Rice Flour Masala Sticks Recipe: દિવાળીના તહેવારમાં ઘરે અલગ-અલગ પ્રકારના ફરસાણ બનાવવાની મજા જ કંઈક અલગ હોય છે. જો તમે આ વખતે ચકલી, સેવ અને ચેવડાથી કંઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો ચોખાના લોટની મસાલા સ્ટિક્સ એક સરસ વિકલ્પ છે. ચોખાના લોટ અને મસાલાના મિશ્રણથી બનતી આ સ્ટિક્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી સ્વાદિષ્ટ બને છે. તેને ચા સાથે નાસ્તામાં ખાઈ શકાય છે અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.
ચોખાના લોટની મસાલા સ્ટિક્સ બનાવવા માટેની સામગ્રી
- ચોખાનો લોટ – 1 કપ
- પાણી – 1 કપ
- તલ – 1 મોટી ચમચી
- જીરું – ½ નાની ચમચી
- અજમો – ½ નાની ચમચી
- લાલ મરચું પાવડર – ½ નાની ચમચી
- હળદર – ¼ નાની ચમચી
- હિંગ – 1 ચપટી
- મીઠું – સ્વાદ પ્રમાણે
- તેલ – 1 મોટી ચમચી (મોણ માટે)
- તળવા માટે તેલ
ચોખાના લોટની મસાલા સ્ટિક્સ બનાવવાની રીત
સૌથી પહેલાં એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, જીરું, અજમો, તલ, હિંગ અને એક મોટી ચમચી તેલ નાખીને બરાબર મિક્સ કરો. પાણીમાં ઊભરો આવે એટલે ગેસ ધીમો કરી તેમાં ચોખાનો લોટ ઉમેરો. લોટને સતત હલાવતા રહો, જેથી ગઠ્ઠા ન પડે. મિશ્રણ ભેગું થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઢાંકીને 5 મિનિટ રહેવા દો.
હવે લોટ થોડો ગરમ હોય ત્યારે તેને હાથથી બરાબર મસળી લો. જરૂર પડે તો હાથ પર થોડું તેલ લગાવો. લોટ નરમ અને એકસરખો થઈ જાય પછી તેના નાના ભાગ લો અને હાથથી લાંબી સ્ટિક્સનો આકાર આપો. તમે ઇચ્છો તો સેવ બનાવવાના સંચામાં મોટા કાણાવાળી જાળી લગાવીને પણ સ્ટિક્સ બનાવી શકો છો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય એટલે સ્ટિક્સને ધીમા-મધ્યમ તાપે તળો. સ્ટિક્સ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને બહાર કાઢો. ઠંડી થયા પછી તેને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખો. તૈયાર છે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ચોખાના લોટની મસાલા સ્ટિક્સ.
મસાલા સ્ટિક્સને ક્રિસ્પી બનાવવાની ટિપ્સ
લોટમાં પાણીનું પ્રમાણ યોગ્ય રાખવું જરૂરી છે. લોટ વધારે કઠણ હશે તો સ્ટિક્સ બનાવવામાં તકલીફ પડશે અને વધારે નરમ હશે તો આકાર બરાબર નહીં આવે. સ્ટિક્સને ધીમા-મધ્યમ તાપે તળો, જેથી તે અંદરથી પણ સારી રીતે ક્રિસ્પી બને. સ્ટોર કરતાં પહેલાં તેને સંપૂર્ણ ઠંડી થવા દો.
