Surti Ghari Recipe: સુરતની વાત આવે એટલે સુરતી ઘારીનું નામ સૌથી પહેલાં યાદ આવે છે. ખાસ કરીને ચંદની પડવા અને તહેવારોમાં સુરતી ઘારી ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. બહારથી ઘીનો સરસ સ્વાદ અને અંદરથી માવાની મીઠી ભરાવણ ધરાવતી ઘારી દરેકને પસંદ આવે છે. જો તમે પણ ઘરે કંદોઈ જેવી સ્વાદિષ્ટ અને પરફેક્ટ સુરતી ઘારી બનાવવા માંગો છો, તો આ રેસિપી તમારા માટે છે. અહીં જાણીશું સુરતી ઘારી બનાવવાની સરળ રીત અને તેને સ્વાદિષ્ટ બનાવવા માટેની ખાસ ટિપ્સ.
સુરતી ઘારી બનાવવા માટેની સામગ્રી
ઘારીના બહારના પડ માટે
- મેંદો – 1 કપ
- ઘી – 3 ચમચી
- દૂધ – જરૂર મુજબ
- મીઠું – એક ચપટી
ઘારીના માવાના મિશ્રણ માટે
- માવો – 250 ગ્રામ
- પીસેલી ખાંડ – 150 ગ્રામ
- ઘી – 3થી 4 ચમચી
- બદામની કતરણ – 2 ચમચી
- પિસ્તાની કતરણ – 2 ચમચી
- એલચી પાઉડર – ½ ચમચી
- જાયફળ પાઉડર – એક ચપટી
ઘારી પર લગાવવા માટે
- ઘી – જરૂર મુજબ
- બદામ અને પિસ્તાની કતરણ – સજાવટ માટે
સુરતી ઘારી બનાવવાની રીત
સૌથી પહેલાં એક વાસણમાં મેંદો, ઘી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરો. હવે તેમાં થોડું-થોડું દૂધ ઉમેરીને નરમ લોટ બાંધો. લોટ વધારે ઢીલો ન રાખવો. તેને ઢાંકીને 15થી 20 મિનિટ માટે બાજુ પર રાખો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં માવો ઉમેરો. ધીમા તાપે માવાને હલાવતા રહો, જેથી તે બળી ન જાય. માવો થોડો શેકાઈને સુગંધ આપવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને તેને ઠંડો થવા દો.
માવો ઠંડો થયા પછી તેમાં પીસેલી ખાંડ, બદામ-પિસ્તાની કતરણ, એલચી પાઉડર અને જાયફળ પાઉડર ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. ઘારીનું અંદરનું મિશ્રણ તૈયાર છે.
હવે બાંધેલા લોટમાંથી નાની લૂઈ લો અને તેને પૂરી જેવી વણી લો. તેની વચ્ચે તૈયાર કરેલું માવાનું મિશ્રણ મૂકો. લોટની કિનારીઓને ભેગી કરીને માવાને અંદરથી બરાબર બંધ કરી દો. હવે તેને હળવા હાથે ગોળ આકાર આપો. ઘારીને વધારે દબાવવી નહીં, જેથી અંદરનું મિશ્રણ બહાર ન નીકળે.
એક કડાઈમાં ઘી ગરમ કરો. ઘારીને ધીમા તાપે તળો. તેને વારંવાર ફેરવતા રહો, જેથી બહારનું પડ સરખું શેકાય અને ઘારી અંદરથી પણ સારી રીતે તૈયાર થાય. ઘારીનો રંગ હળવો સોનેરી થાય ત્યારે તેને બહાર કાઢી લો. ઘારી થોડી ઠંડી થાય પછી તેના ઉપર ઘી લગાવો અને બદામ-પિસ્તાની કતરણથી સજાવો. તૈયાર છે સુરતની ફેમસ ઘારી. તેને ઠંડી થયા પછી પીરસો.
સુરતી ઘારી બનાવવાની ખાસ ટિપ્સ
- ઘારીનો લોટ નરમ રાખવો, પરંતુ વધારે ઢીલો ન બાંધવો.
- માવો શેકતી વખતે ગેસ ધીમો રાખવો, જેથી તે બળી ન જાય.
- માવામાં ખાંડ ઉમેરતા પહેલાં તેને ઠંડો થવા દેવો.
- ઘારીને ધીમા તાપે તળવી, જેથી બહારથી જલદી રંગ ન પકડે.
- ઘારીનું મિશ્રણ લોટમાં બરાબર બંધ કરવું, જેથી તળતી વખતે બહાર ન નીકળે.
- ઘારીને સંપૂર્ણ ઠંડી થયા પછી જ એરટાઇટ ડબ્બામાં રાખવી.
