Gujarati Wheat Flour Masala Puri Recipe: શીતળા સાતમના દિવસે ઘરે ચૂલો ન સળગાવીને એક દિવસ પહેલાં જ વિવિધ વાનગીઓ બનાવી રાખવાની પરંપરા છે. આ દિવસે ખાવા માટે એવી વાનગીઓ બનાવવામાં આવે છે જે બીજા દિવસે પણ સ્વાદિષ્ટ લાગે. જો તમે આ વખતે સાતમ માટે કંઈક ટેસ્ટી અને લાંબા સમય સુધી ખાઈ શકાય એવું બનાવવા માંગતા હો, તો ઘઉંના લોટની મસાલા પુરી એકદમ સરસ વિકલ્પ છે. મસાલેદાર સ્વાદ અને ક્રિસ્પી ટેક્સચરવાળી આ પુરી સાતમના ભોજનમાં ચોક્કસ ગમશે.
ઘઉંના લોટની મસાલા પુરી માટે સામગ્રી
- ઘઉંનો લોટ – 2 કપ
- બેસન – 2 ટેબલસ્પૂન
- લાલ મરચું પાઉડર – 1 ચમચી
- હળદર – ½ ચમચી
- ધાણા-જીરું પાઉડર – 1 ચમચી
- ગરમ મસાલો – ½ ચમચી
- અજમો – ½ ચમચી
- તલ – 1 ચમચી
- કસૂરી મેથી – 1 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – 2 ટેબલસ્પૂન
- પાણી – જરૂર મુજબ
- તળવા માટે તેલ – જરૂર મુજબ
મસાલા પુરી બનાવવાની રીત
સૌપ્રથમ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ અને બેસન લો. તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલો, અજમો, તલ, કસૂરી મેથી અને મીઠું ઉમેરો. હવે તેમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીને બધું બરાબર મિક્સ કરી લો.
ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરીને થોડો કડક લોટ બાંધી લો. લોટ નરમ ન રાખવો, જેથી પુરી તળ્યા પછી સરસ ક્રિસ્પી બને. લોટને ઢાંકીને 10થી 15 મિનિટ માટે આરામ કરવા દો.
હવે લોટના સરખા ભાગના નાના લૂઆ બનાવી લો. દરેક લૂઆને થોડું જાડું વણી લો. પુરી બહુ પાતળી ન વણવી, નહીં તો તળતી વખતે વધારે કડક થઈ શકે.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એક-એક પુરી નાખીને મધ્યમ તાપે બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલી મસાલા પુરીને ટિશ્યૂ પેપર પર કાઢી લો.
ગરમાગરમ ઘઉંના લોટની મસાલા પુરી ચા, દહીં, અથાણું અથવા બટાકાના શાક સાથે પીરસી શકાય છે. ઠંડી થયા બાદ એરટાઇટ ડબ્બામાં રાખશો તો તેને નાસ્તા કે પ્રવાસ દરમિયાન પણ લઈ જઈ શકાય છે.
