Jamnagar Tikha Ghughra Recipe: ગુજરાતી નાસ્તામાં ઘૂઘરાનું નામ આવે એટલે મીઠા ઘૂઘરા તો યાદ આવે જ, પરંતુ જામનગરના તીખા ઘૂઘરાનો સ્વાદ પણ કંઈક અલગ જ છે. બહારથી કરકરા અને અંદરથી મસાલેદાર સ્ટફિંગવાળા આ ઘૂઘરા ચા સાથે સર્વ કરવામાં આવે તો નાસ્તાની મજા બમણી થઈ જાય છે. ખાસ વાત એ છે કે તેને ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે.
તીખા ઘૂઘરા બનાવવા માટેની સામગ્રી
લોટ માટે
- મેંદો – 2 કપ
- મોણ માટે તેલ – 4 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- પાણી – જરૂર મુજબ
સ્ટફિંગ માટે
- બટાકા – 3-4 બાફેલા
- લીલા વટાણા – ½ કપ
- લીલા મરચાં – 2-3 ઝીણા સમારેલા
- આદુ – 1 ચમચી
- ધાણા-જીરુ પાઉડર – 1 ચમચી
- લાલ મરચું – 1 ચમચી
- હળદર – ¼ ચમચી
- ગરમ મસાલો – ½ ચમચી
- આમચૂર પાઉડર – ½ ચમચી
- તલ – 1 ચમચી
- ખાંડ – ચપટી
- મીઠું – સ્વાદ મુજબ
- લીલા ધાણા – ઝીણા સમારેલા
- તેલ – તળવા માટે
તીખા ઘૂઘરા બનાવવાની રીત
સૌથી પહેલા એક વાસણમાં મેંદો, મીઠું અને મોણ માટેનું તેલ નાખીને સારી રીતે મિક્સ કરો. હાથથી દબાવતાં લોટ મુઠ્ઠી જેવો બંધાઈ જાય તો મોણ બરાબર પડ્યું છે. ત્યારબાદ થોડું-થોડું પાણી ઉમેરીને થોડો કડક લોટ બાંધી લો. લોટને ઢાંકીને લગભગ 15-20 મિનિટ માટે આરામ આપો.
હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં લીલા મરચાં, આદુ અને તલ ઉમેરીને હળવા સાંતળો. ત્યારબાદ બાફેલા બટાકા અને લીલા વટાણા ઉમેરીને બરાબર મિક્સ કરો. તેમાં હળદર, લાલ મરચું, ધાણા-જીરુ, ગરમ મસાલો, આમચૂર, મીઠું અને ચપટી ખાંડ નાખીને મસાલો સારી રીતે શેકી લો. છેલ્લે લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દો અને સ્ટફિંગને ઠંડું થવા દો.
હવે લોટના સરખા લૂઆ બનાવીને નાની-મધ્યમ પૂરી જેટલી વણી લો. તેની વચ્ચે તૈયાર કરેલું તીખું સ્ટફિંગ મૂકો અને કિનારીઓ પર થોડું પાણી લગાવીને ઘૂઘરાને સારી રીતે બંધ કરો. કિનારીને વાળી કે દબાવીને સુંદર આકાર આપી શકાય છે.
કડાઈમાં તેલ ગરમ કરીને ઘૂઘરાને મધ્યમ-ધીમા તાપે તળો. ઘૂઘરા ધીમે ધીમે તળશો તો બહારથી સરસ કરકરા બનશે અને અંદરનો મસાલો પણ સારી રીતે ગરમ થશે. ઘૂઘરા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લો. ગરમાગરમ જામનગરના તીખા ઘૂઘરા ચા, લીલી ચટણી અથવા મીઠી ચટણી સાથે સર્વ કરો.
