Cristiano Ronaldo Retirement: પોર્ટુગલના દિગ્ગજ અને મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 5 વખત બેલોન ડી'ઓર (Ballon d'Or) વિજેતા રહેલા રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાના 23 વર્ષના લાંબા અને ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય કરિયરના અંત અંગે માહિતી આપી હતી.
રોનાલ્ડોએ આ મહત્વનો નિર્ણય 5 નવેમ્બર, ગુરૂવારના રોજ એક વીડિયો પોસ્ટ કરી જાહેર કર્યો હતો. હવે તેઓ પોર્ટુગલની રાષ્ટ્રીય ટીમ માટે રમતા જોવા મળશે નહીં. નોંધનીય છે કે, રોનાલ્ડો વિશ્વ ફૂટબોલના સૌથી મહાન ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે અને તાજેતરમાં તેમને લઈને કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા.
41 વર્ષીય રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન પોર્ટુગલ માટે 234 મેચ રમી અને વિશ્વ રેકોર્ડ 146 ગોલ નોંધાવ્યા હતા. તેમણે પોતાના દેશ માટે 5 વર્લ્ડ કપ અને 6 વખત યુરોપિયન ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. નિવૃત્તિની જાહેરાત સાથે તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ઓળખ સમાન આઈકોનિક No. 7 શર્ટ પણ પરત સોંપવાનો નિર્ણય કર્યો છે.
ભાવુક વીડિયોમાં રોનાલ્ડોએ રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી અને યાદોને વાગોળતા કહ્યું કે, "અમારી રાષ્ટ્રીય ટીમની નંબર 7 જર્સી પરત સોંપવાનો દિવસ આવી ગયો છે. મને ક્યારેય એવું લાગ્યું નથી કે આ માત્ર મારું જ છે, પરંતુ 23 વર્ષ સુધી મને તેને પહેરવાનો, તેનું રક્ષણ કરવાનો અને સમગ્ર વિશ્વના સ્ટેડિયમોમાંતેને સાથે લઈ જવાનો વિશેષાધિકાર અને જવાબદારી મળી હતી."
ઓગસ્ટ, 2003 માં શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય સફરને જીવન બદલી નાખનારગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, "જ્યારે હું રાષ્ટ્રીય ટીમ સાથેની તમામ બાબતો તરફ પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને માત્ર મેચ, ગોલ, રેકોર્ડ્સ કે ટ્રોફી જ દેખાતી નથી, પરંતુ મને લોકો દેખાય છે. કારણ કે દિવસના અંતે, ફૂટબોલ એ માત્ર એક રમત કરતાં ઘણું મોટું છે. ફૂટબોલ એ લોકો વિશે છે."
રોનાલ્ડોના કરિયરના ઐતિહાસિક આંકડા
- કુલ આંતરરાષ્ટ્રીય મેચ: પોર્ટુગલ માટે કુલ 234 આંતરરાષ્ટ્રીય મેચ રમી.
- ઓલ-ટાઈમ ગોલ રેકોર્ડ: દેશ માટે સૌથી વધુ રેકોર્ડ 146 ગોલ કર્યા.
- કરિયરનો સમયગાળો: 23 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય સફર (August 2003 થી શરૂઆત)
- વર્લ્ડ કપ અને યુરોપિયન ચેમ્પિયનશિપ: 5 વર્લ્ડ કપ અને 6 યુરોપિયન ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું.
- એવોર્ડ્સ અને જર્સી: 5 વખત બેલોન ડી'ઓર વિજેતા અને ઐતિહાસિક No. 7 જર્સી.
