1 જાન્યુઆરીથી કોલિંગ અને ઇન્ટરનેટ થશે વધુ ફાસ્ટ, TRAIએ બદલ્યા ટેલિકોમ નિયમો, જાણો શું બદલાશે?

TRAIએ જારી કર્યા ટેલિકોમ ઇન્ટરનેટ અને કોલિંગના નવા નિયમો. 1 જાન્યુઆરીથી દેશભરમાં લાગુ થશે નિયમ, જાણો યુઝર્સને શું ફાયદો થશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 03 Nov 2026 06:53 PM (IST)Updated: Tue, 03 Nov 2026 06:53 PM (IST)
trai-new-telecom-rules-faster-calls-internet-from-jan-2027

TRAI New Telecom Rules: ભારતના કરોડો મોબાઈલ અને ઈન્ટરનેટ યુઝર્સ માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI) દ્વારા દેશની ટેલિકોમ સિસ્ટમને વધુ આધુનિક, ઝડપી અને પારદર્શક બનાવવા માટે 'દૂરસંચાર ઇન્ટરનેક્શન (ત્રીજો સુધારો) વિનિયમ, 2026'ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. TRAIના આ નવા અને સુધારેલા નિયમો આવનારી 1 જાન્યુઆરી 2027થી સમગ્ર દેશમાં અમલી બનશે.

શું છે આ ઇન્ટરનેક્શન સિસ્ટમ અને કેમ હતી સુધારાની જરૂર?

ટેલિકોમ ભાષામાં 'ઇન્ટરનેક્શન' (Interconnection) એટલે એવી ટેકનિકલ અને કમર્શિયલ વ્યવસ્થા, જેના દ્વારા બે કે તેથી વધુ અલગ-અલગ કંપનીઓના નેટવર્ક આપસમાં જોડાય છે. આ જ સિસ્ટમને કારણે જીઓ (Jio), એરટેલ (Airtel), વોડાફોન-આઈડિયા (Vi) કે BSNL જેવી અલગ-અલગ કંપનીઓના ગ્રાહકો એકબીજા સાથે વિના અડચણે વાતચીત કરી શકે છે અને ડેટાની આપ-લે શક્ય બને છે.

TRAIનો મુખ્ય હેતુ દેશના જૂના ઇન્ટરનેક્શન માળખાને આધુનિક 5G અને આગામી ટેકનોલોજીના યુગ માટે સુસંગત અને મજબૂત બનાવવાનો છે.

TRAIના નવા નિયમોની 5 મુખ્ય બાબતો અને મોટા ફેરફારો

1. LSA સ્તર પર શિફ્ટ થશે ટ્રાફિક

અત્યાર સુધી કોલિંગ અને ડેટાનો ટ્રાફિક 'લોંગ ડિસ્ટન્સ ચાર્જિંગ એરિયા' (LDCA) અને 'શોર્ટ ડિસ્ટન્સ ચાર્જિંગ એરિયા' (SDCA) સ્તરના પોઈન્ટ્સ ઓફ ઈન્ટરનેક્શન (POI) પરથી પસાર થતો હતો. હવે તેને બદલીને 'લાયસન્સ પ્રાપ્ત સેવા ક્ષેત્ર' (LSA) સ્તરના POI પર શિફ્ટ કરવામાં આવશે.

ફાયદો: આ ફેરફારથી રૂટિંગ પ્રક્રિયા સરળ બનશે, નેટવર્ક પરનો બોજ ઘટશે, કોલ કનેક્ટ થવામાં લાગતો સમય (લેટન્સી) ઘટશે અને નેટવર્કની ગુણવત્તામાં સુધારો થશે. આ તમામ જૂના ટ્રાફિકને તબક્કાવાર આગામી 3 વર્ષમાં LSA સ્તરે શિફ્ટ કરાશે.

2. જૂની સિસ્ટમ બંધ: સંપૂર્ણ IP આધારિત નેટવર્ક

TRAIના નવા નિયમ મુજબ ભવિષ્યમાં સ્થાપિત થનારા તમામ નવા ઇન્ટરનેક્શન સંપૂર્ણપણે 'ઈન્ટરનેટ પ્રોટોકોલ' (IP) આધારિત રહેશે. જે જૂના POI હાલમાં E1/TDM ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે, તેમને પણ આગામી 3 વર્ષમાં તબક્કાવાર IP આધારિત સિસ્ટમમાં બદલી નાખવામાં આવશે.

ફાયદો: IP આધારિત સિસ્ટમથી બેન્ડવિડ્થનો ઉપયોગ વધુ કાર્યક્ષમ બનશે, જેથી કોલની ક્વોલિટી શરૂઆતથી અંત સુધી અત્યંત ક્રિસ્ટલ ક્લિયર મળશે.

3. POI સરરેન્ડર કરવાનો સરળ અને નવો ફ્રેમવર્ક

નિયમોમાં પ્રથમ વખત ટેલિકોમ ઓપરેટરો માટે સ્વેચ્છાએ POI સરેન્ડર કરવા માટે સ્પષ્ટ કાનૂની માળખું તૈયાર કરાયું છે. અગાઉ માત્ર વિવાદ કે ટ્રાફિક બંધ થવા પર 'ડિસ્કનેક્ટ' કરવાની જ જોગવાઈ હતી. હવે ટ્રાફિક ઘટવા કે રૂટ બદલાવાના કિસ્સામાં કંપનીઓ સરળતાથી કાનૂની અને નાણાકીય રીતે POI સરેન્ડર કરી શકશે.

4. વ્યાજ દર અને બેંક ગેરંટીના કડક નિયમો

જો કોઈ ટેલિકોમ ઓપરેટર ઇન્ટરનેક્શન યુઝર ચાર્જ (IUC)ની ચુકવણીમાં વિલંબ કરે છે, તો તેના પર લાગતો વ્યાજ દર હવે SBIના 1 વર્ષના MCLR કરતાં 2 ટકાથી વધુ નહી હોઈ શકે. આ ઉપરાંત, બેંક ગેરંટીના પુનઃમૂલ્યાંકનની સમયમર્યાદા 6 મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવી છે.

5. નિયમભંગ બદલ ભારે દંડ

નિયમોનું કડક પાલન થાય તે માટે TRAI એ રિપોર્ટિંગ સિસ્ટમ મજબૂત કરી છે અને ભૂલ કે નિયમભંગની ગંભીરતાના આધારે તબક્કાવાર નાણાકીય દંડ (Financial Penalty)ની પણ કડક જોગવાઈ કરી છે.

સામાન્ય મોબાઈલ યુઝર્સને શું થશે ફાયદો?

કોલ ડ્રોપથી રાહત: નેટવર્ક કનેક્ટિવિટી ઝડપી અને સુગમ બનવાથી કોલ અચાનક કટ થઈ જવાની (Call Drop) સમસ્યામાં મોટો ઘટાડો થશે.

ક્લિયર વોઈસ ક્વોલિટી: IP આધારિત ટેકનોલોજીના કારણે વાતચીત દરમિયાન અવાજ કપાવાની કે બેકગ્રાઉન્ડ નોઈઝની સમસ્યા દૂર થશે.

સુપરફાસ્ટ ઈન્ટરનેટ: નેટવર્ક લેટન્સી ઓછી થવાથી ડાઉનલોડિંગ, બ્રાઉઝિંગ અને વિડિયો સ્ટ્રીમિંગ વધુ ફાસ્ટ બનશે.