Navratri Bhog Recipe: નવરાત્રીમાં માતાજીને ધરાવો ઘી અને ગોળથી બનેલી સ્વાદિષ્ટ સુખડી, જાણો સરળ રેસિપી

Navratri Bhog Recipe Gujarati: નવરાત્રી દરમિયાન માતાજીને ભોગ ધરાવવા માટે ઘી, ગોળ અને ઘઉંના લોટથી બનેલી પરંપરાગત સુખડી બનાવો. જાણો તેની સરળ રેસિપી અને ખાસ ટીપ્સ.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Wed, 07 Oct 2026 03:58 PM (IST)Updated: Wed, 07 Oct 2026 03:58 PM (IST)
how-to-make-traditional-sukhdi-for-navratri-prasad-at-home

Sukhdi Recipe: નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતા દુર્ગાની આરાધના સાથે વિવિધ પ્રકારના પ્રસાદ અને ભોગ અર્પણ કરવામાં આવે છે. ગુજરાતમાં સુખડી એક એવી પરંપરાગત મીઠાઈ છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ શુભ માનવામાં આવે છે. ઘી, ગોળ અને ઘઉંના લોટથી બનતી સુખડી માતાજીને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. જો તમે પણ આ નવરાત્રીમાં ઘરે સરળ રીતે સુખડી બનાવવા માંગતા હોવ તો આ રેસિપી તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

સુખડી બનાવવાની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ દેશી ઘી
  • ¾ કપ ગોળ (છીણેલો)
  • 1 ચમચી એલચી પાવડર
  • બદામ અને પિસ્તાની કતરણ (સજાવટ માટે)

સુખડી બનાવવાની રીત

સૌપ્રથમ એક ભારે તળિયાવાળી કડાઈ લો અને તેમાં દેશી ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરો. હવે ધીમા તાપે સતત હલાવતા રહો. લોટને સારી રીતે શેકવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે સુખડીનો સ્વાદ અને સુગંધ તેના પર આધાર રાખે છે.

લોટ ધીમે ધીમે સોનેરી રંગનો થવા લાગશે અને તેમાંમાંથી સરસ સુગંધ આવવા લાગશે. સામાન્ય રીતે લોટને સારી રીતે શેકવામાં 10થી 12 મિનિટ જેટલો સમય લાગે છે. જ્યારે લોટ એકદમ તૈયાર થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો અને કડાઈને થોડું ઠંડું થવા દો.

હવે તેમાં છીણેલો ગોળ ઉમેરો અને ઝડપથી મિક્સ કરો. કડાઈ વધુ ગરમ હશે તો ગોળ બળી શકે છે, તેથી ગેસ બંધ કર્યા પછી જ ગોળ ઉમેરવો. ગોળ ઓગળી જાય પછી તેમાં એલચી પાવડર ઉમેરો અને ફરી એકવાર સારી રીતે મિક્સ કરો.

ત્યારબાદ તૈયાર મિશ્રણને ઘી લગાવેલી થાળી અથવા ટ્રેમાં કાઢી લો. ચમચી અથવા વાટકીની મદદથી તેને સરખી રીતે પાથરી દો. ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ છાંટી હળવેથી દબાવી દો જેથી તે સુખડીમાં ચોંટી જાય.

સુખડી થોડું ગરમ હોય ત્યારે જ મનપસંદ આકારમાં ચોરસ અથવા હીરાના ટુકડા કાપી લો. લગભગ 20થી 30 મિનિટમાં સુખડી સેટ થઈ જશે. ત્યારબાદ તેને માતાજીને ભોગ તરીકે ધરાવી શકાય છે.

ટીપ્સ

  • સુખડી બનાવતી વખતે હંમેશા ધીમા તાપે લોટ શેકવો.
  • વધુ સ્વાદ માટે થોડું જાયફળ પાવડર પણ ઉમેરી શકાય.
  • ગોળ ઉમેર્યા પછી મિશ્રણને વધુ સમય સુધી ગેસ પર ન રાખવું.
  • તાજા ઘીનો ઉપયોગ કરવાથી સુખડી વધુ સ્વાદિષ્ટ બને છે.

નવરાત્રી દરમિયાન માતાજીને ધરાવવામાં આવતી આ પરંપરાગત સુખડી ઘરમાં સૌને ખૂબ પસંદ આવશે. ઓછી સામગ્રી અને સરળ રીતથી બનતી આ મીઠાઈ પ્રસાદ માટે એક ઉત્તમ વિકલ્પ છે.