Wheat Flour Dry Kachori Recipe: ચા સાથે કંઈક ક્રિસ્પી અને મસાલેદાર ખાવાનું મન થાય ત્યારે સુકી કચોરી એકદમ પરફેક્ટ વિકલ્પ છે. સામાન્ય રીતે બજારમાં મળતી કચોરી જેવી જ સ્વાદિષ્ટ અને કરકરી કચોરી તમે ઘરે પણ બનાવી શકો છો. ખાસ વાત એ છે કે આ માટે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ ઉપયોગમાં લેવાશે. યોગ્ય રીતે લોટ બાંધશો અને ધીમા તાપે કચોરી તળશો તો તે બહારથી એકદમ ક્રિસ્પી બનશે.
ઘઉંના લોટની સુકી કચોરી બનાવવા માટેની સામગ્રી
કચોરીના લોટ માટે
- ઘઉંનો લોટ – 2 કપ
- મોણ માટે તેલ – 4 ટેબલસ્પૂન
- મીઠું – સ્વાદ મુજબ
- પાણી – જરૂર મુજબ
સ્ટફિંગ માટે
- શેકેલા ધાણા – 2 ટેબલસ્પૂન
- જીરું – 1 ટીસ્પૂન
- વરિયાળી – 1 ટીસ્પૂન
- તલ – 1 ટેબલસ્પૂન
- સૂકું નાળિયેર – 2 ટેબલસ્પૂન
- લાલ મરચું પાઉડર – 1 ટીસ્પૂન
- ધાણા-જીરું પાઉડર – 1 ટીસ્પૂન
- હળદર – ¼ ટીસ્પૂન
- ગરમ મસાલો – ½ ટીસ્પૂન
- આમચૂર પાઉડર – ½ ટીસ્પૂન
- ખાંડ – ½ ટીસ્પૂન
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – તળવા માટે
સુકી કચોરી બનાવવાની રીત
સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં મીઠું અને મોણ માટે તેલ ઉમેરો. હાથથી લોટને સારી રીતે મિક્સ કરો જેથી તેલ લોટમાં સરખું ભળી જાય. હવે થોડું-થોડું પાણી ઉમેરીને થોડો કઠણ લોટ બાંધી લો. લોટને ઢાંકીને 15થી 20 મિનિટ માટે રહેવા દો.
હવે કચોરીનું સ્ટફિંગ તૈયાર કરો. શેકેલા ધાણા, જીરું, વરિયાળી, તલ અને સૂકું નાળિયેર થોડું ક્રશ કરી લો. તેમાં લાલ મરચું, ધાણા-જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, આમચૂર, ખાંડ અને મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે તૈયાર લોટના સરખા લૂઆ બનાવી લો. દરેક લૂઆને હાથથી થોડું ચપટું કરીને વચ્ચે તૈયાર કરેલું મસાલાનું સ્ટફિંગ ભરો અને કિનારીઓ બંધ કરી દો. ત્યારબાદ તેને હળવા હાથે વણીને કચોરીનો આકાર આપો. કચોરી બહુ પાતળી ન વણવી, નહીં તો તળતી વખતે ફાટી શકે છે.
કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ખૂબ ગરમ ન હોવું જોઈએ. કચોરીને મધ્યમથી ધીમા તાપે ધીમે-ધીમે તળો, જેથી તે અંદરથી પણ સારી રીતે ક્રિસ્પી થાય. કચોરીનો રંગ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને બહાર કાઢી લો. આ રીતે બધી કચોરી તૈયાર કરી લો.
ગરમાગરમ સુકી કચોરીને ચા સાથે સર્વ કરી શકાય છે. સંપૂર્ણપણે ઠંડી થયા બાદ તેને એરટાઇટ ડબ્બામાં રાખશો તો તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે.
ટિપ્સ
કચોરીને ક્રિસ્પી બનાવવા માટે લોટમાં મોણ યોગ્ય માત્રામાં નાખવું ખૂબ જરૂરી છે. કચોરી હંમેશાં ધીમા તાપે તળવી, કારણ કે વધારે ગરમ તેલમાં બહારથી કચોરી ઝડપથી બ્રાઉન થઈ જશે પરંતુ અંદરથી કાચી રહી શકે છે.
