Kathiyawadi Guvar Nu Shaak: ઘરે બનાવો ટેસ્ટી કાઠિયાવાડી ગુવારનું શાક, લંચ કે ડિનર માટે પરફેક્ટ

બાફેલ ગુવારમાંથી કાઠિયાવાડી સ્ટાઇલનું સ્વાદિષ્ટ શાક બનાવવાની સરળ રીત જાણો. દહીં વગરનું આ મસાલેદાર ગુવારનું શાક રોટલા, રોટલી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 05 Oct 2026 11:42 AM (IST)Updated: Mon, 05 Oct 2026 11:42 AM (IST)
kathiyawadi-guvar-nu-shaak-recipe-easy-gujarati-style-recipe

Kathiyawadi Guvar Nu Shaak Recipe: ગુવારનું શાક જો મસાલેદાર કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવામાં આવે તો તેનો સ્વાદ એકદમ અલગ જ લાગે છે. આ રેસીપીમાં ગુવારને પહેલા બાફી લેવામાં આવે છે અને પછી તેને મસાલેદાર વઘારમાં સારી રીતે રાંધીને તૈયાર કરવામાં આવે છે. દહીં વગર બનતું આ ગુવારનું શાક બાજરીના રોટલા, ભાખરી કે રોટલી સાથે લંચ અને ડિનર માટે પરફેક્ટ છે.

કઠિયાવાડી ગુવારનું શાક બનાવવાની સામગ્રી

  • ગુવાર – 500 ગ્રામ
  • ડુંગળી – 1 ઝીણી સમારેલી
  • ટામેટું – 1 સમારેલું
  • આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
  • લીલા મરચાં – 2
  • તેલ – 2 થી 3 ચમચી
  • રાઈ – 1/2 ચમચી
  • જીરું – 1/2 ચમચી
  • હિંગ – 1 ચપટી
  • હળદર – 1/2 ચમચી
  • લાલ મરચું – 1 ચમચી
  • ધાણા-જીરું પાવડર – 1 ચમચી
  • ગરમ મસાલો – 1/2 ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • કોથમીર – જરૂર મુજબ

કાઠિયાવાડી ગુવારનું શાક બનાવવાની રીત

સૌપ્રથમ ગુવારને પાણીથી સારી રીતે ધોઈ લો. તેના બંને છેડા કાઢીને ગુવારને નાના ટુકડામાં સમારી લો. હવે એક વાસણમાં પાણી ગરમ કરી તેમાં થોડું મીઠું નાખો અને સમારેલી ગુવાર ઉમેરો. ગુવારને થોડા સમય માટે બાફી લો. તે નરમ થાય પરંતુ એકદમ ગળી ન જાય તેનું ધ્યાન રાખો. બફાઈ જાય પછી તેનું પાણી નિતારી ગુવારને એક બાજુ રાખી દો.

હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડે એટલે હિંગ અને લીલા મરચાં નાખી વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ડુંગળી આછા સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો.

હવે આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને તેની કાચી સુગંધ જાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ ટામેટું નાખીને નરમ થાય ત્યાં સુધી પકાવો. હવે હળદર, લાલ મરચું અને ધાણા-જીરું પાવડર નાખીને મસાલાને સારી રીતે મિક્સ કરો.

હવે બાફેલી ગુવાર કડાઈમાં ઉમેરો અને તેને મસાલા સાથે સારી રીતે ભેળવી દો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને મધ્યમ આંચ પર ગુવારને થોડા મિનિટ સુધી પકાવો, જેથી મસાલો ગુવારમાં સારી રીતે ભળી જાય.

છેલ્લે ગરમ મસાલો અને સમારેલી કોથમીર નાખીને એકવાર બરાબર મિક્સ કરો. 2 મિનિટ ઢાંકીને પકવ્યા બાદ ગેસ બંધ કરી દો. તૈયાર છે દહીં વગરનું સ્વાદિષ્ટ કાઠિયાવાડી ગુવારનું શાક.