Chilli Potato Recipe: ચાઈનીઝ ફૂડ ખાવાનું મન થાય ત્યારે ચીલી પોટેટોનું નામ સૌથી પહેલાં યાદ આવે છે. બહાર રેસ્ટોરન્ટમાં મળતા ક્રિસ્પી બટાકા અને મસાલેદાર સોસનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. પરંતુ હવે આ સ્વાદ માણવા માટે બહાર જવાની જરૂર નથી. તમે ઘરે જ બટાકા, લસણ, સોસ અને થોડા મસાલાની મદદથી રેસ્ટોરન્ટ જેવા ચટપટા ચીલી પોટેટો બનાવી શકો છો. તો ચાલો જાણીએ બટાકાને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રાખવાની સાથે સ્વાદિષ્ટ ચીલી પોટેટો બનાવવાની રીત.
ચીલી પોટેટો બનાવવા માટેની સામગ્રી
બટાકા ક્રિસ્પી બનાવવા માટે
- બટાકા – 3 મધ્યમ કદના
- કોર્ન ફ્લોર – 3 ચમચી
- મેંદો – 1 ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- કાળા મરી પાઉડર – ¼ ચમચી
- તેલ – તળવા માટે
સોસ બનાવવા માટે
- તેલ – 1થી 2 ચમચી
- બારીક સમારેલું લસણ – 1 ચમચી
- સમારેલું આદુ – ½ ચમચી
- લીલાં મરચાં – 2
- સમારેલી ડુંગળી – 1 નાની
- કેપ્સિકમ – ½ કપ
- સોયા સોસ – 1 ચમચી
- રેડ ચીલી સોસ – 1 ચમચી
- ટોમેટો કેચઅપ – 2 ચમચી
- વિનેગર – ½ ચમચી
- ખાંડ – ½ ચમચી (વૈકલ્પિક)
- મીઠું અને કાળા મરી પાઉડર – સ્વાદ અનુસાર
- તલ અને લીલી ડુંગળી – સજાવટ માટે
ચીલી પોટેટો બનાવવાની રીત
સૌપ્રથમ બટાકાની છાલ ઉતારીને તેને લાંબી ફિંગર જેવી કટિંગમાં કાપી લો. હવે બટાકાને પાણીથી ધોઈને 5થી 7 મિનિટ ગરમ પાણીમાં થોડા બાફી લો, જેથી તે સહેજ નરમ થાય પરંતુ તૂટી ન જાય. ત્યારબાદ પાણી કાઢીને બટાકાને સંપૂર્ણપણે સૂકવી લો. તેમાં કોર્ન ફ્લોર, મેંદો, મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો, જેથી દરેક બટાકા પર સરખું કોટિંગ ચઢી જાય. હવે ગરમ તેલમાં બટાકાને મધ્યમ તાપે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. વધુ ક્રિસ્પી બનાવવા માટે તેને બીજી વાર થોડા સમય માટે ગરમ તેલમાં તળી શકો છો. હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં લસણ, આદુ અને લીલાં મરચાં સાંતળો. ત્યારબાદ ડુંગળી અને કેપ્સિકમ ઉમેરીને ઊંચા તાપે 1થી 2 મિનિટ સાંતળો, જેથી શાકભાજીનો થોડો ક્રંચ જળવાઈ રહે. હવે તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો કેચઅપ, વિનેગર, ખાંડ, મીઠું અને કાળા મરી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર લાગે તો 1થી 2 ચમચી પાણી ઉમેરીને સોસ તૈયાર કરો. છેલ્લે તળેલા બટાકા પેનમાં નાખીને ઊંચા તાપે ઝડપથી મિક્સ કરો, જેથી સોસનું કોટિંગ બટાકા પર સરખું ચઢી જાય. ઉપરથી તલ અને સમારેલી લીલી ડુંગળી નાખીને તરત જ ગરમાગરમ પીરસો.
