ગુજરાત કબડ્ડી લીગ માટે અમદાવાદ હેરીટેજ હીરોઝના લોગોનું અનાવરણ કરાયું,રાજ્યમાં આ રમતને પ્રોત્સાહન અપાશે

અમદાવાદમાં અંદાજે 400 ખેલાડીઓ કબડ્ડીની તાલીમ લઈ રહ્યા છે. આ સંખ્યાને ટૂંકા ગાળામાં 4000થી વધુ સુધી લઈ જવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 07 Oct 2026 08:36 PM (IST)Updated: Wed, 07 Oct 2026 08:36 PM (IST)
logo-unveiled-for-ahmedabad-heritage-heroes-in-gujarat-kabaddi-league

Gujarat Kabaddi League: ગુજરાતમાં કબડ્ડીની રમતને વધુ વ્યાપક અને વ્યવસ્થિત પ્લેટફોર્મ પૂરું પાડવા ગુજરાત કબડ્ડી લીગના આયોજનની દિશામાં અમદાવાદ હેરિટેજ હીરોઝ ટીમની સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી આ ટીમ દ્વારા લીગમાં ભાગ લેવા ઉપરાંત કબડ્ડીના લાંબા ગાળાના વિકાસ, ખેલાડીઓ માટેની તકો અને રમતગમતની માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશન દ્વારા રાજ્યમાં કબડ્ડીની રમતને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાત કબડ્ડી લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સ્પોર્ટ્સ પ્રમોટર જગત પટેલે જણાવ્યું હતું કે કબડ્ડી ભારતની પરંપરાગત અને લોકપ્રિય રમતો પૈકીની એક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રોફેશનલ સ્તરે કબડ્ડીને મળેલી ઓળખના કારણે યુવાનોમાં આ રમત પ્રત્યેનો રસ વધ્યો છે. ગુજરાતમાં પણ પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. જરૂર છે યોગ્ય પ્લેટફોર્મ, ગુણવત્તાયુક્ત તાલીમ, માર્ગદર્શન અને સતત સ્પર્ધાની તકો ઉપલબ્ધ કરાવવાની.

કબડ્ડી માત્ર રમત તરીકે નહીં પરંતુ યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત, શારીરિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાના માધ્યમ તરીકે પણ મહત્વપૂર્ણ છે. તેથી રમતના વિકાસ માટે માત્ર સ્પર્ધાઓનું આયોજન પૂરતું નથી. ખેલાડીઓને કોચિંગ, ફિટનેસ, યોગ્ય આહાર અને આધુનિક રમતગમતની સુવિધાઓ પણ ઉપલબ્ધ થવી જરૂરી છે.

પેન્ટાફોર્સ સ્પોર્ટ્સ દ્વારા આગામી સમયમાં કબડ્ડી માટે એકેડેમીની દિશામાં પણ આગળ વધવાની યોજના છે.અમદાવાદમાં અંદાજે 400 ખેલાડીઓ કબડ્ડીની તાલીમ લઈ રહ્યા છે. આ સંખ્યાને ટૂંકા ગાળામાં 4000થી વધુ સુધી લઈ જવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ માટે શહેર ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રહેલી પ્રતિભાને ઓળખી તેમને યોગ્ય તાલીમ અને સ્પર્ધાત્મક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

અમદાવાદ હેરિટેજ હીરોઝ સાથે જોડાયેલા ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે દેશની લોકપ્રિય રમતોમાંની એક કબડ્ડીને ગુજરાતમાં વધુને વધુ લોકપ્રિય બનાવવી જરૂરી છે. અમદાવાદ હેરિટેજ હીરોઝનો ઉદ્દેશ માત્ર એક લીગ અથવા સ્પર્ધા પૂરતો મર્યાદિત નથી. રાજ્યમાં કબડ્ડી માટે લાંબા ગાળાનું વાતાવરણ ઊભું થાય અને અલગ અલગ શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી પ્રતિભાને આગળ આવવાની તક મળે તે દિશામાં કામ કરવાનો પ્રયાસ રહેશે.