Mobile Recharge Price Hike: જો તમે તમારા ઘર કે પરિવારના મોબાઈલ રીચાર્જ માટે દર મહિને એક નિશ્ચિત બજેટ ફાળવતા હોવ, તો આગામી દિવસોમાં તમારું માસિક ગણિત બગડી શકે છે. તાજેતરની એક રિસર્ચ રિપોર્ટ મુજબ, દેશમાં આગામી ચારથી પાંચ મહિનાની મોબાઈલ ટેરિફ પ્લાનની કિંમતોમાં 12 થી 15 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે. ટેલિકોમ માર્કેટમાં બદલાતી સ્થિતિ અને કંપનીઓની રણનીતિને કારણે સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ એક વખત બોજ વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ટેરિફ પ્લાન મોંઘા થવા પાછળનું મુખ્ય કારણ શું?
સેન્ટ્રમ ઇન્સ્ટીટ્યુશનલ રિસર્ચ (Centrum Institutional Research) દ્વારા જારી કરવામાં આવેલી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં હવે ખાનગી કંપનીઓની સંખ્યા ઘટીને સીમિત થવાથી માર્કેટમાં પ્રાઈસિંગ માટેનું વાતાવરણ વધુ અનુકૂળ બન્યું છે. આ ઉપરાંત ગ્રાહકોનું 2G કે સામાન્ય નેટવર્કમાંથી સ્પીડી 4G અને 5G નેટવર્ક તરફ સતત સ્થાનાંતરણ થઈ રહ્યું છે, તેમજ પોસ્ટપેડ ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ તમામ બાબતો ટેલિકોમ કંપનીઓના 'એવરેજ રેવન્યુ પર યુઝર' (ARPU - પ્રતિ ગ્રાહક સરેરાશ આવક)ને સુધારવામાં મદદ કરે છે, જેના કારણે કંપનીઓ આગામી સમયમાં ટેરિફ હાઇક તરફ આગળ વધી શકે છે.
કંપનીઓની કમાણી અને નવા ગ્રાહકોનું ચિત્ર
એક તરફ જ્યાં રીચાર્જ મોંઘા થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે, તો બીજી તરફ અગ્રણી ટેલિકોમ કંપનીઓ (જેવી કે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા)ના ગ્રાહક આધારમાં પણ સતત વધારો થઈ રહ્યો છે-
- રિલાયન્સ Jio: દેશભરમાં પોતાના 5G નેટવર્કનો વ્યાપ વધારી રહેલી આ કંપની આગામી ત્રિમાસિક ગાળામાં લાખો નવા ગ્રાહકો પોતાના નેટવર્ક સાથે જોડી શકે છે.
- ભારતી એરટેલ: કંપની પણ મોટાભાગના જિલ્લાઓમાં પોતાની હાઈ-સ્પીડ સેવાઓ પહોંચાડીને પોતાના ગ્રાહકો અને પ્રતિ ગ્રાહક આવક મજબૂત કરી રહી છે.
- વોડાફોન આઈડિયા (Vi): આ કંપની પણ સિલેક્ટેડ શહેરોમાં પોતાનું 5G અને 4G કવરેજ વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ગ્રાહકો માટે શું છે વિકલ્પ?
જોકે આ વધારો હાલ પૂરતો એક રિસર્ચ અંદાજ અને સંભવિત રિપોર્ટ પર આધારિત છે અને ટેલિકોમ કંપનીઓ દ્વારા સત્તાવાર રીતે કોઈ અંતિમ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ અગાઉના વલણો જોતાં નિષ્ણાતો માને છે કે કંપનીઓ કોઈપણ પૂર્વ ચેતવણી વગર અથવા સાયલન્ટ પ્રાઈસ હાઇક (જેમ કે સસ્તા પ્લાન બંધ કરીને કે સીધા ભાવ વધારીને) દ્વારા ગ્રાહકોને ઝટકો આપી શકે છે.
આવા સંજોગોમાં મધ્યમવર્ગીય અને સામાન્ય મોબાઈલ યૂઝર્સ માટે સલાહ એ રહે છે કે જો તમારું બજેટ પરવાનગી આપતું હોય, તો લાંબા ગાળાના અથવા વાર્ષિક (365 દિવસની વૈલિડિટીવાળા) પ્લાન અગાઉથી જ પસંદ કરી લેવા યોગ્ય છે, જેથી આગામી મહિનાઓમાં સંભવિત ભાવવધારાની સીધી અસરથી થોડા સમય માટે રાહત મળી શકે.
