IND W vs AUS W: મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. રવિવારે રમાયેલા ગ્રુપ-Aના નિર્ણાયક મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે ટીમ ઇન્ડિયા સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
હરમનપ્રીતની શાનદાર બેટિંગ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેતી વખતે ભારતીય ટીમને સારી શરૂઆતની જરૂર હતી, જે સ્મૃતિ મંધાના (38) અને શેફાલી વર્માએ આપી. જોકે, સાચા અર્થમાં મેચમાં રોમાંચ ત્યારે આવ્યો જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર મેદાનમાં ઉતરી. હરમનપ્રીતે માત્ર 27 બોલમાં 56 રન ફટકારીને T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો. તેમની આ આક્રમક ઇનિંગ્સના કારણે ભારત 170 રનનો મજબૂત સ્કોર ખડકી શક્યું હતું.
T20Iમાં AUS-W સામે સૌથી ઝડપી 50 રન
- 22 - ડીએન્ડ્રા ડોટિન, ટાઉન્ટન, 2009
- 24 - સોફી ડંકલી, સિડની, 2025
- 25 - હરમનપ્રીત કૌર, લોર્ડ્સ, 2026
- 26 - હેલી મેથ્યુઝ, નોર્થ સિડની ઓવલ, 2023
મહિલા T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 50+ રન
- 5 - ચાર્લોટ એડવર્ડ્સ
- 5 - મેગ લેનિંગ
- 5 - હરમનપ્રીત કૌર
- 4 - ચમારી અથાપથુ
- 3 - સુઝી બેટ્સ
દીપ્તિ શર્માનો ઐતિહાસિક રેકોર્ડ
આ હાર વચ્ચે એક આશાનું કિરણ પણ જોવા મળ્યું. દીપ્તિ શર્માએ બેથ મૂનીનો વિકેટ લેતા જ મહિલા ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ છે. દિપ્તિએ ઝુલન ગોસ્વામીનો મહાન રેકોર્ડ તોડીને પોતાના નામે એક મોટી સિદ્ધિ અંકિત કરી છે.
ઓસ્ટ્રેલિયાની મજબૂત ભાગીદારી
171 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતમાં એક વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ એલિસ પેરી અને એશ્લે ગાર્ડનરની જોડીએ રમત પલટી નાખી. પેરીએ 56 અને ગાર્ડનરે અણનમ 53 રન બનાવીને 19મી ઓવરમાં ટીમને જીત અપાવી દીધી હતી.
T20 વર્લ્ડ કપમાં AUS-W સામે 150 થી વધુનો સ્કોર
- 170/4 - IND-W, લોર્ડ્સ, 2026
- 167/8 - IND-W, પ્રોવિડન્સ, 2018
- 167/8 - IND-W, કેપ ટાઉન, 2023
- 165/2 - ENG-W, ધ ઓવલ, 2009
- 151/7 - NZ-W, મેલબોર્ન, 2020
સેમીફાઈનલનું સમીકરણ
આ પરિણામ સાથે ગ્રુપ-Aમાંથી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. બીજી તરફ, ગ્રુપ-Bમાંથી ઈંગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિસે અંતિમ-4માં સ્થાન નિશ્ચિત કર્યું છે.
ભારતીય ટીમ માટે આ ટૂર્નામેન્ટ નિરાશાજનક રહી, પરંતુ દીપ્તિ શર્માના રેકોર્ડ અને હરમનપ્રીતની બેટિંગે ક્રિકેટ પ્રેમીઓને ગર્વ કરવાની તક ચોક્કસ આપી છે.
