Yashasvi Jaiswal Birthday, Family, Career: ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તે હાલમાં ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદગી છે અને તેણે ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. જોકે, ટીમ ઈન્ડિયા સુધી પહોંચવાનો તેનો રસ્તો ઘણો મુશ્કેલ હતો. એક સમયે આઝાદ મેદાનમાં ટેન્ટમાં રહેનાર આ ખેલાડી આજે ભારતીય ટીમનો મહત્વનો સ્તંભ બની ગયો છે.
યશસ્વી જયસ્વાલનું બાળપણ
યશસ્વીનું પૂરું નામ યશસ્વી ભૂપેન્દ્ર કુમાર જયસ્વાલ છે, જેનો જન્મ 28 ડિસેમ્બર 2001ના રોજ ઉત્તર પ્રદેશના ભદોહીમાં થયો હતો. હાલમાં તેની ઉંમર 23 વર્ષ છે અને તેની ઊંચાઈ 6 ફૂટ છે. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત 12 જુલાઈ 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે કરી હતી. વનડે ડેબ્યુ 6 ફેબ્રુઆરી 2025ના રોજ અને ટી20 ડેબ્યુ 8 ઓગસ્ટ 2023ના રોજ થયું હતું. તે મેદાન પર 64 નંબરની જર્સી પહેરે છે.
યશસ્વી તેના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. તેના પિતા ભૂપેન્દ્ર જયસ્વાલ હાર્ડવેરની નાની દુકાન ચલાવે છે અને માતા કંચન જાયસ્વાલ ગૃહિણી છે. ક્રિકેટના સપના પૂરા કરવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. તેણે આઝાદ મેદાનમાં ગ્રાઉન્ડમેન સાથે ટેન્ટમાં રાત વિતાવી હતી અને આવક માટે પાણીપુરી પણ વેચી હતી. ડેરી વ્યવસાયમાં પણ તેણે કામ કર્યું હતું પરંતુ પ્રેક્ટિસને કારણે સમય ન આપી શકતા તેને કામ પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 12 વર્ષની ઉંમરે કોચ જ્વાલા સિંહે તેની પ્રતિભા ઓળખી અને તેને ટેકો આપ્યો.
ક્રિકેટ કરિયર અને શાનદાર રેકોર્ડ્સ
યશસ્વીએ U19 વર્લ્ડ કપ 2020માં 400 રન બનાવીને 'પ્લેયર ઓફ ધ સીરીઝ'નો એવોર્ડ મેળવ્યો હતો. તે વિજય હઝારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેણે સૌથી ઝડપી 1000 રન પૂરા કરવાનો વિક્રમ નોંધાવ્યો છે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે 625 રન બનાવ્યા હતા. આ ઉપરાંત, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે તે ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.
યશસ્વી જયસ્વાલ નેટવર્થ
યશસ્વી જયસ્વાલની કુલ સંપત્તિ અંદાજે 65 થી 70 કરોડ રૂપિયા છે. તે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ગ્રેડ-બીમાં સામેલ છે, જેનાથી તેને વાર્ષિક 3 કરોડ રૂપિયા મળે છે. આઈપીએલમાંથી તેણે અત્યાર સુધીમાં કુલ 34.8 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ CLA 200, ટાટા હેરિયર અને મહિન્દ્રા થાર જેવી લક્ઝરી કાર છે. ઉપરાંત થાણેમાં તેનો 5 BHK એપાર્ટમેન્ટ છે અને પુણેમાં પણ તેની મિલકતો છે.
યશસ્વી જયસ્વાલના રિલેશનશિપ વિશે વાત કરીએ તો એવી અફવાઓ છે કે તે મેડી હેમિલ્ટનને ડેટ કરી રહ્યો છે, જે 2024માં હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા પણ વધી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયનથી વધુ અને X (ટ્વિટર) પર 146k થી વધુ ફોલોઅર્સ છે.

