Sitafal Basundi: બજાર જેવી સ્વાદિષ્ટ સીતાફળ બાસુંદી ઘરે બનાવો, આ નાની ટ્રીકથી મળશે ઘટ્ટ અને ક્રીમી ટેક્સચર

દિવાળીના તહેવારમાં ઘરે જ બનાવો બજાર જેવી ઘટ્ટ અને સ્વાદિષ્ટ સીતાફળ બાસુંદી. દૂધ, સીતાફળનો પલ્પ અને ડ્રાયફ્રૂટ્સથી તૈયાર કરો આ ખાસ મીઠાઈ. જાણો બનાવવાની સરળ રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Mon, 02 Nov 2026 09:25 AM (IST)Updated: Mon, 02 Nov 2026 09:25 AM (IST)
diwali-special-creamy-sitafal-basundi-recipe
AI PHOTO

Sitafal Basundi recipe: દિવાળીના તહેવારમાં મીઠાઈની વાત આવે ત્યારે બાસુંદીનું નામ સૌથી પહેલાં યાદ આવે છે. સામાન્ય બાસુંદી તો તમે ઘણી વખત બનાવી હશે, પરંતુ આ વખતે તેમાં સીતાફળનો ખાસ સ્વાદ ઉમેરીને કંઈક નવું બનાવો. સીતાફળ બાસુંદી સ્વાદમાં મીઠી, ઘટ્ટ અને એકદમ ક્રીમી લાગે છે. ખાસ વાત એ છે કે તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે અને મહેમાનોને પણ આ નવી મીઠાઈ ચોક્કસ પસંદ આવશે. તો ચાલો જાણીએ સીતાફળ બાસુંદી બનાવવાની સરળ રીત.

સીતાફળ બાસુંદી બનાવવા માટેની સામગ્રી

  • 1 લિટર ફુલ ક્રીમ દૂધ
  • 2 મધ્યમ કદનાં પાકાં સીતાફળ
  • ½ કપ ખાંડ (સ્વાદ મુજબ)
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 8-10 બદામની કતરણ
  • 8-10 પિસ્તાની કતરણ
  • થોડાં કેસરનાં તાંતણાં

સીતાફળ બાસુંદી બનાવવાની રીત

સૌથી પહેલાં સીતાફળને કાપીને તેનાં બીજ અલગ કરી લો. ત્યારબાદ ચમચીની મદદથી તેનો પલ્પ કાઢી લો. પલ્પને મિક્સરમાં એકદમ બારીક પેસ્ટ ન બનાવવી, થોડો દાણેદાર રાખવાથી બાસુંદીમાં સીતાફળનો સ્વાદ વધુ સારી રીતે આવે છે. પલ્પને થોડા સમય માટે ફ્રિજમાં રાખી દો.

હવે એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધમાં એક ઉભરો આવે ત્યારબાદ ગેસ ધીમો કરી દો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. દૂધને ધીમા તાપે ઉકાળો અને વાસણની કિનારી પર જામતી મલાઈને પણ દૂધમાં ભેળવતા રહો. દૂધ ઘટ્ટ થઈને અંદાજે અડધું થાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ તેમાં ખાંડ અને એલચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.

હવે ગેસ બંધ કરીને બાસુંદીને સંપૂર્ણ ઠંડી થવા દો. બાસુંદી ગરમ હોય ત્યારે તેમાં સીતાફળનો પલ્પ ન ઉમેરવો, કારણ કે દૂધ ફાટી શકે છે. બાસુંદી ઠંડી થઈ જાય ત્યારબાદ તેમાં સીતાફળનો પલ્પ ઉમેરીને હળવા હાથે મિક્સ કરો.

છેલ્લે તેમાં બદામ, પિસ્તા અને કેસરનાં તાંતણાં ઉમેરીને બાસુંદીને ફ્રિજમાં 2થી 3 કલાક ઠંડી થવા માટે રાખો. ઠંડી અને ઘટ્ટ થયેલી સીતાફળ બાસુંદીને બાઉલમાં કાઢીને ઉપરથી થોડાં ડ્રાયફ્રૂટ્સ નાખીને સર્વ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ સીતાફળ બાસુંદી.

સીતાફળ બાસુંદી વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ખાસ ધ્યાન રાખો

હંમેશાં પાકાં અને મીઠાં સીતાફળનો જ ઉપયોગ કરવો. સીતાફળના પલ્પમાં બીજ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. બાસુંદીમાં પલ્પ ઉમેરતાં પહેલાં તેને સંપૂર્ણ ઠંડી કરવી, જેથી દૂધ ફાટે નહીં. બાસુંદીને ઠંડી કરીને સર્વ કરવાથી તેનો સ્વાદ વધુ સારો લાગે છે.