Diwali Special Rasgulla Recipe: દિવાળીના તહેવારમાં મીઠાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આ વખતે બજારમાંથી રસગુલ્લા લાવવાને બદલે ઘરે જ નરમ અને રસથી ભરપૂર રસગુલ્લા બનાવો. યોગ્ય રીતે છીનો તૈયાર કરવામાં આવે અને તેને સારી રીતે મસળવામાં આવે તો રસગુલ્લા એકદમ સ્પોન્જી બને છે. પ્રેશર કુકરની મદદથી પણ આ મીઠાઈ સરળતાથી બનાવી શકાય છે. તો જાણો રસગુલ્લા બનાવવાની સંપૂર્ણ રેસીપી.
રસગુલ્લા બનાવવની સામગ્રી
- 1 લિટર ફુલ ક્રીમ દૂધ
- 2થી 3 ચમચી લીંબુનો રસ
- 1½ કપ ખાંડ
- 4 કપ પાણી
રસગુલ્લા બનાવવાની રીત
સૌપ્રથમ એક વાસણમાં દૂધ ગરમ કરો. દૂધ ઉકળે એટલે ગેસ બંધ કરીને તેમાં ધીમે ધીમે લીંબુનો રસ ઉમેરો. દૂધ ફાટી જાય અને છીનો અલગ થઈ જાય એટલે તેને મલમલના કપડામાં ગાળી લો. છીનાને ઠંડા પાણીથી ધોઈ લો, જેથી લીંબુનો ખાટો સ્વાદ દૂર થઈ જાય.
હવે કપડાને બાંધીને 20થી 30 મિનિટ માટે લટકાવી રાખો, જેથી છીનામાંથી વધારાનું પાણી નીકળી જાય. ધ્યાન રાખો કે છીનો એકદમ સૂકો ન થઈ જાય. ત્યારબાદ તેને થાળીમાં કાઢીને હથેળીથી 5થી 8 મિનિટ સુધી સારી રીતે મસળો. છીનો મુલાયમ થઈ જાય અને તેમાં દાણા ન રહે ત્યારે તેના નાના-નાના ગોળા બનાવી લો. ગોળામાં તિરાડ ન રહે તેનું ધ્યાન રાખવું.
હવે પ્રેશર કુકરમાં ખાંડ અને પાણી ઉમેરીને ગરમ કરો. ખાંડ ઓગળી જાય અને ચાસણી ઉકળવા લાગે એટલે તેમાં છીનાના ગોળા ધીમેથી નાખો. કુકરનું ઢાંકણ બંધ કરીને પ્રેશર આવવા દો. ત્યારબાદ ધીમા ગેસ પર લગભગ 5થી 7 મિનિટ પકાવો. કુકર પ્રમાણે સમય બદલાઈ શકે છે. ગેસ બંધ કર્યા પછી પ્રેશર કુદરતી રીતે સંપૂર્ણ ઉતરે તેની રાહ જુઓ અને ત્યારબાદ જ ઢાંકણ ખોલો.
રસગુલ્લા તૈયાર થઈ જાય એટલે તેને ચાસણીમાં જ ઠંડા થવા દો. આ રીતે રસગુલ્લા ચાસણી શોષી લેશે અને નરમ તથા રસદાર બનશે. ઠંડા થયા પછી તેને બાઉલમાં કાઢીને પીરસો.
રસગુલ્લા બનાવતી વખતે આ ટિપ્સ ધ્યાનમાં રાખો
- છીનાને સારી રીતે મસળવો, જેથી રસગુલ્લા સ્પોન્જી બને.
- ગોળા બનાવતી વખતે તિરાડ ન રહે તેનું ધ્યાન રાખો.
- ચાસણીમાં પૂરતું પાણી રાખો, જેથી રસગુલ્લા ફૂલી શકે.
- પ્રેશર સંપૂર્ણ ઉતર્યા પહેલાં કુકર ખોલશો નહીં.
