Poha Dhokla Recipe: સવારના નાસ્તામાં દરરોજ શું બનાવવું તે વિચારવું પડતું હોય છે. ખાસ કરીને બાળકોના ટિફિન માટે કંઈક એવું બનાવવાની ઇચ્છા હોય છે, જે સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય. આવી સ્થિતિમાં પોહા ઢોકળા એક સારો વિકલ્પ બની શકે છે. પૌંઆ અને સોજીમાંથી તૈયાર થતા આ ઢોકળા ખાવામાં નરમ, સ્પોન્જી અને સ્વાદમાં એકદમ લાજવાબ લાગે છે. તેને બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર પડતી નથી અને ઓછા સમયમાં ઘરે જ તૈયાર કરી શકાય છે. તો ચાલો જાણીએ પોહા ઢોકળા બનાવવાની સરળ રેસીપી.
પોહા ઢોકળા બનાવવા માટેની સામગ્રી
- પૌંઆ – 1 કપ
- સોજી – ½ કપ
- દહીં – ½ કપ
- આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
- પાણી – જરૂર મુજબ
- મીઠું – સ્વાદ અનુસાર
- હળદર – ¼ ચમચી
- ઈનો – 1 નાની ચમચી
- લીલા ધાણા – ઝીણા સમારેલા
- તેલ – 1 ચમચી
વઘાર માટેની સામગ્રી
- તેલ – 1 ચમચી
- રાઈ – ½ ચમચી
- તલ – 1 ચમચી
- લીલાં મરચાં – 2
- લીમડાના પાન – 5થી 6
- પાણી – 2થી 3 ચમચી
- ખાંડ – ½ ચમચી
- લીંબુનો રસ – 1 ચમચી
પોહા ઢોકળા બનાવવાની રીત
સૌથી પહેલાં પૌંઆને એક વાસણમાં લઈ પાણીથી બરાબર ધોઈ લો. ત્યારબાદ તેને થોડીવાર માટે પલાળી રાખો, જેથી પૌંઆ નરમ થઈ જાય. હવે મિક્સર જારમાં પલાળેલા પૌંઆ અને દહીં ઉમેરીને તેની સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લો.
એક મોટા વાસણમાં આ પેસ્ટ કાઢો. તેમાં સોજી, આદુ-મરચાંની પેસ્ટ, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને થોડું પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને લગભગ 10થી 15 મિનિટ ઢાંકીને રાખો, જેથી સોજી સારી રીતે ફૂલી જાય. જો ખીરું વધારે ઘટ્ટ લાગે તો તેમાં જરૂર મુજબ થોડું પાણી ઉમેરી શકાય છે.
હવે ઢોકળાની થાળીમાં થોડું તેલ લગાવી તેને ગ્રીસ કરી લો. બીજી તરફ ઢોકળા બનાવવા માટે સ્ટીમર અથવા કૂકરમાં પાણી ગરમ કરવા મૂકો. ખીરામાં છેલ્લે ઈનો અને થોડું પાણી ઉમેરી હળવા હાથે મિક્સ કરો. ત્યારબાદ તરત જ ખીરું ગ્રીસ કરેલી થાળીમાં રેડી દો.
થાળીને સ્ટીમરમાં મૂકી મધ્યમ તાપે લગભગ 15થી 20 મિનિટ સુધી બાફો. ઢોકળા બરાબર ચડી ગયા છે કે નહીં તે તપાસવા માટે તેમાં ટૂથપિક નાખો. જો ટૂથપિક સાફ બહાર આવે તો સમજવું કે ઢોકળા તૈયાર છે. તેને થોડા ઠંડા થવા દો અને પછી ચોરસ ટુકડામાં કાપી લો.
હવે વઘાર માટે એક નાની કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, તલ, લીલાં મરચાં અને લીમડાના પાન ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં થોડું પાણી, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો. આ વઘાર તૈયાર કરેલા ઢોકળા પર સરખી રીતે રેડી દો. ઉપરથી લીલા ધાણા ભભરાવો. તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ પોહા ઢોકળા.
પોહા ઢોકળા બનાવતી વખતે ધ્યાનમાં રાખો આ ટિપ્સ
પોહા ઢોકળા સોફ્ટ અને સ્પોન્જી બનાવવા માટે પૌંઆને વધારે સમય પાણીમાં પલાળી ન રાખો. સોજી ઉમેર્યા પછી ખીરાને 10થી 15 મિનિટ આરામ આપો, જેથી સોજી સારી રીતે ફૂલી જાય. ઈનો હંમેશાં છેલ્લે ઉમેરવો અને ખીરું મિક્સ કર્યા પછી તરત જ સ્ટીમરમા બાફવા મૂકી દેવું. ઢોકળા બાફતી વખતે વારંવાર ઢાંકણું ખોલવાનું ટાળો, જેથી વરાળ બહાર ન નીકળી જાય અને ઢોકળા સરસ રીતે ફૂલી શકે. તૈયાર પોહા ઢોકળાને લીલી ચટણી કે મીઠી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.
