં ફેરફાર કરી શકાય.
ઓનલાઈન નામ બદલવાની સુવિધા નથી
IRCTCની વેબસાઇટ અથવા મોબાઇલ એપમાં એકવાર ટિકિટ બુક થઈ જાય પછી તેમાં મુસાફરનું નામ, ઉંમર અથવા જન્ડર બદલવાનો કોઈ વિકલ્પ આપવામાં આવ્યો નથી. એટલે કે ટિકિટ કન્ફર્મ થયા પછી આ વિગતો ઓનલાઈન એડિટ કરી શકાતી નથી. જો બુકિંગ સમયે ભૂલથી ખોટું નામ દાખલ થઈ ગયું હોય તો તેને સુધારવાનો સૌથી સરળ રસ્તો જૂની ટિકિટ રદ કરીને યોગ્ય વિગતો સાથે નવી ટિકિટ બુક કરાવવાનો છે. જોકે, આ દરમિયાન સીટની ઉપલબ્ધતા પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરી શકાય
ભારતીય રેલવેના નિયમો અનુસાર મુસાફર પોતાની કન્ફર્મ ટિકિટ માત્ર નજીકના પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરાવી શકે છે. તેમાં માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની અથવા સંતાનોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા માટે મુસાફરે મુસાફરીના ઓછામાં ઓછા 48 કલાક પહેલાં મુખ્ય રિઝર્વેશન કેન્દ્રનો સંપર્ક કરવો પડે છે. મહત્વની વાત એ છે કે એક ટિકિટ માત્ર એક જ વખત ટ્રાન્સફર કરી શકાય છે.
ટિકિટ ટ્રાન્સફર માટે શું કરવું?
જો તમે પરિવારના સભ્યના નામે ટિકિટ ટ્રાન્સફર કરાવવા માંગતા હોવ તો તમારે રેલવે સ્ટેશન પર જઈને ચીફ રિઝર્વેશન સુપરવાઇઝરનો સંપર્ક કરવો પડશે. સાથે ઓરિજિનલ ઓળખપત્ર અને સંબંધ સાબિત કરતો પુરાવો પણ રજૂ કરવો જરૂરી છે. લેખિત અરજી આપ્યા બાદ અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી કરશે અને નિયમો અનુસાર ટિકિટમાં નામ ટ્રાન્સફર કરવાની કાર્યવાહી કરશે. ધ્યાન રાખો કે આ સુવિધા માત્ર પરિવારના સભ્યો માટે જ ઉપલબ્ધ છે, મિત્રો અથવા અન્ય ઓળખીતાઓ માટે નહીં.
આથી, જો તમે વિચારતા હોવ કે કન્ફર્મ ટ્રેન ટિકિટ સીધી કોઈપણ વ્યક્તિના નામે કરી શકાય છે, તો એવું શક્ય નથી. રેલવેના નિયમો અનુસાર માત્ર પરિવારના સભ્યો માટે જ આ ખાસ સુવિધા આપવામાં આવી છે.
