WTC Points Table Update: ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે સોમવારે માઉન્ટ માઉંગાનુઈ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 323 રનના વિશાળ અંતરથી હરાવી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે કીવી ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2025-27) ના પોઈન્ટ ટેબલમાં જોરદાર છલાંગ લગાવી છે, જ્યારે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમોને નુકસાન વેઠવું પડ્યું છે.
ઓપનરોનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ
આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનરોએ ઈતિહાસ રચ્યો હતો. ડેવોન કોનવે એક જ ટેસ્ટમાં બેવડી સદી (227) અને સદી (100) ફટકારનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સાથે કેપ્ટન ટોમ લેથમે પણ બંને ઇનિંગ્સમાં સદી (137, 101) ફટકારી હતી. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ ટીમના બંને ઓપનરોએ એક જ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હોય.
ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 575 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 420 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કીવી ટીમે બીજી ઇનિંગ 306 રને જાહેર કરી વિન્ડીઝને 462 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડના બોલર જેકબ ડફી (5 વિકેટ) અને એજાઝ પટેલે (3 વિકેટ) શાનદાર પ્રદર્શન કરી વિન્ડીઝને માત્ર 138 રનમાં જ સમેટી લીધું હતું.
WTC પોઈન્ટ ટેબલમાં ભારતની સ્થિતિ
આ જીત બાદ ન્યૂઝીલેન્ડ 77.78 PCT સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 100% જીતના રેકોર્ડ સાથે પ્રથમ સ્થાને યથાવત છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા ત્રીજા અને શ્રીલંકા ચોથા સ્થાને સરકી ગયું છે. ભારતીય ટીમ હાલમાં 48.15 PCT સાથે છઠ્ઠા સ્થાને સંઘર્ષ કરી રહી છે, જેના કારણે લોર્ડ્સમાં રમાનારી ફાઈનલ સુધી પહોંચવાની તેની રાહ હવે વધુ મુશ્કેલ બની ગઈ છે. એશિઝની ત્રીજી ટેસ્ટ હાર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ 27.08 PCT સાથે સાતમા સ્થાને છે.
ન્યૂઝીલેન્ડની આ જીતે WTC ફાઈનલની રેસને વધુ રોમાંચક બનાવી દીધી છે, જ્યાં એક તરફ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં છે, તો બીજી તરફ ભારત માટે હવે આગળનો રસ્તો ઘણો પડકારજનક બની ગયો છે.
