એન્ટીલિયામાં શેફ કેવી રીતે બનવું? જાણો મુકેશ અંબાણીના રસોઈયાની પસંદગી પ્રક્રિયા, લાયકાત અને પગાર

મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયામાં શેફ કેવી રીતે બનાય? જાણો લાયકાત, લેખિત પરીક્ષા, બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, મિનિટોમાં રસોઈ બનાવવાની કળા અને ₹2 લાખ સુધીના પગારની વિગત.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 23 Oct 2026 07:12 PM (IST)Updated: Fri, 23 Oct 2026 07:12 PM (IST)
mukesh-ambanis-antilia-chef-salary-selection-process-perks

Ambani Antilia House Chef Salary & Selection Process: એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પોતાની ભવ્ય જીવનશૈલી માટે હંમેશા ચર્ચામાં રહે છે. મુંબઈ સ્થિત તેમનું આલીશાન ઘર 'એન્ટીલિયા' માત્ર તેની સ્થાપત્ય કળા માટે જ નહીં, પણ ત્યાં કામ કરતા સ્ટાફની સુવિધાઓ માટે પણ જાણીતું છે. અંબાણી પરિવારના ઘરના રસોડામાં શેફ તરીકે નોકરી મેળવવી એ કોઈ મોટી મલ્ટિનેશનલ કંપનીમાં ટોચના હોદ્દા પર પસંદગી પામવા સમાન છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એન્ટીલિયામાં કામ કરતા શેફને દર મહિને આશરે ₹2 લાખ સુધીનો પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત હેલ્થ ઈન્સ્યોરન્સ અને બાળકોના અભ્યાસ માટેના ભથ્થાં જેવા કોર્પોરેટ લેવલના લાભો પણ મળે છે. જોકે, આ શાહી રસોડા સુધી પહોંચવા માટે ઉમેદવારે આકરા પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે.

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

અહીં માત્ર સારું ભોજન બનાવતા આવડવું પૂરતું નથી. શેફની પોસ્ટ માટે હોટેલ મેનેજમેન્ટ અથવા કલિનરી આર્ટ્સમાં ડિગ્રી કે ડિપ્લોમા હોવો ફરજિયાત છે. આ ઉપરાંત કોઈ ફાઈવ-સ્ટાર હોટેલ કે લક્ઝરી હોસ્પિટાલિટી સેક્ટરમાં કામ કરવાનો બહોળો અનુભવ જરૂરી ગણાય છે.

કોર્પોરેટ સ્ટાઈલ લેખિત પરીક્ષા

અરજી કર્યા બાદ ઉમેદવારે કઠિન લેખિત પરીક્ષા આપવી પડે છે. આ ટેસ્ટમાં ઉમેદવારની તણાવપૂર્ણ પરિસ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા, ઝડપથી કામ કરવાની કુશળતા અને કાર્ય પ્રત્યેની પ્રામાણિકતા ચકાસવામાં આવે છે.

પ્રેક્ટિકલ કુકિંગ અને સ્વાદની પરીક્ષા

લેખિત ટેસ્ટમાં પાસ થનાર ઉમેદવારોને પ્રેક્ટિકલ કુકિંગ માટે બોલાવવામાં આવે છે. અંબાણી પરિવાર સંપૂર્ણ શાકાહારી હોવાથી ઉમેદવારની પરંપરાગત ગુજરાતી વાનગીઓ, દાળ-રોટલી, સલાડ તેમજ થાઈ અને કોન્ટીનેન્ટલ શાકાહારી વાનગીઓ પર મજબૂત પકડ હોવી જરૂરી છે. અહીં સ્વચ્છતા અને વાનગીની ગુણવત્તાના ધોરણો ફાઈવ-સ્ટાર હોટેલ કરતાં પણ વધુ કડક હોય છે.

ચુસ્ત બેકગ્રાઉન્ડ અને પોલિસ વેરિફિકેશન

એન્ટીલિયાની સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક હોવાથી આખરી પસંદગી પહેલા ઉમેદવારનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે. થર્ડ-પાર્ટી સ્પેશિયલિસ્ટ એજન્સીઓ દ્વારા ઉમેદવારના રહેઠાણ, અગાઉના રેકોર્ડ અને ઓળખપત્રોની ઊંડાણપૂર્વક તપાસ થાય છે. આ સાથે પોલિસ વેરિફિકેશન અને ગોપનીયતા જાળવવા માટે 'Confidentiality Clause' સાઈન કરાવવામાં આવે છે.

ભરતી પ્રક્રિયા કેવી રીતે થાય છે?

એન્ટીલિયા માટે કોઈ જાહેર જાહેરાત બહાર પાડવામાં આવતી નથી. આ જગ્યાઓ માટે મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આંતરિક કેરિયર્સ વિભાગ, વિશિષ્ટ લક્ઝરી રિક્રુટમેન્ટ એજન્સીઓ અથવા હાઈ-પ્રોફાઈલ પ્રોફેશનલ્સના રેફરલ્સ દ્વારા જ પસંદગી કરવામાં આવે છે.