Chana Dal Dhokla Recipe: ગુજરાતી નાસ્તામાં ઢોકળા તો લગભગ દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે, પરંતુ જો ઢોકળા એકદમ જાળીદાર, હળવા અને રૂ જેવા સોફ્ટ બને તો નાસ્તાની મજા બમણી થઈ જાય. ચણાની દાળમાંથી બનતા આ ઢોકળા સ્વાદિષ્ટ હોવાની સાથે રોજના નાસ્તામાં કંઈક નવું પીરસવાનો પણ સરસ વિકલ્પ છે. ખાસ વાત એ છે કે તેને ઘરે જ સરળતાથી બનાવી શકાય છે. તો ચાલો જાણીએ ચણાની દાળના ઢોકળા બનાવવાની એવી રીત, જેનાથી તે સોફ્ટ અને જાળીદાર બનાવવામાં મદદ મળશે.
ચણાની દાળના ઢોકળા બનાવવાની સામગ્રી
- ચણાની દાળ – 1 કપ
- દહીં – 2 ચમચી
- આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
- હળદર – ¼ ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
- ઈનો – 1 નાની ચમચી
- તેલ – 1 ચમચી
- પાણી – જરૂર મુજબ
વઘાર માટે
- તેલ – 1 ચમચી
- રાઈ – ½ ચમચી
- તલ – 1 ચમચી
- લીલાં મરચાં – 2
- લીમડાનાં પાન – થોડાં
- પાણી – 2થી 3 ચમચી
ચણાની દાળના ઢોકળા બનાવવાની રીત
સૌપ્રથમ ચણાની દાળને 4થી 5 કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ દાળનું પાણી કાઢીને મિક્સરમાં દહીં અને થોડું પાણી ઉમેરીને એકદમ બારીક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને એક વાસણમાં કાઢીને તેમાં આદુ-મરચાંની પેસ્ટ, હળદર, મીઠું અને તેલ ઉમેરીને બરાબર મિક્સ કરો. ખીરું થોડું ઘટ્ટ હોય તો જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને 6થી 8 કલાક આથો આવવા માટે ઢાંકીને રાખો. હવે ઢોકળા બનાવવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને થાળીમાં તેલ લગાવી તૈયાર રાખો. ખીરામાં છેલ્લે ઈનો ઉમેરી હળવા હાથે મિક્સ કરો અને તરત જ થાળીમાં રેડી દો. ગરમ વરાળમાં લગભગ 15થી 20 મિનિટ સુધી ઢોકળા બાફો. ટૂથપીક નાખીને તપાસો; તે સાફ બહાર આવે તો ઢોકળા તૈયાર છે. હવે એક નાની કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, તલ, લીલાં મરચાં અને લીમડાનાં પાનનો વઘાર કરો. તેમાં થોડું પાણી ઉમેરી વઘારને ઢોકળા પર સરખી રીતે રેડો. ઢોકળા થોડા ઠંડા થાય પછી કટકા કરી લીલી ચટણી સાથે પીરસો.
સોફ્ટ અને જાળીદાર ઢોકળા બનાવવા માટેની ટિપ્સ
- દાળને પૂરતો સમય પલાળવાથી પેસ્ટ બારીક બને છે.
- ખીરું બહુ પાતળું ન રાખો, નહીં તો ઢોકળાની રચના યોગ્ય નહીં બને.
- ઈનો હંમેશાં છેલ્લે ઉમેરીને તરત જ ઢોકળા બાફવા મૂકો.
- ઢોકળા બાફતી વખતે વાસણમાં પૂરતી વરાળ હોવી જરૂરી છે.
- ઢોકળા તૈયાર થાય ત્યારે તરત જ બહાર કાઢીને થોડા ઠંડા થવા દો, પછી કટકા કરો.
