લોકલ ડેસ્કઃ ગાંધીનગરના બાપુપુરાના અને છેલ્લાં 22 વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા NRI સાથે 3.59 કરોડની છેતરપીંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે NRIએ કેપીટલ કેબ્સ એન્ડ ટેક્સી સર્વિસીસ પ્રા. લિમીટેડ કંપની સાથે સંકળાયેલા ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી છે.
NRI પ્રહલાદભાઇ ઉર્ફે પીટર ગાંડાભાઇ ચૌધરીએ જે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં સંજય રમેશ પટેલ (આમજા), દિનેશ ગાંડાભાઇ ચૌધરી તથા કેતન નવીનચંદ્ર મહેતાનો સમાવેશ થાય છે. દિનેશ ચૌધરીના મારફત તેઓએ સંજય પટેલના સંપર્કમાં આવ્યા હતા. બંનેએ તેઓને સરકારમાં ઇલેક્ટ્રીક કાર ભાડે બાંધવા માટે કેપીટલ કેબ્સ એન્ડ ટેક્સી સર્વિસ પ્રા. લીમીટેડ કંપનીમાં 2 કરોડના રોકાણ કરવાની ઓફર કરી હતી. જેમાં તેઓને કંપનીના શેરનો 49 ટકા ભાગ તથા ડિરેક્ટર બનાવવાની લાલચ અપાઇ હતી.
પ્રહલાદભાઇ એ ઓફર સ્વિકારી હતી. શરૂઆતમાં પોણા બે કરોડ મોકલ્યા હતા. ત્યારબાદ અમેરિકા જઇ 12 લાખ મોકલ્યા હતા. કંપનીનો ધંધો વધારવાના બહાને તેઓની પાસેથી બાપુપુરાની ડિલોપાર્જીત બે વિઘા જમીન મોર્ગેજ કરાવી માણસા નાગરિક બેંકમાંથી પોણા બે કરોડની લોન લેવડાવી હતી. ત્યારબાદ કંપનીએ 17 ઇલેક્ટ્રીક કાર ખરીદી હતી. પ્રહલાદભાઇએ પૈસાનો હિસાબ માંગતા કોઈ જવાબ આપવામાં આવતો નહોતો.
લોનના હપ્તા પણ ભરાતા નહતા. ડિરેક્ટરમાંથી હટાવી શેર ટર્મિનેટ કરવાની ધમકી આપતા પ્રહલાદભાઈ તાત્કાલીક ઇન્ડિયા દોડી આવ્યા હતા. જ્યાં ધ્યાનમાં આવ્યુ હતુકે, તેમના નામની કેટલીક જગ્યાએ ખોટી સહિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પૈસા પરત માંગતા આપવાની ના પાડવામાં આવી ખોટી ફરિયાદમાં ફસાવી અમેરિકાની નાગરિકતા રદ્દ કરવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.