WhatsApp Launches UPI Recharge Feature: મેસેજિંગ પ્લેટફોર્મ તરીકે વિશ્વભરમાં લોકપ્રિય WhatsApp હવે ભારતમાં પોતાની સેવાઓનો વિસ્તાર કરી રહ્યું છે. મેટા (Meta) માલિકીના આ પ્લેટફોર્મે ભારતીય યૂઝર્સ માટે એક નવી અને અત્યંત ઉપયોગી સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા યુઝર્સ હવે એપ્લિકેશનની અંદરથી જ સીધા પ્રીપેડ મોબાઈલ નંબર રિચાર્જ કરી શકશે.
આ નવી સુવિધા બાદ હવે યૂઝર્સને રિચાર્જ કરવા માટે PhonePe, Google Pay અથવા અન્ય કોઈ પેમેન્ટ એપ પર જવાની જરૂર નહીં પડે. હાલમાં, આ સેવાનો લાભ Jio, Airtel અને Vi ના પ્રીપેડ ગ્રાહકો મેળવી શકશે.
ચેટિંગની સાથે રિચાર્જ
WhatsApp એ તેની હોમ સ્ક્રીન પર 'રૂપિયા' (₹) ના ચિહ્નનું એક નવું આઇકન ઉમેર્યું છે. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે યૂઝર્સને નીચેના સ્ટેપ્સ અનુસરવાના રહેશે:
- WhatsApp ઓપન કરીને હોમ સ્ક્રીન પર દેખાતા '₹' (રૂપિયા) આઇકન પર ટેપ કરો.
- ત્યારબાદ દેખાતા વિકલ્પોમાંથી 'Mobile Recharge' પસંદ કરો.
- તમે જે નંબર રિચાર્જ કરવા માંગતા હોવ તે દાખલ કરો અથવા કોન્ટેક્ટ લિસ્ટમાંથી પસંદ કરો.
- તમારું ટેલિકોમ ઓપરેટર (Jio, Airtel કે Vi) કન્ફર્મ કરો અને ઉપલબ્ધ રિચાર્જ પ્લાનમાંથી પસંદગી કરો.
- પેમેન્ટ માટે UPI, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરીને ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરો.
- પેમેન્ટ સફળ થતાની સાથે જ મોબાઈલ નંબર રિચાર્જ થઈ જશે.
Android અને iPhone બંનેમાં ઉપલબ્ધ
WhatsApp ની આ નવી સુવિધા PayU દ્વારા સંચાલિત છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફીચર Android અને iPhone બંને યુઝર્સ માટે રોલ-આઉટ કરવામાં આવ્યું છે. આગામી થોડા અઠવાડિયામાં આ સુવિધા તમામ ભારતીય યુઝર્સ સુધી પહોંચી જશે. નોંધનીય છે કે મોબાઈલ રિચાર્જ ઉપરાંત, યુઝર્સ WhatsApp દ્વારા વિજળીના બિલ, મેટ્રો ટિકિટ બુકિંગ અને અન્ય UPI પેમેન્ટ્સ પણ કરી શકે છે.
'WhatsApp Plus' સબસ્ક્રિપ્શનની તૈયારી?
WhatsApp હવે માત્ર મેસેજિંગ એપ્લિકેશન રહેવાને બદલે એક 'ઓલ-ઇન-વન' (Super App) પ્લેટફોર્મ બનવા તરફ આગળ વધી રહ્યું છે. અહેવાલો મુજબ, કંપની ટૂંક સમયમાં 'WhatsApp Plus' નામનો સબસ્ક્રિપ્શન પ્લાન પણ રજૂ કરી શકે છે. આ પેઈડ પ્લાનમાં સબસ્ક્રાઈબર્સને કેટલીક એડવાન્સ સુવિધાઓ મળશે. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે ચેટિંગ, કોલિંગ અને ફાઈલ શેરિંગ જેવી મૂળભૂત સેવાઓ હંમેશાની જેમ મફત જ રહેશે.
