OPEN IN APP

મહી બીજ ઉત્સવઃ અનેક જીવોનું પોષણ કરતી નદીનું પૂજન કરવાની અનોખી પરંપરા

By: Sanket Parekh   |   Mon 23 Jan 2023 10:50 PM (IST)
%e0%aa%ae%e0%aa%b9%e0%ab%80-%e0%aa%ac%e0%ab%80%e0%aa%9c-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b8%e0%aa%b5%e0%aa%83-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87%e0%aa%95-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%ab%8b%e0%aa%a8-82101

આણંદ.
Mahi Beej Utsav: ભારતીય સંસ્કૃતિ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા માટે પ્રેરે છે અને આવી સંપદાને દેવતુલ્ય માને છે. એથી જ દેશની વિવિધ નદીઓને લોકમાતા ગણીને તેમનું પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ આવી અનેક લોકમાતાઓ છે, જેમની સાથે જનઆસ્થા જોડાયેલી છે. એ પૈકીની એક મહી નદી.

મહી નદી પ્રત્યે ઋણ સ્વીકારવાનો ઉત્સવ એટલે મહી બીજ ઉત્સવ. ખાસ કરીને ગોપાલક સમાજ મહા સુદ બીજના પવિત્ર દિવસે મહી નદીમાં સ્નાન કરી, પૂજન કરે છે. આ પરંપરા પાછળ આસ્થા સાથે નદીના સંરક્ષણનો ભાવ પણ રહેલો છે.

રબારી સહિતના ગોપાલક સમાજ દ્વારા મહી બીજની ઉજવણી પાછળ પણ એક રોચક આસ્‍થા કથા વણાયેલી છે. આ પરંપરા ઘણા જુના સમયથી ચાલતી આવતી હશે તેમ મનાય છે. આ કથા પ્રમાણે લોકમાતા મહી જ્‍યારે સાગર સાથે લગ્ન યોજાયા ત્‍યારે ગોપાલક સમાજના વ્‍યક્‍તિએ ચોથા મંગળફેરાએ તેમનું સવા રૂપિયો અર્પણ કરીને કન્‍યાદાન કર્યું હતું. આણંદ જિલ્લાના મહી અને સાગરના સંગમબિંદુ જેવા વહેરા ખાડી ગામે આ લગ્ન યોજાયા હતા તેવી પ્રખર લોકશ્રદ્ધા પ્રવર્તમાન છે.

ગ્‍વાલબાલાએ વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્‍ણના બાલ્‍યકાળમાં સખાની ભૂમિકા અદા કરી હતી. આજનો ગોપાલક સમાજ પણ કદાચ તેમની જ પરિપાટી જાળવી રહ્યો છે. પશુપાલનના વ્‍યવસાયને લીધે કુદરત સાથે નીકટનો નાતો ધરાવતો વિશાળ રબારી સમુદાય પણ ગોપાલક સમાજનો જ એક અભિન્‍ન હિસ્‍સો છે અને તેમની જીવનશૈલી તેમજ રીતરિવાજોમાં કૃતિભક્તિના પૂજનની પરંપરા હજુ પણ જીવંત છે.

આ પરંપરાના પાલનરૂપે મહાસુદ બીજને રબારીઓ તેમજ ગોપાલકો મહી બીજ તરીકે ઉજવે છે, તેના અવસરે આજે આણંદ જિલ્લાના વાસદ મહીસાગર માતાજીના મંદિર, મહીસાગર સંગમ તીર્થ (વહેરાખાડી) તેમજ વડોદરા જિલ્લાના ફાજલપુર ખાતે મહીસાગર માતાજીના મંદિરે રબારીઓ સહિત ગોપાલક જાતિઓના લોકોએ ઘણી મોટી સંખ્‍યામાં, પરંપરાગત વેશભૂષા, આભૂષણોમાં અને નવા જમાનાની યુવા પેઢીએ આધુનિક પરિવેશમાં લોકમાતા મહીસાગરનો ભક્‍તિભાવપૂર્વક ખોળો ખૂંદ્યો હતો. મહીસાગર માતાના દૂગ્‍ધાભિષેક, પવિત્ર સ્‍નાન અને દર્શન માટે ઉત્તર ગુજરાતથી લઈને ચરોતર અને દક્ષિણ ગુજરાતમાંથી રબારી બંધુઓ સપરિવાર મહીના કાંઠે ઉમટી પડ્યા હતા.

આમ રબારી સહિત ગોપાલક સમાજનો વિશાળ વર્ગ લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજે છે. ગોપાલક દ્વારા લોકમાતાના કન્‍યાદાનને યાદ કરીને મહી બીજના દિવસે ગામે ગામથી રબારી સમાજ કુટુંબ કબીલા સાથે મહીસાગર માતાના ખોળે ઉમટી પડે છે. ઘરની ગાયનું દૂધ કેનમાં ભરીને લાવે છે. તેના દ્વારા મહીસાગરના જળનો અભિષેક કરે છે.

પવિત્ર સ્‍નાન કરે છે. પ્રસાદરૂપે ખાલી કેનમાં મહીમાતાનું પાવન જળ ભરે છે. વાસદના નદી કાંઠે આવેલા મહીસાગર માતાના મંદિરે પણ દર્શન-પૂજન કરે છે. યજ્ઞ પણ યોજાય છે અને મંદિરે ઉપવાસીઓને ફળાહાર પણ કરાવવામાં આવે છે. કૃતિની ભક્‍તિનું અપૂર્વ શ્રદ્ધાભર્યું વાતાવરણ જોવા મળે છે.

ઘેર જઇને પ્રસાદરૂપે સાથે લાવવામાં આવેલા મહીજળનો પશુધન અને ઘરસંપદા પર છંટકાવ કરવામાં આવે છે. મહીસાગર માતા સહુનું કલ્‍યાણ અને રક્ષણ કરે તેવી ભાવના તેની પાછળ કામ કરે છે. રબારી સમાજના લોકો બહુધા મહી બીજના દિવસે ઘરની ગાયના દૂધનું વેચાણ કરતાં નથી. સાંજના ઘરના દૂધની ખીર અને સુખડી બનાવે છે. સહુ ભક્‍તિભાવપૂર્વક સંધ્‍યાકાળે બીજના ચંદ્રમાના દર્શન કરે છે. તે પછી મહીસાગર માતાને ખીર અને સુખડીનો નૈવેધ ધરાવીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે. આમ કૃતિભક્તિ અને લોકમાતાના ગૌરવનો આ ઉત્‍સવ તેમના ભાતીગળ જીવન સાથે વણાઇ ગયો છે.

રબારી લોકો શક્‍તિના ઉપાસક છે. તેઓ ભગવાન શિવને પરમ પિતા અને મા શક્‍તિને માતા માને છે. જુના જમાનામાં રાજવીઓ ખાનગી સંદેશાઓ પહોંચાડવાનું કામ વિશ્વાસ રાખીને તેમને સોંપતા. બહેન-દીકરીઓના વળાવીયા તરીકે પણ તેમની સેવા લેવાતી. જેમનું અસલ વતન એશિયા માઇનોર હોવાનું મનાય છે. આધુનિક પ્રવાહોની અસર છતાં હજુ આ સમાજની રહેણીકરણી તેમજ સમાજ જીવન પર પરંપરાનો ભાવ સચવાયો છે. જેની પ્રતીતિ મહી બીજની શ્રદ્ધાસભર ઉજવણીથી થાય છે. મહીસાગર કાંઠે મહા બીજનો આ પાવન અવસર અસંખ્‍ય શ્રદ્ધાળુઓ માટે આસ્‍થાનું કેન્‍દ્રબિન્‍દુ બની રહ્યો હતો.

You May Like

    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.