1 નવેમ્બરથી બદલાશે મોબાઈલ યુઝર્સના નિયમો, અજાણ્યા નંબરથી ફોન આવશે તો પણ સ્ક્રીન પર દેખાશે સાચું નામ, જાણો વિગતવાર

મોબાઈલ યૂઝર્સ માટે મોટા સમાચાર! હવે અજાણ્યા કે અનસેવ્ડ નંબરથી ફોન આવવા છતાં સ્ક્રીન પર સિમ કાર્ડ ધારકનું અસલ નામ દેખાશે. સાયબર ફ્રોડ રોકવા માટે 1 નવેમ્બરથી લાગુ થઈ રહી છે ખાસ CNAP સર્વિસ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 30 Oct 2026 05:24 PM (IST)Updated: Fri, 30 Oct 2026 05:24 PM (IST)
cnap-service-india-caller-name-display-from-november-1st

CNAP service in India: જો તમારા ફોન પર પણ વારંવાર અજાણ્યા નંબરોથી ફોન આવે છે અને સામે વાળી વ્યક્તિ કઈ છે તે જાણવા માટે તમારે પરેશાન થવું પડે છે, તો તમારા માટે રાહતના સમાચાર છે. આગામી 1 નવેમ્બરથી ટેલિકોમ ક્ષેત્રે એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે, જે તમારી આ મુશ્કેલી હંમેશા માટે દૂર કરી દેશે.

ટેલિકોમ રેગ્યુલેટર અને સરકારની સખ્તી બાદ હવે મોબાઈલ સ્ક્રીન પર માત્ર નંબર નહીં, પરંતુ કોલ કરનાર વ્યક્તિનું અસલ નામ પણ ચમકશે. આવો જાણીએ આ નવી સિસ્ટમ કઈ રીતે કામ કરશે અને તેનાથી યુઝર્સને શું ફાયદો થશે.

શું છે આ નવો નિયમ અને CNAP સર્વિસ?

ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા દેશભરના તમામ ટેલિકોમ ઓપરેટર્સને CNAP (Caller Name Presentation) સર્વિસ શરૂ કરવાના સત્તાવાર નિર્દેશો આપવામાં આવ્યા છે. આ એક પ્રકારની અધિકૃત અને વેરિફાઇડ કોલર સિસ્ટમ છે.

હાલની સ્થિતિમાં જ્યારે પણ કોઈ એવો નંબર ફોન પર આવે જે આપણી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ ન હોય, ત્યારે સ્ક્રીન પર ફક્ત 10 અંકનો મોબાઈલ નંબર જ દેખાય છે. પરંતુ 1 નવેમ્બરથી આ પદ્ધતિ બદલાઈ જશે. નંબર સેવ ન હોય તો પણ, જે વ્યક્તિના નામે તે સિમ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યું હશે તેનું અસલ નામ સીધું મોબાઈલની સ્ક્રીન પર ઉપસી આવશે.

આ નવી સર્વિસની મુખ્ય ખાસિયતો

ટ્રૂકોલર જેવી એપ્સ પરથી નિર્ભરતા ઘટશે: અત્યાર સુધી આપણે અજાણ્યા નંબરની ઓળખ માટે થર્ડ-પાર્ટી એપ્સ (જેવા કે Truecaller) પર નિર્ભર રહેવું પડતું હતું, જેમાં ઘણીવાર ડેટા પ્રાઈવસી કે ખોટા નામ બતાવવાની સમસ્યા રહેતી હતી. હવે આ સરકારી વ્યવસ્થા સીધી ટેલિકોમ કંપનીઓના ડેટાબેઝ સાથે જોડાયેલી હશે.

ઇન્ટરનેશનલ કોલ્સની પણ ઓળખ: આ ખાસ સિસ્ટમમાં વિદેશથી આવતા કોલ્સને પણ ઓળખવાની સચોટ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરે થતી શંકાસ્પદ ગતિવિધિઓ પર પણ નજર રાખી શકાય.

કોના માટે ઉપલબ્ધ હશે આ સુવિધા? શરૂઆતના તબક્કામાં આ સુવિધા એવા યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે જેઓ 4G અથવા તેનાથી અપગ્રેડેડ નેટવર્ક (જેમ કે 5G) નો ઉપયોગ કરી રહ્યા છે. જૂના 2G કે 3G નેટવર્ક યુઝર્સ માટે આ સુવિધા ક્યારે આવશે તે અંગે કંપનીઓ આગામી સમયમાં સ્પષ્ટતા કરશે.

સાયબર ફ્રોડ અને ફેક કોલ્સ પર આવશે લગામ

આજના ડિજિટલ યુગમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ગઠિયાઓ અજાણ્યા નંબરો પરથી ફોન કરીને પોતાને બેંક અધિકારી, પોલીસ કે કોઈ સરકારી કર્મચારી તરીકે ઓળખાવે છે અને સામાન્ય નાગરિકોને પોતાની જાળમાં ફસાવીને ખાતા ખાલી કરી નાખે છે.

સરકારની આ નવી CNAP સર્વિસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવા જ નકલી અને ફ્રોડ કોલ્સ પર અંકુશ મેળવવાનો છે. જ્યારે કોલ કરનારનું અસલ નામ સામે આવી જશે, ત્યારે છેતરપિંડી કરતા શખ્સો સરળતાથી પકડાઈ જશે.

એક ખાસ સાવચેતી

ટેલિકોમ વિભાગ ભલે કોલ કરનારનું સાચું નામ દર્શાવવા માટે આ કડક પગલાં ભરી રહ્યું છે, છતાં સુરક્ષાની દૃષ્ટિએ યુઝર્સે હંમેશા સાવચેત રહેવું જરૂરી છે. માત્ર નામ દેખાવાથી જ દરેક કોલ અસલી છે તેની સંપૂર્ણ ખાતરી થઈ જતી નથી, તેથી ફોન પર ક્યારેય પણ તમારી અંગત વિગતો, ઓટીપી (OTP) કે બેંક પાસવર્ડ શેર ન કરવા.