AC Gas Leakage Identification Tips: ઘણી વખત ACની સર્વિસ કરાવતી વખતે મિકેનિક કહે છે કે 'એસીમાં ગેસ ખતમ થઈ ગયો છે', અને જાણકારીના અભાવે લોકો તેની વાત માનીને હજારો રૂપિયા ખર્ચી નાખે છે. સામાન્ય રીતે ACમાં ગેસ ત્યારે જ ઓછો થાય છે જ્યારે પાઇપમાં ક્યાંક લીકેજ હોય. જો લીકેજ રિપેર કર્યા વગર માત્ર ગેસ ભરાવવામાં આવે, તો થોડા જ દિવસોમાં ગેસ ફરીથી ઉડી જાય છે અને તમારા પૈસા વ્યર્થ જાય છે. તેથી, મિકેનિકની વાત પર આંધળો વિશ્વાસ કરવાને બદલે કેટલીક સરળ રીતોથી તમે જાતે જ ઘરે બેઠા ચકાસી શકો છો કે ACમાં ખરેખર ગેસ ઓછો છે કે નહીં.
ગેસ ઓછો છે કે નહીં તે ચેક કરવાની 5 સરળ રીતો
કૂલિંગ ઓછી થવી: એસીમાં ગેસ ઓછો થાય એટલે સૌથી પહેલી અસર તેની કૂલિંગ પર પડે છે. જો એસી ચાલુ કર્યા પછી પણ રૂમ પહેલા જેવો ઝડપથી કે સારો ઠંડો ન થતો હોય, તો ગેસ ઓછો હોઈ શકે છે. જો ઠંડી હવા બરાબર આવતી હોય, તો સમજવું કે ગેસ પૂરતો છે.
ઇન્ડોર યુનિટની કોઇલ પર બરફ જામવો: જો એસી થોડો સમય ચાલ્યા પછી ઇન્ડોર યુનિટની કોઇલ પર બરફ જામવા લાગે, તો તે ગેસ ઓછો હોવાનો મોટો સંકેત છે. ગેસ ઘટવાને કારણે કોઇલ જરૂર કરતાં વધુ ઠંડી થઈ જાય છે અને હવાનો ભેજ બરફ બની જાય છે.
આઉટડોર યુનિટના પાઇપ ચેક કરવા: એસી ચાલુ હોય ત્યારે બહારના યુનિટના તાંબાના પાઇપ જુઓ. સામાન્ય રીતે બંને પાઇપ ઠંડા હોય છે અને તેના પર પાણીના ટીપાં બાઝેલા હોય છે (ખાસ કરીને જાડો પાઇપ વધુ ઠંડો હોય છે). પરંતુ જો પાઇપ ઠંડા ન લાગે અથવા પાતળા પાઇપ પર બરફ જામવા લાગે, તો ગેસ ઓછો છે.
આઉટડોર યુનિટમાંથી ગરમ હવા ન આવવી: એસીને 10 મિનિટ ચાલુ રાખ્યા પછી આઉટડોર યુનિટના પંખા પાસે હાથ રાખો. જો ગેસ પૂરો હશે તો પંખો ગરમ હવા ફેંકશે. જો બહાર આવતી હવા સામાન્ય કે ઠંડી લાગે, તો ગેસ લીક હોઈ શકે છે.
સાબુના ફીણથી 'બબલ ટેસ્ટ': ગેસ લીકેજ શોધવા માટે પાઇપના જોડાણ પર સાબુનું ફીણ કે દ્રાવણ લગાવો. જો ત્યાંથી પરપોટા નીકળવા લાગે, તો સમજવું કે ત્યાં લીકેજ છે. પરપોટા ન બને તો ગેસ સુરક્ષિત છે.
આ સરળ પદ્ધતિઓ અપનાવીને તમે મિકેનિકની છેતરપિંડીથી બચી શકો છો અને તમારા પૈસાની બચત કરી શકો છો.
